• Home
  • News
  • કાયરન પોલાર્ડ 600 T-20 મેચ રમનારા વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા
post

કાયરન પોલાર્ડે 600 મેચની 533 ઈનિંગ્સમાં 31ની એવરેજથી 11,723 રન બનાવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 18:33:21

લંડન : કાયરન પોલાર્ડ T-20નાં દિગ્ગજ ખેલાડીઓમાંથી એક છે. તાજેતરમાં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે. જો કે તેઓ હજુ પણ વિશ્વભરની T-20 લીગમાં રમી રહ્યા છે. તેઓ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી 'ધ હન્ડ્રેડ' (The Hundred)માં લંડન સ્પિરિટ ટીમનો ભાગ છે. તેઓ સોમવારે રાત્રે એક મેચમાં ઉતર્યા અને 300ના સ્ટ્રાઈક રેટથી અણનમ 34 રનની ઈનિંગ રમી. આ મેચ પણ તેમની ટીમે જીતી હતી. આ સાથે જ તેમણે એક ખાસ રેકોર્ડ બનાવ્યો. તે 600 T-20 મેચ રમનારા વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા. મે મહિનામાં તેમણે પોતાનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો. 

આ મેચમાં પ્રથમ દાવમાં લંડન સ્પિરિટે 6 વિકેટ ઉપર 160 રન બનાવ્યા હતા. ઓપનર બેટ્સમેન જેક ક્રોલે 34 બોલમાં સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. ત્યારબાદ 5માં નંબરે બેટિંગ કરવા ઉતરેલા કાયરન પોલાર્ડે તોફાની ઈનિંગ રમી હતી. તેઓ 11 બોલમાં 34 રન બનાવીને અણનમ રહ્યા હતા. એક ચોગ્ગો અને 4 સિક્સર ફટકારી હતી. તેમની સામે માન્ચેસ્ટર ઓરિજિનલ્સની ટીમ 108 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન જોશ બટલર માત્ર 6 રન બનાવી શક્યા હતા. ફિલ સોલ્ટે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર જોર્ડન થોમસને 21 રનમાં 4 વિકેટ લીધી હતી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા. 

11 હજાર રન અને 300 વિકેટ

કાયરન પોલાર્ડ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે અને તે ટીમના મહત્વના ખેલાડીઓમાંથી એક છે. T-20માં તેમનો રેકોર્ડ શાનદાર છે. તેઓ 600 મેચની 533 ઈનિંગ્સમાં 31ની એવરેજથી 11,723 રન બનાવી ચુક્યા છે. તેમણે એક સદી અને 56 અડધી સદી ફટકારી છે. તેમનો સ્ટ્રાઈક રેટ 151 છે. તેઓ 780થી વધારે સિક્સર પણ ફટકારી ચૂક્યા છે. આ ફાસ્ટ બોલરે 25ની એવરેજથી 309 વિકેટ પણ લીધી છે. 15 રનમાં 4 વિકેટ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેમણે 7 વખત 4 વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી છે. 

માત્ર બ્રાવો જ 500 મેચ રમી શક્યા છે

જો આપણે T-20માં સૌથી વધુ મેચ રમનારા ટોપ-5 ખેલાડીઓની વાત કરીએ તો કાયરન પોલાર્ડ બાદ વેસ્ટ ઈન્ડિઝના અન્ય દિગ્ગજ ખેલાડી એવા ડવેન બ્રાવોનું નામ આવે છે. તેમણે 543 મેચ રમી છે. આ સિવાય અન્ય કોઈ પણ ખેલાડી 500 મેચ સુધી પહોંચી શક્યા નથી. પાકિસ્તાનના શોએબ મલિકે 472, વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેલે 463 અને ઈંગલેન્ડના રવિ બોપારાએ 426 મેચ રમી છે. જો ભારતની વાત કરીએ તો રોહિત શર્માએ સૌથી વધુ 391 મેચ રમી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post