• Home
  • News
  • ખાડીપુરે સુરતની સૂરત બગાડી, લિંબાયત, પુણા, પર્વત પાટીયાના રસ્તાઓ પાણીમાં ગાયબ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
post

છેલ્લા બે દિવસથી પાણી ભરેલા હોવાથી હાલત કફોડી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-17 19:25:22

સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી પાંચ જેટલી ખાડી ડેન્જર લેવલે પર વહેતી થઈ છે અને ખાડી કિનારે આવેલા કેટલાક વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે. લિંબાયતમાં મીઠી ખાડી, પુણા અને પર્વત પાટીયા વિસ્તાર પુરની ઝપેટમાં આવી ગયા છે. આ ખાડીના પાણીના કારણે આજે પુણા કુંભારીયા વિસ્તારમાં એક મંદિર સહિતનો વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયું છે. લિંબાયત, પુણા અને પર્વત પાટીયાના રસ્તાઓ જાણે પાણીમાં ગાયબ થઈ ગયા હોવાનું નજરે પડે છે.

મીઠી ખાડી વિસ્તારમાં 1200થી વધુ મકાનોમાં પાણી ભરાયા
સુરત શહેર અને જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે પણ વરસાદનું જોર વધી રહ્યું હોવાથી સુરતમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ છે. લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા મીઠી ખાડી વિસ્તારમાં 1200થી વધુ મકાનોમાં દોઢથી બે ફૂટ પાણીનો ભરાવો થયો છે. પાલિકા તંત્રએ સ્થિતિ પર સતત નજર રાખીને બચાવ કામગીરી માટે ટ્રેક્ટર, બોટ તૈનાત કરી દીધી છે. અસરગ્રસ્ત લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે તે માટે ટેન્કરની વ્યવસ્થા કરવા સાથે ફુડ પેકેટનું વિતરણ પણ શરૂ કર્યું છે.

આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત
ખાડીના પાણીના કારણે આ વિસ્તારના લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઉભા થતાં પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. ભરાયેલા પાણીમાં પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે ફરીને ઓઆરએસ તથા અન્ય સામગ્રીનું વેચાણ કરી રહી છે. આ ઉપરાંત મોબાઈલ ડિસ્પેન્સરીની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

વાહન વ્યવહાર પર માઠી અસર
ખાડીના પાણીના કારણે પુણા કુંભારીયા વિસ્તારમાં આવેલું મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરક થઈ ગયું છે. કેટલાક રસ્તા પર પણ પાણીનો ભરાવો થતાં વાહન વ્યવહાર પર માઠી અસર પડી રહી છે. કાંગારૂ સર્કલથી ગોડાદરા તરફ જતા રસ્તા પર ખાડી ઓવર ફ્લો થતા આ વિસ્તારના રોડ પર ચારેક ફુટ જેટલા પાણીનો ભરાવો થઈ ગયો છે. આ પાણીના ભરાવાના કારણે લોકો પોતાના નકારી ધંધે જઈ શકતામા મુશ્કેલી અનુભવી રહ્યાં છે.

છેલ્લા બે દિવસથી પાણી ભરેલા હોવાથી હાલત કફોડી
જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે સુરતમાં ખાડી પુર સાથે ગટરના પાણી બેક મારતા ગટરના પાણીનો પણ ભરાવો થયો છે. સુરતના કેટલાક વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ પાણીનો ભરાવો છેલ્લા બે દિવસથી થતાં આ વિસ્તારના લોકોની હાલત કફોડી થઈ રહી છે. લિંબાયતના કમરૂ નગરમાં છેલ્લા બે દિવસથી કમરથી ઉપર સુધીના પાણીનો ભરાવો થયો હોવાથી આ વિસ્તારના લોકોની હાલત વધુ કફોડી બની ગઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post