• Home
  • News
  • વડોદરામાં વકીલનો આપઘાત:પુત્રનું મોઢું જોવા સાસુ-સસરાના પગે પડ્યો છતાં પત્નીએ લાફા માર્યા
post

યુવાનની સુસાઇડ નોટના આધારે પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-10 12:02:35

સમામાં સોની પરિવારના સામૂહિક આપઘાત બાદ મહિલા દિને જ પુત્રવધુના ત્રાસથી બાજવાનાં માતા -પુત્રે અાપઘાતનો પ્રયાસ કર્યાનો કિસ્સો પોલીસ ચોપડે ચઢયો છે. જેમાં પુત્રનું મોત થયું હતું, જયારે માતાનો બચાવ થયો હતો. પતિ પિયરમાં ગયેલી પત્ની અને પુત્રને 9 મહિને મળવા ગયો હતો જ્યાં સાસુ- સસરાના પગ પકડીને કાકલૂદી કરી હતી. બીજીતરફ ભાઇને ત્યાં ગયેલી પત્નીને મળવા જતાં તેણે પતિને લાફા મારતાં પતિએ ઘરે આવીને ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે સ્યુસાઇડ નોટ અને મોબાઈલ ફોન કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર બાજવા કરોડિયા રોડ પરની આમ્રપાલી સોસાયટીમાં રહેતો 31 વર્ષીય શિરીષ હસમુખ દરજી વકીલાતનો અભ્યાસ કર્યા બાદ માંજલપુરની ખાનગી કંપમીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. તેના 4 વર્ષ પૂર્વે મોનિકા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. 11 મહિના અગાઉ તેઓની પત્ની મોનિકાએ બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તે તેના માતાપિતાને ત્યાં રહેતી હતી. છેલ્લા 9 મહિનાથી પત્ની મોનિકા તેના માતાપિતા સાથે રહેતી હતી. સોમવારે વહેલી સવારે પુત્ર શિરીષ અને માતા જ્યોતિકાબેન વ્યારા ખાતે મોનિકાના માતાપિતાના ઘરે તેડી લાવવા ગયા હતા. મોનિકા ન હતી. શિરીષે સાસુ- સસરાને પગે પડી પત્નીને મોકલવા કાકલૂદી કરી હતી, પરંતુ તેઅો માન્યા ન હતા.

વડોદરા આવ્યા બાદ તેઓ ડભોઇ રોડ પર શિરીષના સાળાને ત્યાં ગયા હતા. જયાં મોનિકાએ ગાળાગાળી કરી અને શિરીષને બે લાફા ઝીંક્યા હતા. ઘટના બાદ ઘરે આવેલા શિરીષ દરજીના માતા જ્યોતિકાબેન ઘરેથી નીકળી જઈ કોટાલી નજીક કેનાલમાં ઝંપલાવ્યું હતું. જોકે ત્યાં હાજર લોકોએ તેમને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાતા બચાવ થયો હતો. બીજી તરફ શિરીષે ઘરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. તેઓએ સ્યુસાઇડ લખી પત્ની અને સાસુ સસરાના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જવાહરનગર પોલીસે મૃતદેહને બાજવા પોલીસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી સ્યુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

યુવાને દરવાજો ન ખોલતા પરિવારે પોલીસને જાણ કરી
વડોદરા કરચિયા ગામ પાસે આવેલી આમ્રપાલી સોસાયટીના મકાન નં-24માં રહેતા શિરીષ હસમુખભાઇ દરજીએ વકીલાતનો અભ્યાસ કરેલો હતો અને હાલ તે પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. શિરીષે પોતાના ઘરના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. રૂમની અંદર ગયા બાદ ઘણો સમય થયો હોવા છતાં રૂમનો દરવાજો ન ખોલતા સોસાયટીના રહીશો અને પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. જેથી જવાહરનગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને રૂમ ખોલી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો
રૂમનો દરવાજો ખોલતા શિરીષ દરજી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યાં તબીબે શિરીષને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાજવા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પોલીસને મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી
પોલીસને મૃતદેહ પાસેથી શિરીષે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેને આધારે વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આર્થિક સંકડામણ અને ઘરેલુ ઝઘડાના કારણે શિરીષ દરજીએ આત્મહત્યા કરી લીધી હતી.

પિતા કહે છે કે, મારા દિકરા માટે ન્યાય જોઇએ છે
મૃતક યુવાનના પિતા હસમુખભાઇ દરજીએ જણાવ્યું હતું કે, મારા દિકરા માટે મને ન્યાય જોઇએ છે, તેના માટે હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. મારા દિકરાની આત્મહત્યા માટે જવાબદારોને સજા થવી જોઇએ.

