• Home
  • News
  • 5 દાયકાથી ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતું ઈરાનનું ચાબહાર બંદર ભારતના હાથમાંથી ગયું, ઈરાને ચીન સાથે હાથ મિલાવ્યા
post

સિત્તેરના દાયકાથી ભારત ચાબહારથી જમીન અને દરિયાઈ માર્ગે ખનીજતેલ પરિવહનની પાઈપલાઈન, રેલવેલાઈન સ્થાપવા પ્રયત્નશીલ હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 10:53:04

અમદાવાદ: ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી તંગદીલી હવે આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં પણ દોસ્ત અને દુશ્મનની નવેસરથી આંકણી કરી રહી છે. અત્યાર સુધી ભારત પ્રત્યે મિત્રતા દાખવનાર ઈરાને ભારત માટે મહત્વાકાંક્ષી ગણાતા ઈરાન-અફઘાનિસ્તાન રેલવે પ્રોજેક્ટમાંથી ભારતને બાકાત કરી દીધું છે અને ચીન સાથે 400 અબજ ડોલરની ડિલ કરીને આંચકો આપ્યો છે. પાકિસ્તાનનું ગ્વાદર બંદર ચીને લીઝ પર મેળવ્યું એ રીતે ઈરાનનું ચાબહાર બંદર અને રેલવે પ્રોજેક્ટ ભારતે ગ્વાદરના જવાબ તરીકે માંડ્યા હતા, પરંતુ ઈરાને ભારતને જાકારો આપીને ચીનનો સાથ લેતાં ઉપખંડમાં સત્તા અને શક્તિનું સંતુલન ખોરવાયું છે. રેલવે લાઈન અને બંદરના માર્ગે મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સુધી પોતાની વ્યાપારી પહોંચ વધારવાની ભારતની ગણતરી હવે ખોરંભે પડી છે.

ચાબહારઃ ભારતનું પાંચ દાયકા જૂનું સ્વપ્ન

·         1961માં ભારતે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ONGC)ની સ્થાપના કરી એ પછી બીજા તબક્કાના વિસ્તરણ કાર્યક્રમમાં ઈરાનના ચાબહાર બંદરથી ભારત સુધી જમીન માર્ગે તેમજ દરિયાઈ માર્ગે ખનીજતેલના પરિવહન માટે પાઈપલાઈન બીછાવવાની યોજના રજૂ કરવામાં આવી હતી.

·         એ પછી ભારત અને પાકિસ્તાન બાંગ્લાદેશના મુદ્દે યુદ્ધ નોંતરી બેઠાં એટલે એ પ્રસ્તાવ ખોરંભે પડ્યો. પરંતુ 1980માં ફરીથી ઈન્દિરા ગાંધી સત્તા પર આવ્યા ત્યારે ઈરાનમાં આયાતોલ્લાહ ખોમૈનીનું શાસન હતું. યુદ્ધ દરમિયાન ઈન્દિરાએ જે રીતે અમેરિકાના પ્રમુખ નિક્સન સામે ઝિંક ઝીલી એથી પ્રભાવિત થયેલા ખોમૈનીએ ચાબહાર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી.

·         ONGCએ ચાબહારમાં સ્ટોરેજ ડેપો શરૂ કર્યા પછી સત્તા પરિવર્તન અને અગ્રતાક્રમો બદલાવાના કારણે લાંબા સમય સુધી પાઈપલાઈન પ્રોજેક્ટ અમલમાં આવી શક્યો ન હતો.

·         2016માં વડાપ્રધાન મોદીની ઈરાનયાત્રા વખતે બંને દેશો વચ્ચે નવેસરથી ચાબહાર બંદરના વિકાસ, વિસ્તરણ અને અફઘાનિસ્તાન સુધીની રેલવે લાઈનના કરાર થયા હતા.

