• Home
  • News
  • શું કોહલી ICC ઇવેન્ટ્સનો નિષ્ફળ કેપ્ટન?:મોટી ટૂર્નામેન્ટમાં ઈન્ડિયાને જીત ન અપાવી શક્યો વિરાટ, 5 ફેક્ટરમાં સમજો કેમ કોહલી ટીમને ચેમ્પિયન ન બનાવી શક્યો
post

બે નિર્ણાયક મેચોમાં બેટિંગ ક્રમમાં ફેરફારને કોઈ સમજી શક્યું નહીં.

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-09 10:35:53

ટીમ ઈન્ડિયા 2012 બાદ પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપની સેમી-ફાઈનલમાં પ્રવેશવામાં નિષ્ફળ રહી. સમગ્ર વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની કેપ્ટન્સી પ્રશ્નાર્થમાં રહી હતી. કેપ્ટન કોહલીએ એવા નિર્ણયો લીધા, જે સમજી ન શકાય એવા હતા. કોહલીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે આ ટૂર્નામેન્ટ કેપ્ટન તરીકેની તેની છેલ્લી ટી-20 એસાઈન્મેન્ટ હશે, પરંતુ ફરી એકવાર તે ભારતીય ટીમને ICC ટ્રોફી જિતાડવામાં નિષ્ફળ રહ્યો હતો. ચાલો, અમે તમને 5 પરિબળથી જણાવીએ કે તે આ ટૂર્નામેન્ટમાં શા માટે નિષ્ફળ સાબિત થયો.

ઇંગ્લેન્ડની નકલ કરવાનો પ્રયત્ન

 

2015ના વન-ડે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું. ત્યાર બાદ ટીમે આક્રમક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. આનો ફાયદો ટીમને મળ્યો અને વ્હાઈટ બોલ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન તરીકે ઊભરી આવ્યું.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ જ રમત અપનાવી હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ટી-20 ક્રિકેટમાં પણ આક્રમક ક્રિકેટ રમશે. ઈંગ્લેન્ડની ટીમ જ્યારે ઈન્ડિયાના પ્રવાસે આવી ત્યારે તેની ઝલક પણ જોવા મળી હતી.

શિખર ધવન ઓપનર તરીકે પહેલી બે મેચમાં કંઈ ખાસ કમાલ કરી શક્યો નહીં, તેથી તેને આગામી બે મેચમાં તક આપવામાં આવી ન હતી. ઓપનર તરીકે ઇશાન કિશનને તેના સ્થાને લેવામાં આવ્યો હતો અને તે આક્રમક રીતે રમ્યો પણ હતો.

અગાઉ રોહિત અને ધવન ઈનિંગને બિલ્ડ કરવામાં ભરોસો રાખતા હતા, પરંતુ ઈંગ્લેન્ડ સિરીઝથી આપણે માત્ર ઝડપી રન બનાવવાનો ટાર્ગેટ કર્યો. કેપ્ટન કોહલીએ IPL દરમિયાન ઓપનર તરીકે પોતાની રમત દાખવી. એ પણ વાતો ઊડતી થઈ હતી કે તે ટી-20 વર્લ્ડ કપમાં ઓપનર રહેશે.

એ કારણોથી તે IPLમાં આવો અપ્રોચ દેખાડી રહ્યો છે. એની અસર એ થઈ કે અનુભવી ઓપનર શિખર ધવન પોતાના બેસ્ટ ફોર્મમાં હતો તો તેને ટીમથી બહાર કરવામાં આવ્યો અને ઈશાન કિશનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 વર્લ્ડ કપની મેચમાં ઈશાન કિશનને ઓપનર તરીકે મોકલવામાં આવ્યો, પરંતુ આ પ્રયોગ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો. ઈન્ડિયન ટીમ શરૂની બંને મેચમાં ઈનિંગ બિલ્ડ ન કરી શકી.

