• Home
  • News
  • લિસ્ટ-એ ક્રિકેટમાં ઈતિહાસની મેરેથોન ઇનિંગ:એન. જગદિશને 277 રન ફટકાર્યા, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો; પહેલીવાર 50 ઓવરમાં 500+ રન બન્યા
post

જગદિશનની ખાસ વાત એ છે કે તેમણે આ વિજય હજારે સિઝનમાં માત્ર 6 મેચમાં જ 799 રન ફટકારી દીધા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-21 20:02:01

તમિલનાડુના બેટર નારાયણ જગદિશને લિસેટ-એ ક્રિકેટમાં આજે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. 26 વર્ષના જગદિશને વિજય હઝારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશની સામે 277 રન ફટકારી દીધા હતા. આ વન-ડે અને લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર છે. તેમણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના રેકોર્ડને પણ તોડી દીધો છે.

રોહિત શર્માએ લિસ્ટ-એ ક્રિકેટમાં શ્રીલંકા સામે 264 રનની મેરેથોન ઇનિંગ રમી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં તેમની પહેલા સરેના બેટર એલેસ્ટેયર બ્રાઉને 2002માં 268 રન ફટકાર્યા હતા. જગદિશને આ બન્નેના રેકોર્ડને તોડી દીધા હતા.

લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર
બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની વિજય હઝારે મેચમાં જગદિશનની ઐતિહાસિક ઇનિંગને કારણે તમિલનાડુએ 50 ઓવરમાં 506/2 રન ખડક્યા હતા. વન-ડે મેચમાં પહેલીવાર કોઈ ટીમે 500+ રન બનાવ્યા હતા. આની પહેલા ઇંગ્લેન્ડે નેધરલેન્ડ્સ સામે 498 રન બનાવ્યા હતા. આ લિસ્ટમાં ત્રીજા નંબરે સરેની ટીમ છે. સરેએ ગ્લેસેસ્ટયરશાયરની સામે 4 વિકેટે 496 રન બનાવ્યા હતા.

છેલ્લી પાંચ ઇનિંગમાં પાંચ સેન્ચુરી ફટકારી
વિજય હઝારે ટ્રોફીમાં આ સિઝનમાં નારાયણ જગદિશને રનનો ખડકલો કર્યો છે. તેઓએ સતત પાંચ મેચમાં પાંચ સદી ફટકારી દીધી છે. તેમણે શ્રીલંકાના દિગ્ગજ બેટર કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડી દીધો છે.

નારાયણ જગદિશનની મેરેથોન ઇનિંગ
જગદિશને 141 બોલમાં 196.45ની સ્ટ્રાઈક રેટથી 277 રન ફટકાર્યા હતા. તેમણે 141 બોલમાં 25 ચોગ્ગા અને 15 છગ્ગા માર્યા હતા. તેમણે પહેલી વિકેટ માટે સાંઈ સુદર્શનની સાથે મળીને 414 રનની પાર્ટનરશિપ બનાવી હતી. સુદર્શને 102 બોલમાં 154 રન ફટકાર્યા હતા. સુદર્શન 39મી ઓવરમાં ત્રીજા બોલે આઉટ થયા હતા. આ પછી જગદિશન 42મી ઓવરના ચોથા બોલે આઉટ થયા હતા. જગદિશન જો 50 ઓવર રમી લેત, તો તેઓ એકલા જ 300 રન ફટકારી દેત.

કોણ છે નારાયણ જગદિશન?
નારાયણ જગદિશન તમિલનાડુના વિકેટકીપર બેટર છે. તેઓ પોતાની ટીમ માટે ઓપનિંગ કરે છે. જગદિશન IPLમાં પણ CSK તરફથી 7 મેચ રમી ચૂક્યા છે. જેમાં તેઓ માત્ર 73 રન બનાવ્યા છે. તો તેઓએ 41 લિસ્ટ-એ મેચમાં 45+ની એવરેજથી રન બનાવ્યા છે. જેમાં 7 સેન્ચુરી પણ સામેલ છે.

