• Home
  • News
  • લલિત મોદીને થયો કોરોના, પુત્રને બનાવ્યો ઉત્તરાધિકારી:લલિતે કહ્યું- મારો નિવૃત્ત થવાનો અને પુત્રનો આગળ વધવાનો સમય, હું બધું તેને સોંપી રહ્યો છું
post

લલિત મોદી 2022માં સુષ્મિતા સેન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં આવ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:11:35

જયપુર: IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી લંડનમાં ઓક્સિજન સપોર્ટ પર છે. તેને બે અઠવાડિયામાં બીજી વખત કોરોના થયો છે. આ બીમારીની વચ્ચે તેણે એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાનું બધું જ બાળકોને સોંપી દીધું છે. લલિત મોદીને ત્રણ દિવસ પહેલાં મેક્સિકો સિટીથી એરલિફ્ટ કરીને લંડનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી જ તેણે ફેમિલી ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું અને પરિવારની કમાન પુત્ર રુચિરને સોંપવાની જાહેરાત કરી હતી.

ટ્વીટ કરીને રિટાયરમેન્ટની જાણકારી આપી
લલિત મોદીએ કેકે મોદી ફેમિલી ટ્રસ્ટની લલિત કુમાર મોદી (LKM) બ્રાન્ચ પુત્ર રુચિરને સોંપી છે. લલિત મોદી હવે ટ્રસ્ટના લાભાર્થી રહેશે નહીં. તેમણે પોતાનું રાજીનામું પણ જાહેર કર્યું હતું. આ ટ્રસ્ટને લઈને લલિત મોદીની માતા બીના અને બહેન વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે. તેમની માતા બીના મોદીએ આ નિર્ણય પર કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો છે.

 

લલિત મોદીએ ટ્વીટ કર્યું- હું જે તબક્કામાંથી પસાર થયો એમાંથી મને શીખવા મળ્યું કે હવે રિટાયર થવાનો અને આગળ વધવાનો સમય છે. આ બાળકોનો આગળ વધવાનો આ સમય છે, હું બધું તેમને સોંપી રહ્યો છું.

કેકે મોદી ફેમિલી ટ્રસ્ટના સભ્યોને લખેલો પત્ર, 3 મહત્ત્વની વાત

1. માતા અને બહેન વચ્ચે ઘણા સમયથી વિવાદ, કોઈ ઉકેલ ન નીકળ્યો
લલિત મોદીએ કેકે મોદી ફેમિલી ટ્રસ્ટને લઈને તેના સભ્યોને પત્ર લખ્યો છે. તેણે કહ્યું હતું કે તેની માતા અને બહેન વચ્ચે ઘણા સમયથી કેસ ચાલી રહ્યો છે, સમાધાન માટે અનેક વખત વાતચીત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેને કારણે ઘણી મુશ્કેલી ઊભી થઈ છે. તેમણે લખ્યું છે કે દીકરી આલિયા સાથે ચર્ચા કર્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

2. મારાં બંને બાળકો સમાન, પરંતુ લીડર ફક્ત એક જ હોઈ શકે છે
લલિત મોદીએ લખ્યું- હું કહેવા માગું છું, મારા બંને બાળકો સમાન રીતથી લાભાર્થી છે, પરંતુ લીડર ફક્ત એક જ હોઈ શકે છે. મારી દીકરી ખૂબ જ સ્માર્ટ છે, પરંતુ તેને આ ભૂમિકા જોઈતી નથી. એક વખત ચેરમેનના નિર્દેશ પર તેમને ઓફિસની બહાર લઈ જઈને તાળાં મારી દેવામાં આવ્યાં હતાં. બીજી વખત જ્યારે તે ડિનર માટે બહાર હતી ત્યારે સ્પીકરે તેની કાર હટાવી હતી. તે મારા પિતાના મૃત્યુ બાદ સર્જાયેલી દુશ્મનાવટના વાતાવરણને સંભાળી શકતી નથી.

3. હું મારા પિતાની ભૂલનું પુનરાવર્તન કરવા માગતો નથી
લલિત મોદીએ પોતાની બહેન અને માતા સાથેના વિવાદને કારણે પરિવારમાં ભાગલાને લઈને પિતા દ્વારા થયેલી ભૂલનો ઉલ્લેખ કર્યો છે. ટ્વીટમાં લખ્યું- હું ખૂબ જ ખુશી અનુભવું છું, 59 વર્ષની વયે આ યોગ્ય સમય છે, પરંતુ મારા પિતા પાસે આગામી પેઢી માટે એ કરવાનો સમય નહોતો. હું એ મોટી ભૂલનું પુનરાવર્તન કરવા માગતો નથી.

