• Home
  • News
  • સુરતની ડોક્ટર દીકરી મુંબઈમાં સાથી ત્રણ તબીબોને કોરોના હોવા છતા હિંમત સાથે પોઝિટિવ દર્દીઓની સારવાર કરી રહી છે
post

દોઢ મહિનાથી જુસ્સા અને હિંમત સાથે 700 દર્દીઓ વચ્ચે કામ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-18 11:44:51

સુરત: હું નસીબદાર છું કે મને તબીબી અભ્યાસ દરમિયાન કોરોના માહામારીના આ સમયમાં દર્દીઓની સેવા કરવાનો ગોલ્ડન અવસર પ્રાપ્ત થયો, ત્રણ-ત્રણ સાથી ડૉક્ટરો કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા બાદ પણ દોઢ મહિનાથી જુસ્સા અને હિંમત સાથે કામ કરતી સુરતની દીકરી 700 જેટલા કોવિડ-19ના પોઝિટિવ દર્દીઓ વચ્ચે PPE કીટ પહેરીને 12 કલાક કામ કરી કર્તવ્ય એજ સેવાની વ્યાખ્યાને સિદ્ધ કરી રહી છે. સુરતની ધરતી પર જન્મ લેનાર કૃતિ મહેતાએ પુણેથી MBBS પાસ કરી ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ બનવા મુંબઈની મેડિકલ કોલેજમાં અઢી વર્ષથી અભ્યાસ કરી રહી છે. હાલ મુંબઈની હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ તરીકેની જવાબદારી સાથે કોરોના વાઇરસના દર્દીઓની સારવાર કરતી કૃતિ મહેતાને આજે પણ  માતા-પિતા વીડિયો કોલિંગથી વાત કરી પ્રોત્સાહન અને હિંમત આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છે. દોઢ મહિનામાં ત્રણ સાથી ડોક્ટરો આ ચેપનો શિકાર બન્યા હોવા થતા હિંમત સાથે ફરજ બજાવી રહી છે.

પરિવારની એકની એક દીકરી છે

કૃતિ મહેતા ઉ.વ. 27 રહે (વેસુ, વાસ્તુગ્રામ સોસાયટી) એ જણાવ્યું હતું કે, પિતા મહેન્દ્રભાઈ મહેતા અંકલેશ્વરની ઓએનજીસી કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ પરિવારમાં એકની એક દીકરી છે. ધોરણ 12 સાયન્સ સુરતમાં પાસ કર્યા બાદ એમબીબીએસના અભ્યાસ માટે પુણે ગઈ હતી. જયાથી MBBS પાસ આઉટ  કર્યા બાદ ગાયનેકમાં પીજી કરવા મુંબઈ આવી ગઈ હતી. હાલ બીએમસીની હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સિનિયર રેસિડન્ટ તરીકે ફરજ બજાવું છું.

મુંબઈમાં પ્રથમ ચરણથી જ કોરોનાએ કેર વર્તાવવાનું શરૂ કર્યું

કૃતિએ વધુમાં જણાવ્યું હતું કે, અઢી વર્ષના અભ્યાસ બાદ દેશમાં કોરોના વાઇરસની મહામારીના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. દેશ માટે પડકારરૂપ વાઇરસને લઈ તબીબી અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ આ વાઇરસ સામે લડીને અભ્યાસુ બનવાની એક ઉત્તમ તક સામે દેખાય રહી હતી. શરૂઆતના પ્રથમ ચરણમાં કોરોનાએ મુંબઈમાં કેર વર્તાવવાનું શરૂ કરતાં તંત્ર 15-18 કલાક કામ કરવા મજબૂર દેખાય રહ્યું હતું. અંધેરીની સેવન હિલ્સ નામની પ્રાઇવેટ હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલમાં તબદીલ કરી દીધી હતી. જ્યાં તેમને સિનિયર ડોક્ટરોની સાથે પીજી અને એમબીબીએસના વિદ્યાર્થીઓને પણ ડ્યૂટી અપાઈ હતી. હોસ્પિટલમાં લોકડાઉનના પહેલાં તબક્કાથી જ સંખ્યાબંધ પોઝિટિવ કેસો આવી રહ્યા હતા. દોઢ મહિના બાદ પણ અહીં કોરોનાના 700થી વધુ પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

