• Home
  • News
  • પંજાબમાં મજૂરો પર લાઠીચાર્જ:સંગરુરમાં CM ભગવંત માનના ઘર તરફ દોડતા લોકોને દોડાવી દોડાવીને માર્યા, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
post

પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર તેમની માગણીઓને લઈને પંજાબમાં AAP સરકાર સાથે અનેક રાઉન્ડની બેઠકો કરી છે, પરંતુ સરકાર તેમની માગણીઓને જાણી જોઈને અવગણી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-30 19:27:48

બુધવારે પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના સંગરુર સ્થિત નિવાસસ્થાન સામે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો. પોતાની માંગણીને લઈ ભારતીય ખેત મજદૂર યુનિયનની આગેવાનીમાં પ્રદર્શન કરવા પહોંચેલા લોકોને દોડાવી દોડાવીને માર્યા હતા. જેમાં કેટલાક મજૂરો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે સંગરુર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ બુધવારે સવારે પંજાબભરના વિવિધ ટ્રેડ યુનિયનના સભ્યો સંગરુરના બાયપાસ પર એકઠા થયા હતા. અહીંથી તેમણે ભારતીય ખેત મજદૂર યુનિયનના બેનર હેઠળ સીએમ ભગવંત માનના નિવાસસ્થાન તરફ આગળ વધ્યા. સંગઠનોએ આ પ્રદર્શન માટે અગાઉથી એલાન આપ્યું હતું, જેથી પોલીસ પ્રશાસને સવારથી જ મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફના માર્ગ પર ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

એક કિલોમીટર પહેલા રોકી દેવાયા
પંજાબ સરકાર અને મુખ્યમંત્રી ભગવંત માન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા આગળ વધી રહેલા મજૂરોને પોલીસે સીએમ નિવાસસ્થાનેથી એક કિલોમીટર પહેલા બેરિકેડિંગ કરીને રોકી દીધા હતા.મજૂરોએ જ્યારે બેરિકેડિંગ કૂદીને આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ત્યાર પછી પંજાપ પોલીસે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં કેટલાક ખેડૂતો અને મજૂરો ઘાયલ થયા હતા.

પ્રદર્શનકારીઓ ધરણા પર બેસી ગયા
બીજી તરફ આ લાઠીચાર્જ બાદ વેપારી સંગઠનોના સભ્યો કોલોનીના ગેટની સામે ધરણા પર બેસી ગયા હતા જ્યાં મુખ્યમંત્રી ભગવંત માનનું ઘર આવેલું છે. તેઓએ કોલોનીની અંદર જવાનો રસ્તો બંધ કરી દીધો. મજદૂર સંગઠનના સભ્યોએ કહ્યું કે પંજાબ પોલીસની દાદાગીરી સહન કરવામાં નહીં આવે.

આ માગણીઓને લઈને પ્રદર્શન
સંગરુરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા મજદૂર સંગઠનોની બે મુખ્ય માગણીઓ છે. જેમાં તેમને ઘર બનાવવા માટે પ્લોટ આપવા અને કાયમી રોજગારની માગનો સમાવેશ થાય છે. મજદૂર સંગઠનોનું કહેવું છે કે તેમને મનરેગા અને ખેતરોમાં કામ કરવા માટે દૈનિક વેતન મળતું નથી.

સરકાર વચનો આપીને ફરી ગઈ
પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર તેમની માગણીઓને લઈને પંજાબમાં AAP સરકાર સાથે અનેક રાઉન્ડની બેઠકો કરી છે, પરંતુ સરકાર તેમની માગણીઓને જાણી જોઈને અવગણી રહી છે. પંજાબ સરકાર પંચાયતોને મનરેગા ફંડ પણ નથી આપી રહી. આવી સ્થિતિમાં તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. આજે પણ પંજાબમાં મજૂરોને 250 રૂપિયા મળે છે. સરકાર હવે પૈસા વધારવા, પ્લોટ આપવા અને લોન માફ કરવાના વચનોને અવગણી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post