• Home
  • News
  • સુરત સહિત રાજ્યમાં આંગડીયા પેઢીની વિવિધ ઓફિસો બંધ થતાં 1000 કરોડ રૂપિયા ફસાયા હોવાની વાત
post

ભવાનીવડ ખાતે સુરત અને મુંબઈની આંગડિયા પેઢીના સંચાલકોના ઉઠમણાંની ચર્ચા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 09:44:53

સુરત: ભવાનીવડ ખાતે આવેલી અને સુરત-મુંબઈની મોટી આંગડીયા પેઢીના સંચાલકો દ્વારા ઉઠમણું કરી લીધું હોવાની વાત વહેતી થઈ છે. જેમાં ઉઠમણું કરી લેનારની રાજ્યભરની તમામ ઓફિસો બંધ થતાં રૂ.1000 કરોડનું જોખમ ફસાયું હોવાની વાત પણ ઉદ્યોગ જગતમાં ચર્ચાઈ રહી છે.

હીરા ઉદ્યોગમાંથી મળતી માહિતી પ્રમાણે, ભવાનીવડ ખાતે આવેલી આ આંગડીયા પેઢીના સંચાલકો દ્વારા ઉઠમણું કરી લીધું હોવાની વાતે હીરા ઉદ્યોગકારો માટે ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે. આ ઉઠમણાંની સાથે આ પેઢીના સંચાલકો કે જેઓ વર્ષ 2017માં નોટબંધી વખતે આર્થિક ભીંસમાં ફસાયા હતા. તે વખતે પણ ઉદ્યોગકારો સાથે સમાધાન થતાં 40 થી 45 ટકા રકમ આપવાની નોબત આવી હતી. જોકે, તે વખતે શહેરની બે મોટી કંપનીના બે ઉદ્યોગકારો દ્વારા આ પેઢીને ટેકઓવર કરી લેવામાં આવી હતી. આ બે ઉદ્યોગકારો દ્વારા પેઢીમાંથી પોતાનો સપોર્ટ ખેંચી લેતા પેઢીના સંચાલકો આર્થિક રીતે કાચા પડ્યા હોવાની વાત સામે આવી રહી છે. જેમાં તે પેઢીના વહીવટકર્તા દ્વારા આત્મહત્યા કર્યો હોવાની પણ અફવા ફેલાય હતી.

ઉલ્લેખનીય છે કે, આ પેઢીની સુરત સિવાય દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ભાવનગર, વાપી, રાજકોટ સહિતના શહેરોમાં ઓફિસ છે. જેના કારણે રૂ.1000 કરોડનું જોખમ ફસાયું હોવાની પણ વાત ચર્ચાઈ રહી છે. આ અંગે હીરા ઉદ્યોગકારો જણાવે છે કે, જે પાર્સલ પેઢી પાસે પડ્યા હતા. તે ધીરે-ધીરે કરીને 3 દિવસ અગાઉ જ બધાના ક્લિયર કરી દેવામાં આવ્યા હતા. સ્થાનિક આંગડીયાઓ દ્વારા આ મુદ્દે સત્તાવાર કોઈ માહિતી પર મોહર લગાડવામાં આવી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post