• Home
  • News
  • વિધાનસભાની પેટાચૂંટણી:અધિક મહિનામાં ફોર્મ ભરાશે, નવરાત્રિમાં પ્રચાર અને દિવાળીના તહેવારોમાં પરિણામ, ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં અનેક તહેવારો પ્રતિબંધિત પણ ચૂંટણી થશે
post

રાજ્યમાં ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, 4 મહિનામાં જ કોરોનાના કેસમાં 8 ગણો વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-30 12:12:59

ગુજરાત વિધાનસભાની માર્ચ અને જૂન એમ બે તબક્કામાં ખાલી પડેલી આઠ બેઠકની પેટાચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. હાલ ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું હોવાછતાં આઠ બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ રાજ્યમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાથી લઈને વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ સહિતની તમામ ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ પર પ્રતિબંધ મુક્યો હોવાથી એક વાત લગભગ નક્કી છે કે, સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ થશે નહીં. તો બીજી બાજુ પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેને કારણે સામાન્યજનમાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે, જો તહેવારોની ઉજવણી ના થઈ શકતી હોય તો ચૂંટણી કેવી રીતે થઈ શકે?શું ચૂંટણી રેલી કે સભા દરમિયાન કોરોના સંક્રમણ નહીં ફેલાય? જો ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોના બેકાબૂ બનીને લોકોના જીવ લેશે તો કોણ જવાબદાર?

શુભ મુહૂર્તમાં ફોર્મ ભરતા નેતાઓએ અધિકમાસમાં ફોર્મ ભરવા પડશે
આ પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. આ ચૂંટણી માટે 9 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. મોટા ભાગના નેતાઓ શુભ મુહૂર્તમાં ફોર્મ ભરતા હોય છે, ત્યારે આ વખતે અધિક મહિનામાં ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યાર બાદ 17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને ગાળામાં જ ભાજપ-કોંગ્રેસ પ્રચાર કરશે. જ્યારે દિવાળીના તહેવારોમાં પેટાચૂંટણીનું પરિણામ આવશે. આમ એક તરફ તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યા છે અને ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે.

કઈ કઈ બેઠકની પેટાચૂંટણી
​​​​​​​
રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ, જે.વી. કાકડીયા, પ્રવીણ મારુ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યા હતા. ત્યાર પછી જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામા આપ્યા હતા. આમ બે તબક્કામાં 8 બેઠક ખાલી થઇ છે.

હાઈવોલ્ટેજ ડ્રામા બાદ જગન્નાથ રથયાત્રા પર હાઈકોર્ટે રોક લગાવી હતી
કોરોનાના કહેરને કારણે સૌથી પહેલા અષાઢી બીજે યોજાતી જગન્નાથજીની રથયાત્રા પર રોક લગાવવામાં આવી હતી. અમદાવાદમાં 143મી રથયાત્રા યોજવા મામલે જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને સરકાર પણ સામ સામે આવી ગયા હતા. જો કે આ ખેંચતાણ વચ્ચે ભગવાન જગન્નાથ નગરચર્યાએ જઈ શક્યા નહોતા. મોડી રાત સુધી થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ હાઇકોર્ટે સરકારની રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીધી હતી અને રથયાત્રા કાઢવાની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી.

રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કયા કયા તહેવારો પ્રતિબંધિત કર્યા

·         જગન્નાથ રથયાત્રા

·         જન્માષ્ટમી

·         સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓ

·         પર્યુષણ પર્વ

·         શ્રાવણી અમાસનો મેળો

·         ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો

·         તરણેતરનો મેળો

·         ગણપતિ ઉત્સવ

·         રામાપીરનો મેળો

·         પગપાળા સંઘો

·         મહોરમ-તાજીયાના જુલૂસ

·         શોભાયાત્રા, વિસર્જન જેવી ઉજવણી

·         નવરાત્રિ(સંભવિત)

રાજ્યમાં ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, 4 મહિનામાં જ કોરોનાના કેસમાં 8 ગણો વધારો
રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે 25 માર્ચથી 31 મે સુધી એટલે કે 68 લોકડાઉન જાહેર કર્યું હતું. મહદંશે લોકડાઉનમાં કોરોનાનું સંક્રમણ નિયત્રંણમાં હતું. પરંતુ 1 જૂનથી તબક્કાવાર અનલોક-1ની અમલવારી કરવામાં આવ્યા બાદ રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અનલોકની આડ અસરને કારણે રાજ્યમાં 1.34 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 3,431 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 4 મહિનામાં કોરોનાના કેસોમાં 8 ગણો વધારો થયો છે. 31 મે સુધી રાજ્યમાં 16794 કેસ અને 1038 મોત નોંધાયાં હતાં, જ્યારે 28 સપ્ટેમ્બર સુધીમાં આ આંકડો 8 ગણા વધારા સાથે 1 લાખ 34 હજાર 623એ પહોંચ્યો છે.

કેસનો તફાવત સંક્રમણની ભયાનકતા દર્શાવે છે
કોરોના ડેટા જોઈએ તો ગત 31 મેના રોજ 24 કલાકમાં 438 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે 28 સપ્ટેમ્બરના રોજ 1404 કોરોના કેસ સામે આવ્યા હતા. આ તફાવત સંક્રમણની ભયાનકતા તરફ ઇશારો કરી રહ્યું છે. અનલોકના ચાર મહિનાનો આંકડો જોઈએ તો જૂનમાં 15,849 કેસ, જુલાઈ મહિનામાં કોરોનાના 28,795 કેસ નોંધાયા હતા. ઓગસ્ટ માસમાં 34,997 લોકો સંક્રમિત થયા હતા, જ્યારે સપ્ટેમ્બર માસના 28 દિવસમાં 38,188 કેસ નોંધાયા છે.

કુલ કેસના 87 ટકા કેસ માત્ર 119 દિવસમાં
19
માર્ચથી 24 માર્ચ સુધી રાજ્યમાં કોરોનાના 34 કેસ નોંધાયા હતા. 25 માર્ચથી 31 મે સુધી રાજ્યમાં 66 દિવસનું લોકડાઉન હતું. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 16760 કેસ નોંધાયા હતા, જે કુલ કેસના 12.5 ટકા હતા. જ્યારે 1 જૂનથી રાજ્યમાં તબક્કાબાર અનલોકની અમલવારી કરવામાં આવી રહી છે. 1 જૂનથી 27 સપ્ટેમ્બર સુધીના 119 દિવસમાં રાજ્યમાં 1,16,425 કેસ નોંધાયા છે, એટલે કે કુલ કેસના 87.5 ટકા કેસ છેલ્લા 119 દિવસમાં નોંધાયા છે. દરરોજના સરેરાશ કેસ જોઈએ તો લોકડાઉનમાં દરરોજ સરેરાશ 254 કેસ નોંધાતા હતા, જે અનલોકમાં વધીને દરરોજ સરેરાશ 978 કેસે પહોંચ્યા છે. જે દર્શાવે છે કે રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ન પહેરવાની બેદરકારીને કારણે અનલોકમાં કેસનો આંકડો વિસ્ફોટક રીતે વધી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post