સાથી તબીબો કોરોનાનો શિકાર બન્યા

કૃતિએ વધુમાં ઉમેર્યું હતું કે, કોરોનાના દર્દીઓ વચ્ચે તમામ ડોક્ટરો 12-12 કલાક કર્તવ્ય સમાન ફરજ બજાવી રહ્યા છે. દોઢ મહિનામાં ત્રણ સાથી ડોક્ટરો આ ચેપનો શિકાર બન્યા છે. અમારી ગાયનેક યુનિટના યુનિટ હેડ, સ્ટાફ કર્મચારીઓ સહિત એક પોલીસ અધિકારી અને તેની 8 વર્ષ દીકરી પણ કોરોના વાઇરસની ઝપેટમાં આવતા દાખલ કરાયા હતા. અમારા યુનિટ હેડ છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. લગભગ તમામ રેસિડેન્ટ તબીબ વિદ્યાર્થીઓ રાત-દિવસ એમની સારવારમાં કરી શિષ્ય તરીકેનું ઋણ ચૂકવી રહ્યા છે. તેમની પત્ની મને દીકરી જ માને છે એટલે દિવસમાં એક બે વાર ફોન કરી હાલચાલ પૂછતા પૂછતાં રડી પડે છે ત્યારે ચોક્કસ આંખ ભરાઈ જાય છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓની જીવના જોખમે સારવાર કરી રહ્યા છે

કૃતિએ વધુમાં જણાવ્યું હતું કે, એકની એક દીકરી આજે દોઢ મહિનાથી કોરોના વાઇરસ સામે એક વોરિયર્સ બની લડી રહી છે. જેને લઈ માતા નેહાબેન અને પિતા મહેન્દ્રભાઈ પણ ગર્વ અનુભવે છે. વિશ્વમાં એકમાત્ર તબીબી વ્યવસાય સાથે જોડાયેલા ડોક્ટરોને ભગવાન સમાન પૂજવામાં આવે છે. ત્યારે ડોક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફ પણ સેવા એજ ધર્મને કર્તવ્ય સમાન ઘણી આજે કોરોનાગ્રસ્ત દર્દીઓની જીવના જોખમે સારવાર કરી રહ્યા છે. આવી મહામારીના સમયમાં કોરોના વાઇરસ સામે લડી રહેલી આ સુરતી દીકરી પર આખા સુરતને ગર્વ છે. આજે માતા-પિતા પણ જંગ સામે જીતની વ્યાખ્યાને સાર્થક કરવા એક જવાબદારી વોરિયર્સ તરીકે ફરજ બજાવતી દીકરી કૃતિને કટોકટીના આ સમયમાં દીકરીને ભગવાન મજબૂર નહિ પણ મજબૂત બનાવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

શરૂઆતમાં ડર-ગભરાટ લાગતો હતો પણ હવે સાથી ડોક્ટરો દ્વારા મોરલ સપોર્ટ

ડો.કૃતિ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી કોવિડ-19 માં ફરજ બજાવી રહી છું. શરૂઆતમાં ડર-ગભરાટ લાગતો હતો પણ હોસ્પિટલના સ્ટાફ અને સાથી ડોક્ટરો દ્વારા મોરલ સપોર્ટ મળી જાય છે અને સુરતથી 70 કિલોમીટર દૂર પિતા અને મુંબઈથી 250 કિલો મીટર દૂર માતા વીડિયો કોલિંગ કરી જુસ્સો વધારતા આવ્યા છે. હાલમાં પરિવારથી દૂર હોવાનો અહેસાસ ચોક્કસ થાય છે. પણ તબીબી વ્યવસાયમાં પહેલા દર્દીઓ પછી પરિવારની વ્યાખ્યા ભૂલી નથી. એટલે દર્દીઓને જ પરિવારના સભ્યો સમજી સારવાર આપી પારિવારિક વાતાવરણ બનાવી રાખું છું. માતા-પિતાનું પ્રોત્સાહન અને તેમની હિંમતથી જ આજે હું કોરોના વોરિયર્સ તરીકેની જવાબદારી સંભાળી રહી છું. હવે હિંમત લેવા કરતા દર્દીઓને આપી એમનો જુસ્સો વધારવાનું કામ કરૂં છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post