 

વિરાટનું ટીમ સિલેક્શન
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ફોર્મ છેલ્લા કેટલાક દિવસોથી ખાસ નહોતું. બીજી તરફ, નબળી ફિટનેસને કારણે તે બોલિંગ પણ કરી શક્યો નહોતો. IPL 2021 બાદ ટીમ ઇન્ડિયાના પસંદગીકારો હાર્દિકના ફોર્મ અને ફિટનેસથી ખુશ નહોતા અને તેને યુએઈથી ભારત પાછા મોકલવા માગતા હતા, પરંતુ તેને હજી પણ ટીમમાં રાખવામાં આવ્યો હતો અને તેને પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું.

ભુવનેશ્વર કુમારનો દેખાવ હાર્દિક જેવો જ હતો. ટી-20 વર્લ્ડ કપ પહેલાં તેની ફિટનેસ અને પ્રદર્શન બંને ખૂબ જ નબળા હતા.

પાકિસ્તાન સામેની મેચમાં જે ઝડપે બોલિંગ કરી રહ્યો હતો તે બોલ ફેંકતો સ્પિનર હોય તેવું લાગતું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે ભુવનેશ્વર 122ની ઝડપે બોલિંગ કરી રહ્યો હતો. દુબઈમાં બોલ વધુ સ્વિંગ થતો નથી, તેથી તેને ટીમમાં શા માટે રાખવામાં આવ્યો એ કોઈને સમજાયું નહીં.

IPLમાં આવેશ ખાન, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ શાનદાર બોલિંગ કરી રહ્યા હતા, પરંતુ ટી-20 વર્લ્ડ કપમાં તેનું નામ આવ્યું નથી. આર. અશ્વિનને 4 વર્ષ બાદ ટી-20 ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પ્રથમ બે નિર્ણાયક મેચમાં ટીમનો ભાગ નહોતો.

પ્લાન બી ક્યારેય નહોતો
ટીમ ઇન્ડિયા પ્રારંભિક મેચોમાં જેવી રીચે રમ્યું એનાથી આપણી પાસે પ્લાન બી કયો છે એ કોઈને સમજાયું નહીં. હાર્દિક પંડ્યા જ્યારે નિષ્ફળ ગયો ત્યારે આપણે 6ઠ્ઠા બોલર માટે તરસી રહ્યા હતા. ટીમ માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે મેચ કોણ ફિનિશ કરશે. હાર્દિકની નિષ્ફળતા બાદ તેના વિકલ્પ તરીકે મેચ પૂરી કરવા માટે ટીમમાં કોઈ નહોતું. બંને ઓપનિંગ મેચમાં વરુણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વરુણ બંને મેચમાં ફ્લોપ રહ્યો હતો અને તેને એકપણ વિકેટ મળી ન હતી. આમ છતાં ત્રીજી મેચમાં પણ તેને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. રાહુલ ચાહરને મહત્ત્વની મેચોમાં માત્ર બેસાડી રાખ્યો.

એક યુનિટમાં ટીમ ઈન્ડિયા નજરે જ ન આવી
IPL
માં ભારતીય ખેલાડીઓ જુદી જુદી ટીમોનો ભાગ હતા. તેઓ વર્લ્ડ કપમાં યુનિટની જેમ રમી શક્યા નહોતા. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે જે પ્રકારની તાલમેલ બતાવી હતી એમાંથી 10 ટકા પણ આ ટૂર્નામેન્ટમાં બતાવી નહોતી.

મહત્ત્વપૂર્ણ મેચોમાં બેટિંગ ઓર્ડર બદલ્યો
રોહિત-રાહુલે પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ઓપનિંગ કરી હતી. બીજી જ મેચમાં રાહુલ અને ઇશાન કિશન ઓપનિંગ માટે આવ્યા હતા. બે નિર્ણાયક મેચોમાં બેટિંગ ક્રમમાં ફેરફારને કોઈ સમજી શક્યું નહીં.

રાહુલ અને ઈશાને અગાઉ ક્યારેય સાથે ઈનિંગની શરૂઆત કરી ન હતી. વિરાટ ટૂર્નામેન્ટમાં કયા ક્રમે રમશે એ અંગે પણ મૂંઝવણ હતી. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં તે નંબર-3 પર અને આગામી મેચમાં નંબર-4 પર આવ્યો હતો.