યુવાને લખેલી સુસાઇડ નોટ અક્ષરશઃ
યુવાને સુસાઇડ નોટમાં લખ્યું છે કે, હું શું કહું તે મને સમજાતુ નથી. હું મારી હાર પહેલેથી જ માની ચુક્યો છું, ને હાર માનીને પહેલા પણ ઘર છોડીને જતો રહ્યો હતો. પણ મે મારા મમ્મી તથા ભાઇ માટે વિચારીને પાછો આવી ગયો હતો. મારા પાછા આવ્યા બાદ પણ મારી પત્ની મોનિકા દ્વારા મને ટોર્ચર કરવાનું બંધ કરવામાં ન આવતા તથા સાસુ-સસરા દ્વારા પણ તેને સમજાવવામાં ન આવી. મે મારા દ્વારા બનતા પ્રયત્નો કર્યાં કે, મારા દ્વારા મારી પત્ની તથા તેના મા-બાપ માની જાયને આ સમસ્યાનો ઉકેલ આવી જાય. પણ આખરે મારા સાસુ-સસરા તથા મારી પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ ઓપ્શન બાકી રહેતો નથી.

મારી આત્મહત્યા નથી, પણ મર્ડર છે
બસ હું આત્મહત્યા જે કરી રહ્યો છું, તે આત્મહત્યા નથી, પણ મર્ડર છે. મારી મારા પરિવાર તથા પોલીસને જાણ થાય મારા મરવા બાદ મને મરવા માટે મજબૂર કરનારા મારી પત્ની તથા તેના મા-બાપને સજા થાય, એવી મારી આશા છે. મારી પત્નીનું પુરૂં નામ મોનિકા શિરીષ દરજી છે. તથા તેના પપ્પાનું નામ કલદાસનાથ જેશવાણી તથા માતાનું નામ ગીતાબેન કલદાસનાથ જેશવાણી છે. તથા તેના ભાઇ દ્વારા પણ તેનો પુરતો સાથ આપવામાં આવ્યો છે.

મારું મર્ડર કરનારને સજા મળવી જોઇએ
મને પણ જાણ છે કે, આત્મહત્યા એ કાયરતાનું પ્રતિક છે. પણ મારી જગ્યાએ પોતાને મૂકીને જોવો. તો કદાચ આત્મહત્યા કરવા મજબૂર કરનાર વધારે ગુનેગાર દેખાશે. મને લાગે છે કે, કદાચ મારી પત્ની તથા તેના ઘરવાળા મારા મોતની રાહ જોવે છે ને હું તેમની ઇચ્છા પૂરી કરવા નથી માગતો, માટે મને હેરાન પરેશાન તથા માનસિક ત્રાસ આપી મારો જીવ લેવા બેઠા છે. બસ આખરમાં મારા મરવા બાદ મારું મર્ડર કરનારને સજા મળવી જોઇએ બસ. મને ત્રાસ આપેલ છે કે નહીં મારા વોટ્સએપ મેસેજમાંથી ખબર પડી જશે.
-
દરજી શીરીષ એચ, 8/3/21, 1:00AM

મારી સામે જ મારા પુત્રને માર્યો એટલે મને આઘાત લાગ્યો અને કેનાલમાં કૂદકો માર્યો
મને મારા પુત્રે કહ્યું હતું કે આપણે મારા સાસુ-સસરાને મળી આવીએ અને માફી માગીને મોનિકાને મોકલે તો પરત લેતા આવીએ. અમે ત્યાં ગયા અને મોનિકાને મોકલી આપવા આજીજી કરી છતાં પણ તેના સાસુ-સસરા ન માન્યા. ત્યારબાદ વડોદરામાં ડભોઈ રોડ પર રહેતા સાળાને ત્યાં ગયા હતા. જ્યાં મોનિકાએ મારા પુત્રને બે લાફા પણ મારી ગાળાગાળી કરી હતી. મારી સામે મારા પુત્રને તેની પત્નીએ માર મારતા મને આઘાત લાગ્યો હતો એટલે ઘરે આવી હું બહાર જાઉં છું તેમ કહી નીકળી કેનાલમાં જઈ કૂદકો માર્યો હતો. પરંતુ મને બચાવી લેવાઇ હતી. ત્યાર બાદ હું ઘરે આવતા મારા ઘર પાસે ટોળુ વળેલુ જોયુઁં હતું. ઘરમાં ગઇ તો પુત્રએ ફાંસો ખાધો હતો. (મૃતકની માતા જયોતિકાબહેન સાથે થયેલી વાતચીત અનુસાર)

પુત્રવધૂ સાસુ પાસે પગ દબાવડાવતી હતી
​​​​​​​સ્યુસાઇડ નોટમાં શિરીષે ભૂલની માફી માગવાની વાત કરી છે. મૃતકના સ્વજનના જણાવ્યા મુજબ શિરીષે અગાઉ થયેલા ઝઘડામાં પત્નીને અપશબ્દો કહ્યા હતા. જે વાત પત્ની અને તેના પરિવારજનોએે પકડી રાખી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પુત્રવધુ મોનિકા તો 53 વર્ષીય સાસુ જયોતિકાબહેન પાસે પગ દબાવડાવતી હતી. શિરીષે અંતિમ ચિઠ્ઠીમાં કરેલી વાત મુજબ વોટસએપ ચેટની તપાસ થાય તો તેની પર ગુજારેલા ત્રાસની વિગતોનો ભાંડો ફૂટી શકે તેમ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post