જગદિશનની લિસ્ટ-એ કરિયર
નારાયણ જગદિશને તેમની લિસ્ટ-એ કારકિર્દીમાં તમિલનાડુ માટે 42 મેચ રમી છે. જેમાં તેમણે 51.47ની એવરેજથી 2059 રન બનાવ્યા છે. જેમાં તેમણે 8 સદી અને 6 અડધી સદી ફટકારી છે. જગદિશનની ખાસ વાત એ છે કે તેમણે આ વિજય હજારે સિઝનમાં માત્ર 6 મેચમાં જ 799 રન ફટકારી દીધા છે. તેમનો ઓપનિંગ પાર્ટનર સાંઈ સુદર્શન પણ આ સિઝનમાં જબરદસ્ત ફોર્મમાં છે. તેમણે 6 મેચમાં 581 રન બનાવ્યા છે. બન્ને ખેલાડીઓ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેમના પછી ત્રીજા નંબર પર મહારાષ્ટ્ર તરફથી રમનાર રાહુલ ત્રિપાઠી છે. તેમણે 5 મેચમાં 581 રન બનાવ્યા છે.

લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી મોટી પાર્ટનરશિપ
લિસ્ટ-એ ક્રિકેટમાં પહેલી વિકેટ માટે 414 રનની પાર્ટનરશિપ, અત્યારસુધીમાં સૌથી મોટી પાર્ટનરશિપ બની છે. લિસ્ટ-એ ક્રિકેટમાં આની પહેલા વેસ્ટઈન્ડિઝ તરફથી ક્રિસ ગેલ અને માર્લોન સૈમ્યુઅલ્સે 372 રનની પાર્ટનરશિપ બનાવી હતી.

સૌથી મોટી જીતનો રેકોર્ડ પણ તોડ્યો
પ્રથમ બેટિંગ કરતા, તમિલનાડુએ વિજય હજારેમાં 506 રન બનાવ્યા બાદ અરુણાચલ પ્રદેશને 71 રનમાં આઉટ કર્યો હતો. એમ સિદ્ધાર્થે 12 રનમાં 5 વિકેટ લીધી હતી. એમ. મોહમ્મદ અને સિલામ્બરાસને 2-2 અને આર. સાંઈ કિશોરે એક વિકેટ લીધી હતી. આ રીતે તમિલનાડુએ 435 રનના માર્જિનથી જીત મેળવી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં રનના માર્જિનથી આ અત્યારસુધીની સૌથી મોટી જીત છે. આ સાથે જ તમિલનાડુએ સમરસેટનો રેકોર્ડ તોડ્યો હતો. ઇંગ્લિશ કાઉન્ટી ટીમ સમરસેટે ડેવોન ટીમને 346 રનના માર્જિનથી હરાવ્યું હતું.

લિસ્ટ-એ ક્રિકેટ શું છે?
લિસ્ટ-એ મેચ એ વન-ડે ક્રિકેટનું ફોર્મેટ છે. લિસ્ટ-એ ક્રિકેટમાં ઓવર્સની મર્યાદા 40થી 60 સુધીની હોઈ શકે છે. લિસ્ટ-એ ક્રિકેટમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ, મર્યાદિત ઓવર્સની ડોમેસ્ટિક ક્રિકેટ મેચનો સમાવેશ થાય છે.

મોટા ભાગના ક્રિકેટ રમતા રાષ્ટ્રો પાસે લિસ્ટ-એ ક્રિકેટનું અમુક સ્વરૂપ છે, જેમ કે ભારતમાં વિજય હજારે ટ્રોફી અને દેવધર ટ્રોફી છે. એ જ રીતે ઇંગ્લેન્ડમાં રોયલ લંડન વન-ડે કપ અને ઓસ્ટ્રેલિયામાં જેએલટી વન-ડે કપ પ્રખ્યાત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post