ગયા વર્ષે કરાર કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો
કેકે મોદી ફેમિલી ટ્રસ્ટને લઈને લલિત મોદી, તેની માતા બીના મોદી અને બહેન વચ્ચે ચાલી રહેલી કાનૂની લડાઈ પર કોર્ટે સમાધાનની પહેલ કરી હતી. 2022માં લલિત મોદી વતી જાણીતા વકીલ હરીશ સાલ્વે અને તેની માતા વતી કપિલ સિબ્બલ સહિતના અન્ય વકીલોએ સમાધાન માટે વાટાઘાટો કરી હતી, પરંતુ કોઈ ઉકેલ મળી શક્યો ન હતો.

લલિત મોદીનું વિવાદાસ્પદ જીવન, 12 વર્ષ પહેલાં દેશ છોડીને ભાગી ગયો
લલિત મોદીએ IPLની શરૂઆત કરી હતી. તેઓ 2005થી 2010 સુધી BCCIના ઉપાધ્યક્ષ હતા. 2008થી 2010 સુધી IPLના ચેરમેન અને કમિશનર રહ્યા હતા. 2010માં લલિતને હેરાફેરીના આરોપમાં IPL કમિશનરના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેને BCCIમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં આરોપો બાદ લલિત 2010માં દેશ છોડીને ભાગી ગયો હતો.

સુષ્મિતા સેન સાથેના સંબંધો ચર્ચામાં આવ્યા હતા
લલિત મોદી 2022માં સુષ્મિતા સેન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં આવ્યો હતો. તેણે સુષ્મિતા સેન સાથે ખાસ બોન્ડવાળી તસવીરો શેર કરી હતી. પહેલા બંનેએ લગ્ન કરી લીધા હોવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ મોદીએ પોતે જ તેનો ઇનકાર કર્યો હતો.

7000 સ્કવેર ફૂટમાં ફેલાયેલા બંગલામાં રહે છે મોદી
ભારતથી ભાગ્યા બાદ લલિત મોદી લંડનમાં પ્રતિષ્ઠિત 117, સ્લોએન સ્ટ્રીટ ખાતે પાંચ માળના બંગલામાં રહે છે. એ 7000 સ્કવેર ફુટમાં ફેલાયેલો છે. આ આલીશાન બંગલામાં 8 ડબલ બેડરૂમ, 7 બાથરૂમ, 2 ગેસ્ટ રૂમ, 4 રિસેપ્શન રૂમ, 2 કિચન અને એક લિફ્ટ છે. માદીએ એને લીઝ પર લીધેલું છે. 2011માં આ બંગલાનું ભાડું દર મહિને 12 લાખ રૂપિયા હતું. લંડનના એસ્ટેટ એજન્ટોના જણાવ્યા અનુસાર, વર્તમાન ભાડું દર મહિને 20 લાખ રૂપિયાથી વધુ હશે.

12 હજાર કરોડ રૂપિયાની કંપનીનો માલિક
લલિત મોદીના ટ્વિટર બાયો અનુસાર, તેઓ મોદી એન્ટરપ્રાઇઝસના પ્રેસિડન્ટ છે. મોદી એન્ટરપ્રાઇઝીસની કુલ નેટવર્થ રૂ. 12,000 કરોડ છે. કંપની એગ્રો, તમાકુ, પાન મસાલા, માઉથ ફ્રેશનર, કન્ફેક્શનરી, રિટેલ, એજ્યુકેશન, કોસ્મેટિક, એન્ટરટેઈનમેન્ટ અને રેસ્ટોરન્ટનો બિઝનેસ કરે છે.

ભારતની સાથે સાથે આ કંપનીનો બિઝનેસ મધ્યપૂર્વ, પશ્ચિમ આફ્રિકા, દક્ષિણ-પૂર્વ આફ્રિકા, દક્ષિણ-પૂર્વ એશિયા, પૂર્વ યુરોપ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકા સુધી ફેલાયેલો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લલિત મોદીની કુલ સંપત્તિ 4.5 હજાર કરોડની છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post