·         એ મુજબ ભારત તરફથી ઈન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન લિમિટેડ (IRCON) 1.6 અબજ ડોલરના ખર્ચે ચાબહારથી અફઘાનિસ્તાનના જાહેદાન સુધી રેલવે લાઈન બિછાવશે એવું નક્કી થયું હતું.

·         હોર્મુઝની ખાડીમાં વ્યુહાત્મક સ્થાન ધરાવતું પાકિસ્તાનનું ગ્વાદર બંદર ચીન પાસે હોય ત્યારે 172 કિમી દૂર આવેલું ચાબહાર બંદર ભારતને મળે તેને બહુ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવતું હતું.

શા માટે સ્વપ્ન રોળાયું?

·         બરાક ઓબામાના શાસનના ઉત્તરાર્ધને બાદ કરતાં ઈરાન અને અમેરિકા વચ્ચે કાયમી શત્રુતા છે. આથી અમેરિકાએ ઈરાન પર જડબેસલાક પ્રતિબંધો લાદેલા છે. ઈરાનથી ખનીજતેલ ખરીદવા માટે પણ પાબંદી મૂકેલી છે.

·         જોકે ભારતે 'ફૂડ ફોર ઓઈલ' પ્રોગ્રામ અંતર્ગત અમેરિકાની મંજૂરી મેળવીને ઈરાન સાથે ખાદ્યાન્નના બદલામાં ખનીજતેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. ભારત ઈરાનનું સૌથી મોટું ગ્રાહક છે.

·         બરાક ઓબામાએ ઈરાન ડીલ તરીકે ઓળખાતી ઐતિહાસિક સમજુતી કરીને પ્રતિબંધો હળવા કર્યા એ પછી ભારતે ચાબહાર બંદરના વિકાસ, વિસ્તરણના કરાર કર્યા હતા આથી તેમાં અમેરિકાને પણ વાંધો ન હતો. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી અમેરિકાનું વાજું નવા સૂરમાં વાગવા લાગ્યું અને તેમણે ઈરાન ડીલ રદ કરી.

·         ચાબહાર બંદર વિશે અમેરિકાએ સીધી રીતે વાંધો નથી લીધો પરંતુ અમેરિકી પ્રતિબંધના ડરને લીધે ભારત બંદરના વિસ્તરણ કે રેલવે પરિયોજના અંગે કોઈ કામગીરી શરુ કરી નહિ.

હવે ઈરાનમાં ચીનની એન્ટ્રી

·         અમેરિકા ઈરાનને કાયમી દુશ્મન ગણે છે અને ચીન માટે અમેરિકા દુશ્મન છે. પરિણામે ભારતની બાદબાકી કરીને ચીને ઈરાનને હાથ પર લીધું છે.

·         વૈશ્વિક પ્રતિબંધોનો સામનો કરીને આર્થિક રીતે ખોખલાં થઈ રહેલાં ઈરાનમાં ચીને પોતાની કાયમી પદ્ધતિ મુજબ તગડું મૂડીરોકાણ કરવાની યોજના બનાવી છે, જેના પ્રથમ તબક્કામાં જ ચીને 400 અબજના રોકાણના કરાર કરી લીધા છે.

·         હજુ સુધી ઈરાને ચીન સાથે ચાબહાર સંબંધિત કરાર કર્યા નથી અને પ્રસ્તાવિત રેલવે પ્રોજેક્ટ પોતે જ પૂરો કરશે એવી જાહેરાત કરી છે પરંતુ ટૂંક સમયમાં ઈરાન ચીન સાથે કરાર કરીને ચાબહાર બંદર લીઝ પર આપે એવી શક્યતા છે.

·         હાલ થયેલ કરાર અનુસાર બંદર, રેલવે, બેન્કિંગ, ટેલિકોમ્યુનિકેશ જેવા ક્ષેત્રોમાં ચીન રોકાણ વધારશે અને બદલામાં આગામી 25 વર્ષ સુધી ઈરાન ચીનને સસ્તા દરે ખનીજતેલ પૂરું પાડશે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post