• Home
  • News
  • અમદાવાદ શહેરને બદલે ગામોમાંથી કૂતરાં પકડી લાવી ટાર્ગેટ પૂરો કરાય છે
post

મ્યુનિ. ખસીકરણ માટે મહિને 30 લાખ ખર્ચે છે છતાં શહેરમાં કૂતરાંનો આતંક યથાવત્

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 09:15:42

અમદાવાદ: મ્યુનિ.માં કૂતરાંના ખસીકરણના નામે કૌભાંડ ચાલી રહ્યું છે. શહેરમાં રખડતા કૂતરાંને પકડીને ખસીકરણ કરવાને બદલે ઔડાની હદના ગામોમાં ઘૂસીને મ્યુનિ.કોન્ટ્રાકટર કૂતરાં પકડી લાવે છે. અસલાલી, નાઝ, વિરમઠા સહિતના ગામોમાંથી કૂતરાં પકડીને દાણીલીમડા સેન્ટર ખાતે લઈ જવાય છે. મ્યુનિ. રોજના 50 કૂતરાંને ખસીકરણ કરવાનો આપેલો ટાર્ગેટ પૂરો કરવા અને ખોટા આંકડા બતાવી સંસ્થા નાણાં ખંખેરી રહી છે. દર મહિને મ્યુનિ.કૂતરાંના ખસીકરણ પાછળ અંદાજે રૂા.30 લાખનો ખર્ચ કરે છે. તાજેતરમાં મ્યુનિ. એક કંપનીને ટેન્ડર વિના કોન્ટ્રાક્ટ આપ્યો છે. કંપની સહિત કુલ ચાર કંપનીઓ ખસીકરણની કામગીરી કરે છે. દરેકને મ્યુનિ. ઝોનવાર વહેંચણી કરી છે. પરંતુ ટેન્ડર વિના કામ કરતી કંપની શહેરની આસપાસના ગામોમાંથી રખડતા કૂતરાં પકડી લાવે છે અને તેમનું ખસીકરણ કરે છે. બુધવારે ટીમે વિરમઠા ખાતેથી કૂતરા પકડ્યા હતા. ‘દિવ્ય ભાસ્કર કોન્ટ્રાક્ટરના કૌભાંડને ખૂલ્લું પાડ્યું છે.


5
વર્ષમાં ખસીકરણ પાછળ 10.21 કરોડ ખર્ચ
વર્ષ 2012 થી વર્ષ 2017 દરમિયાન મ્યુનિ. કૂતરાંના ખસીકરણ પાછળ રૂા.10.21 કરોડનો ખર્ચ કર્યો હોવાનું ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કરેલી આરટીઆઈમાં ખુલાસો થયો હતો. ઉપરાંત કૂતરાંના રસીકરણ પાછળ પણ 1.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.


હજુ હમણાં અમે 12થી 13 કૂતરાં પકડ્યાં હતાં
સવાલ: વિરમઠા ગામમાંથી કાલે કૂતરા લઈ ગયા છો તો કેમ લઈ ગયા અને કયારે મૂકી જશો ?
જવાબ: પેલો વ્હાઈટ કૂતરો ને. હજુ બે દિવસ રોકાશે પછી મૂકી જઈશું.
સવાલ: તમે કુલ કેટલાં કૂતરાં ગામમાંથી પકડી ગયા છો ?
જવાબ: બે થી ત્રણ લઈ ગયા છીએ બીજા ગામ લાકોએ વિરોધ કર્યો એટલે પાછા મૂકી દીધા.
સવાલ: અસલાલીમાંથી પણ તમે કૂતરાં પકડી જાવ છો?
જવાબ: રસ્તે રઝળતાં કૂતરાં પકડવા માટે અલગ અલગ ત્રણથી ચાર ગાડી ફરે છે. એટલે વિસ્તારમાંથી કોણ કૂતરાં પકડી ગયું છે તેની મને કંઈ ખબર નથી.
સવાલ: ગઈકાલે તમે કેટલા ગામોમાંથી કેટલા કૂતરાં લઈ ગયા ?
જવાબ: ગઈકાલે અમે ટોટલ 12થી 13 જેટલા કૂતરાં પકડી ગયા હતા.
સવાલ: શહેરની સોસાયટીઓમાંથી લઈ જવાના બદલે ગામડાઓમાંથી કેમ લઈ જવામાં આવે છે
જવાબતમારા માટે સારું છે. અમે ત્રાસ નથી આપતાં વેકસીન આપીને મૂકી જઈશું પાછા.
સવાલ: શહેરમાંથી કૂતરાં લેવાના હોય છે તો ગામડાઓમાંથી કૂતરાં કેમ લો છો ?
જવાબ: આમ તો અમને ગામડામાંથી કૂતરાં પકડવાનો ઓર્ડર નથી, પણ ગાડીઓ બાજુ જતી હોય તો ત્યાંથી કૂતરાં પકડતી આવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post