• Home
  • News
  • જે T-20માં 400+ રન નોંધાયા, એમાં કોહલીનો સિપાહી વઝીર બન્યો; ભારતના કોચ શાસ્ત્રીએ કહ્યું- બેટ્સમેનોની દુનિયામાં સુંદરે IPL 2020નું અત્યારસુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
post

મેચમાં બંને ટીમના બોલર્સે 36 ઓવરમાં 10.83ની ઇકોનોમીથી 390 રન આપ્યા, જ્યારે સુંદરે 4 ઓવરમાં માત્ર 12 રન આપ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-29 10:33:22

IPLની 13મી સીઝન એક પછી એક દિલધડક મુકાબલા આપણી સમક્ષ લાવી રહી છે. રવિવારે રાજસ્થાન રોયલ્સના રાહુલ તેવટિયાએ એક ઓવરમાં 5 સિક્સ મારી તો બધાને લાગ્યું કે આના કરતાં વધુ ખરાબ રીતે કોઈ મેચ ફરી ન શકે. જોકે સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સની મેચે ઇંગ્લિશમાં કહેવાય એમ ફેન્સના જીવનમાંથી 'મન્ડે બ્લૂ' દૂર કર્યો. 202 રન ચેઝ કરતાં મુંબઈ ઇન્ડિયન્સને 4 ઓવર 80 રનની જરૂર હતી. કાયરન પોલાર્ડ અને ઈશાન કિશનની જોડીએ 79 રન કરતાં મેચ ટાઇ થઈ. મેચમાં કુલ 402 રન નોંધાયા ત્યારે બેટ્સમેનની વાત થાય એ સ્વાભાવિક છે, પરંતુ મેચનો અસલી હીરો- એક ઓફ સ્પિનર- વોશિંગ્ટન સુંદર રહ્યો.

શતરંજની રમતમાં કોહલીનો સિપાહી વઝીર સાબિત થયો
અંતે બંને ટીમ વચ્ચે કોઈ તફાવત રહ્યો નહોતો, પરંતુ સ્કોરકાર્ડ તરફ નજર કરીએ તો ખબર પડે કે મેચમાં કુલ 11 બોલર્સે બોલિંગ કરી. સુંદર અને અન્ય 10 બોલર્સ. સુંદરે આ દરમિયાન 4 ઓવરમાં રોહિત શર્માની અતિમહત્ત્વ વિકેટ ઝડપતાં માત્ર 12 રન આપ્યા. અન્ય 10 બોલર્સે 36 ઓવરમાં 10.83ની ઈકોનોમીથી 390 રન આપ્યા, જ્યારે સુંદર સિવાય RCBની બોલિંગ લાઈનઅપ પર નજર કરીએ તો અન્ય બોલર્સે 16 ઓવરમાં 11.56ની ઈકોનોમીથી 185 રન આપ્યા. હાઈ સ્કોરિંગ મેચમાં સ્પિનરનો આટલો પ્રભાવ રહેવો એક અપવાદ છે. બંને ટીમના કેપ્ટન સિવાય ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ સુંદરનાં ભરપૂર વખાણ કર્યાં.

સુંદરના અતિ સુંદર સ્પેલની ખાસ વાત શું રહી?
સુંદરે પાવરપ્લેમાં રોહિત શર્મા અને કવિન્ટન ડી કોક જેવા હિટર્સને બાંધી રાખ્યા. તેણે પહેલી (પાવરપ્લેની) 6માંથી 3 ઓવર નાખી અને માત્ર 7 રન આપ્યા તથા આ દરમિયાન 12 ડોટ બોલ નાખ્યા તેમજ કુલ 4 ઓવરના સ્પેલ દરમિયાન 13 ડોટ બોલ નાખ્યા. મુંબઈના રનચેઝમાં જેટલી પણ વિકેટ્સ પડી એનું દબાણ આ ડોટ બોલ્સથી જ બન્યું હતું. તેણે સાઇલન્ટ કિલરની જેમ પોતાના સ્પેલ થકી મુંબઈને પ્રથમ 15 ઓવર સુધી મેચની બહાર જ રાખ્યું, ત્યાર બાદ ઝાકળ પડતાં મુંબઈએ ગજબની ફાઇટ આપી અને મેચ ટાઈ કરાવી એ જુદી વાત છે. વોશિંગ્ટનના સુંદર મેચ વગર, કદાચ મેચ આવી ન જામત અને આપણે બધા આવો થ્રિલિંગ એન્ડ ન નિહાળી શકત.

પાવરપ્લેમાં RCB માટે સુંદરનો દેખાવ

·         આ મેચ પહેલાં: 12 ઓવરમાં 86 રન આપ્યા, એકપણ વિકેટ ન મળી.

·         આ મેચમાં: 3 ઓવરમાં 7 રન આપ્યા, 1 વિકેટ લીધી.

રોહિતે કહ્યું, પાવરપ્લેમાં લય ન મેળવી શક્યા
મેચ પછી મુંબઈના કપ્તાન રોહિત શર્માએ કહ્યું, "મને અમારી બેટિંગ લાઈનઅપની ક્ષમતા પર ભરોસો હતો કે 200 રન ચેઝ કરી શકીશું, પરંતુ અમે પ્રથમ 6-7 ઓવરમાં મોમેન્ટમ (લય) મેળવી શક્યા નહીં તેમજ વિકેટો પણ ગુમાવી." જ્યારે સુંદરે પોતાના પ્રદર્શન વિશે કહ્યું, હું કોઈપણ રીતે ટીમ માટે યોગદાન આપવા માગતો હતો. મુંબઈ જેવી ટીમ સામે આવું પ્રદર્શન કરીને ખુશ છું. આ જીત અમારા માટે બહુ અગત્યની છે. તો વિરાટ કોહલીએ કહ્યું, સુંદર પાસેથી પાવરપ્લેમાં બોલિંગ કરાવવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો.

બેટ્સમેનોની દુનિયામાં છવાઈ ગયો સુંદર
ભારતીય ટીમના હેડ કોચ પણ મેચ સમાપ્ત થયા પછી સુંદરનાં વખાણ કરતાં પોતાને રોકી શક્યા નહોતા. શાસ્ત્રીએ ટ્વીટ કરીને કહ્યું, ચેન્નઈથી લઈને વોશિંગ્ટન સુધી, બેટ્સમેનોની દુનિયામાં સુંદરે IPL 2020નું અત્યારસુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. જ્યારે વિન્ડીઝના દિગ્ગજ ઇયાન બિશોપે લખ્યું, 4 ઓવરમાં 12 રન જ આપ્યા. શું IPLમાં સુંદરની પ્રતિભાનો પૂરેપૂરો ઉપયોગ થાય છે? તો ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ કહ્યું, જે મેચમાં 40 ઓવરમાં 400 રન બન્યા ત્યાં સુંદરે 4 ઓવરમાં 12 રન જ આપ્યા. કેટલાને લાગે છે કે તેને મેન ઓફ ધ મેચનો અવોર્ડ મળવો જોઈએ?

adv

Related News

post
post
post
post
post
post
post