• Home
  • News
  • ચોંકાવનારો ઘટસ્ફોટ:રાજકોટમાં કોરોનાના 6 મૃતદેહોની ઓટોપ્સીના અભ્યાસ બાદ ડૉક્ટરે જણાવ્યું, કોરોનામાં આખાં ફેફસાં પથ્થર થઈ ગયાં
post

ડૉક્ટરે જણાવ્યું, ટીબીમાં ફેફસાંનો ઉપરનો ભાગ, જ્યારે ન્યુમોનિયામાં નીચેનો ભાગ કડક થઈ જાય છે, પણ કોરોનામાં આખાં ફેફસાં પથ્થર થઈ ગયાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-30 09:24:32

કોરોનાની હજુ સુધી કોઈ વેક્સિન કે દવા શોધાઈ નથી અને રોગ એટલો ચેપી છે કે પોસ્ટમોર્ટમ કરીને રોગની અસરો જાણવા પણ મંજૂરી નથી. જોકે રાજ્યમાં એકમાત્ર રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગને કોરોનાના મૃતદેહોની ઓટોપ્સી કરવા મંજૂરી અપાઈ છે અને અત્યારસુધીમાં 6 ઓટોપ્સી થઈ ચૂકી છે, આટલું જોખમ લેવા પાછળનું કારણ શરીરમાં કોરોનાથી થતી અસરોનો અભ્યાસ કરી સારવાર પદ્ધતિમાં સુધારો લાવવાનો છે. પરીક્ષણ મામલે ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું છે કે હજુ રિસર્ચ શરૂ કરવા જેટલાં પરીક્ષણ પણ નથી થયાં, જોકે એક તારણ એવું નીકળ્યું છે કે કોરોના વાઇરસને કારણે ફેફસાંમાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે આ કારણે જ્યારે બોડીમાંથી ફેફસાં કાઢ્યાં ત્યારે જાણે પથ્થર ઉપાડ્યો હોય તેવું લાગ્યું હતું. ફાઈબ્રોસિસ તો ટી. બી. અને ન્યુમોનિયામાં પણ થાય છે પણ એ ઉપર અને નીચેના જ ભાગમાં હોય પણ કોરોનામાં બધી જ જગ્યાએ ફાઈબ્રોસિસ થઈ ગયું હતું. હજુ આ માત્ર ઓટોપ્સી દરમિયાન જોવા મળેલું છે, સાચું કારણ તો રિસર્ચ કર્યા બાદ જ ખ્યાલ આવશે.

ફેફસાંમાં ગઠ્ઠા જામી જતાં સ્થિતિસ્થાપકતા ઘટે, શ્વાસ લેવો મુશ્કેલ થાય
તબીબોના જણાવ્યા અનુસાર, કોઈપણ વાઇરસ સામે લડવા શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય બને ત્યારે સૌથી પહેલા ફેફસાંમાં અસર થાય છે અને વાઇરસ અને રોગપ્રતિકારક શક્તિની લડાઈની આડઅસર તેમજ ટિશ્યુ રિપેર કરવા માટેની પ્રતિક્રિયાને કારણે ફેફસાંની ઝીણી નળીઓમાં પ્રવાહી ભરાવા લાગે છે, આ પ્રવાહી જામી જતાં ફેફસાં સ્થિતિસ્થાપક રહેતાં નથી અને કઠણ બનતાં જાય છે જેને ફાઈબ્રોસિસ કહે છે. ફેફસાં કઠણ થતાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ઓક્સિજન મળતું નથી. ફાઈબ્રોસિસ બધા રોગમાં અલગ અલગ રીતે થતું હોય છે કોરોનામાં ફાઈબ્રોસિસનું સાચું કારણ અને કોઈ રીતે ફેલાય છે એની સાઈકલ રિસર્ચ બાદ બહાર આવશે.

પ્રવાહી જામ જવાથી ગઠ્ઠા થાય છે
પ્રવાહી જામી જવાથી ફેફસાંની નળીઓમાં ગઠ્ઠા થાય અને ફેફસાં સ્થિતિસ્થાપકતા ગુમાવી કઠણ બને છે, જેને ફાઈબ્રોસિસ કહે છે. આ કારણે ફેફસાંનો રંગ બદલાય છે અને ક્યારેક એમાં કાણાં પણ પડી જાય છે.

ફાઇબ્રોસિસના પ્રકાર તેમજ ડેન્સિટી અલગ
ફેફસાં ખૂબ જ સ્થિતિસ્થાપક અને તાજી બ્રેડ કરતાં પણ નરમ હોય છે. આ કારણે જ ફેફસાં ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઈડની લેવડદેવડ કરી શકે છે. ફાઈબ્રોસિસ થવાનાં ઘણાં કારણો અને પ્રકારો હોય છે અને બધામાં સખત થવાનો હિસ્સો અને સખતાઈ એટલે કે ડેન્સિટી પણ અલગ અલગ હોય છે. ફેફસાંના પાંચ ખંડ હોય છે, જેમાં ડાબી બાજુ 2 અને જમણી બાજુ 3 હોય છે. સામાન્ય રીતે ફાઈબ્રોસિસ ડાબી બાજુ વધુ હોય છે. ટી. બી.ના દર્દીઓમાં ફેફસાંના ઉપરના ભાગમાં ફાઈબ્રોસિસ થાય છે, જ્યારે ન્યુમોનિયામાં ફેફસાંના નીચેના ભાગમાં ફાઈબ્રોસિસ હોય છે, પણ કોરોનાના દર્દીઓમાં પાંચેય ખંડમાં ફાઈબ્રોસિસ જોવા મળ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post