• Home
  • News
  • લોકસભા ચૂંટણી લડનારા કિન્નરે હવે AMCની ચૂંટણીમાં ઝંપલાવ્યું, જીત નહીં મળે ત્યાં સુધી ચૂંટણી લડવાનો નિર્ધાર
post

ઉમેદવારી પરત ખેંચી લેવા માટે દબાણ અને લાલચ પણ આપવામાં આવ્યાં હતાંઃ રાજુ માતાજી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-12 09:58:23

6 મનપાની 21મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ઉમેદવારો પોતપોતાના મતવિસ્તારમાં પ્રચારકાર્યમાં લાગી ગયા છે. અમદાવાદ શહેર 192 બેઠકની ચૂંટણી માટે પણ ઉમેદવારો હવે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. AMCની આ ચૂંટણીમાં કિન્નર નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજીએ પણ ઉમેદવારી નોંધાવી જીતનો દાવો કર્યો છે. આ પહેલાં પણ તેઓ ત્રણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે તેમજ જ્યાં સુધી જીતશે નહીં ત્યાં સુધી ચૂંટણી લડતા રહેવાનો નિર્ધાર કર્યો છે.

સરસપુર-રખિયાલ વૉર્ડમાંથી અપક્ષ ઉમેદવારી
સરસપૂર્ણ બોમ્બે હાઉસિંગમાં રહેતા નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજી નામના કિન્નરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષમાંથી સરસપુર રખિયાલ વૉર્ડમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે ચૂંટણી ચિહન બંગડીનું રાખ્યું છે. કિન્નર રાજુ માતાજીએ પોતાના વિસ્તારની સમસ્યા અને લોકોની સેવા કરવાના હેતુથી ઉમેદવારી નોંધાવી છે. આ અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભા અને લોકસભામાં પણ તેમણે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ઘણા મત પણ મેળવ્યા હતા.

કઈ ચૂંટણીમાં કેટલા મત મળ્યા
આ પહેલાંની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1706 મત મળ્યા હતા, જ્યારે વિધાનસભા ચૂંટણીમાં 2,303 અને લોકસભા ચૂંટણીમાં 2,571 મત મેળવ્યા હતા. આ ચૂંટણીમાં પણ જંગી મત મળશે અને જીત મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ચૂંટાઈને આવીશ તો સ્લમ વિસ્તારની પાયાની સમસ્યાઓ દૂર કરીશઃ કિન્નર રાજુ માતાજી
રાજુ માતાજીએ જણાવ્યું હતું કે સરસપુર અને એની આસપાસના સ્લમ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવતા જ નથી અને વર્ષોથી પાયાની સમસ્યાનું પણ નિવારણ આવતું નથી. એની સાથે સાથે લોકોની રજૂઆત પણ કોઈ સાંભળતું ન હોવાથી મેં ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. હું ચૂંટાઇને આવીશ તો સૌપ્રથમ સ્લમ વિસ્તારમાં પાયાની સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરીશ અને લોકોની રજૂઆત સાંભળીને નિવારણ લાવીશ. અન્ય પક્ષ અને ઉમેદવાર દ્વારા મને ઉમેદવારી ના નોંધાવવા અને ઉમેદવારી પરત ખેંચી લેવા માટે દબાણ અને લાલચ પણ આપવામાં આવ્યાં હતાં, પરંતુ હું મારા નિર્ણય પર અડગ રહી હતી. અન્ય લોકોએ પણ મને કિન્નર હોવાને કારણે અનેક સવાલો કર્યા હતા છતાં લોકોને જવાબ પણ આપ્યા હતા. જ્યાં સુધી જીત નહીં મળે ત્યાં સુધી હું ચૂંટણી લડીશ.

રાજુ માતાજીએ લોકો અન્ય પક્ષને વર્ષોથી મત આપી રહ્યા છે, પરંતુ હવે એક વખત કિન્નરને મત આપી લોકો માટે કામ કરવાની તક આપે એવી અપીલ પ્રચાર સમયે લોકોને કરી હતી. અગાઉ તેમના વિસ્તાર અને આસપાસના વિસ્તારના લોકોના સારા મત મળ્યા હતા, ત્યારે આ ચૂંટણીમાં પણ સારા મત આપશે એવી રાજુ માતાજીને આશા છે.

adv

Related News

post
post
post
post
post
post
post