• Home
  • News
  • એક સમયે પુત્રીનાં લગ્નમાં 500 કરોડ ખર્ચનારા લક્ષ્મી મિત્તલના ભાઈ પ્રમોદ મિત્તલ પર 24 હજાર કરોડનું દેવું, કહ્યું- દિલ્હીમાં પ્લોટ સિવાય મારા પાસે કશું નથી
post

64 વર્ષીય પ્રમોદ મિત્તલ લોનની અવેજમાં ગેરંટર બન્યા હતા, દેવાળિયા થવાના આરે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 15:41:05

એક સમયે પુત્રીનાં લગ્નમાં રૂ. 500 કરોડનો ખર્ચ કરીને હેડલાઈનોમાં ચમકનારા સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલના નાના ભાઈ પ્રમોદ મિત્તલ બ્રિટનના સૌથી મોટા દેવાળિયા જાહેર થઈ શકે છે. 64 વર્ષીય પ્રમોદ મિત્તલનું કહેવું છે કે મારા પર અત્યારે રૂ. 23,750 કરોડનું દેવું છે. મેં મારી સંપત્તિ એક સોદામાં ગુમાવી દીધી છે. હવે મારી પાસે આવકનું પણ કોઈ સાધન નથી. સિવાય કે દિલ્હીમાં મારો એક પ્લોટ છે, જેની કિંમત ફક્ત 45 પાઉન્ડ (આશરે રૂ. 4300) છે. મારી પાસે કુલ રૂ. દોઢ કરોડ જમા રહી ગયા છે. મારી કોઈ નિયમિત આવક નથી. મારી પત્ની પણ મારા પર નિર્ભર નથી. હકીકત એ છે કે, મારી સામે હવે જીવન ગુજારવાનું સંકટ છે કારણ કે, મારો દર મહિનાનો ખર્ચ રૂ. બે લાખ છે.

હકીકતમાં પ્રમોદ મિત્તલની સંપત્તિનો વિવાદ 14 વર્ષ જૂનો છે. તેઓ અનેક પ્રકારની લોનની અવેજમાં ગેરંટર હતા, પરંતુ છેતરપિંડીના કેસમાં ફસાયા પછી તેઓ દેવું ભરી ના શક્યા. ત્યારે મોટા ભાઈ લક્ષ્મી મિત્તલે તેમને બે વાર જામીન આપીને કાયદેસરની કાર્યવાહીમાંથી બચાવ્યા હતા. તેમના પર બ્રિટન સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનના રૂ. 2,210 કરોડનું દેવું હતું. 2019માં પણ છેતરપિંડીના આરોપમાં તેમની બોસ્નિયામાં પણ ધરપકડ કરાઈ હતી.

આ કેસ કોલસા પ્લાન્ટ જીઆઈકેઆઈએલ સંબંધિત છેતરપિંડીના મામલા સાથે સંકળાયેલો છે. તેઓ એક હજાર કર્મચારીઓ ધરાવતી ફર્મ 2003થી ચલાવતા હતા. તેઓ જીઆઈકેઆઈએલના સુપરવાઈઝરી બોર્ડના વડા હતા. આ પ્લાન્ટના ખાતામાંથી આશરે રૂ. 84 કરોડના શંકાસ્પદ ટ્રાન્સફર અંગે પૂછપરછ કરવા પણ તેમની અટકાયત કરાઈ હતી. આ રકમ 2006થી 2015 વચ્ચે ટ્રાન્સફર કરાઈ હતી. આ પ્લાન્ટમાં એક સ્થાનિક પબ્લિક કંપનીની પણ માલિકી છે. ગયા વર્ષે તેમને રૂ. 92 કરોડની જામીન પર મુક્ત કરાયા હતા. ત્યારે મીડિયામાં એવા અહેવાલ હતા કે, બંને ભાઈ વચ્ચે સંપત્તિનો વિવાદ થયો છે.

આર્સેલરના વેપારમાં પ્રમોદ મિત્તલનો હિસ્સો રૂ. 28,200 કરોડ
દુનિયાની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલર મિત્તલનો લક્ઝમબર્ગમાં રૂ. 84,600 કરોડનો વેપાર છે, જેમાં પ્રમોદ મિત્તલનો હિસ્સો રૂ. 28,200 કરોડ છે. બ્રિટનમાં હાલમાં જ જારી ટાઈમ રિચ લિસ્ટ પ્રમાણે, ક્વિન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબમાં તેમનો 20% હિસ્સો છે અને તેનું મૂલ્ય રૂ. 50 હજાર કરોડ છે. મોટા ભાઈ લક્ષ્મી મિત્તલ બ્રિટનની સૌથી ધનવાન 19 વ્યક્તિમાંના એક છે. તેઓ બ્રિટનના પોશ વિસ્તાર મેફેયરમાં રૂ. 2000 કરોડની હવેલીના માલિક છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post