• Home
  • News
  • મેયરે કહ્યુ- કેથલેબ બિલ્ડિંગ નહીં તૂટે, સુપરિન્ટેન્ડેન્ટનો જવાબ- રિપોર્ટ મુજબ તોડવી પડશે
post

જૂની વીએસનું કેથલેબ બિલ્ડિંગ તોડવાનો વિવાદ વકર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 11:54:32

અમદાવાદ: જૂની વીએસ હોસ્પિટલની કેથલેબ તોડવા મુદ્દે મંગળવારે મળેલી મ્યુનિ. બોર્ડની બેઠકમાં મેયરે કહ્યું કે, કેથલેબ તોડવામાં નહીં આવે તેવો દાવો કરી વિપક્ષી નેતા પાસે ખોટી માહિતી હોવાનું કહ્યું હતું. આ પછી 6 કલાકમાં જ વીએસ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે પ્રેસનોટ સાથે કહ્યું કે, બિલ્ડિંગ સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ કેથલેબ તોડી પડાશે.

વીએસ મામલે મ્યુનિ. સત્તાધારીપક્ષ દ્વારા લોકોને સતત ગુમરાહ કરાઈ રહ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપોને પુરવાર કરે તેવો કિસ્સો મંગળવારે સપાટી પર આવ્યો છે. મ્યુનિ.એ 60 લાખમાં ઇ-ઓક્શન દ્વારા વેચાયેલી કેથલેબને તોડી પાડવામાં ન આવવી જોઇએ તેવી રજૂઆત મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્માએ કરી હતી. તેના જવાબમાં મેયરે સ્પષ્ટ કહ્યું હતુંકે, કેથલેબ તોડાશે નહીં. તમારી પાસે જે માહિતી છે તે ખોટી છે, ત્યારે વિપક્ષ નેતાએ આ ખોટી માહિતી બદલ મેયરની માફી માગી હતી.

બીજી તરફ સાંજે જ વી.એસ. હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા અપાયેલી પ્રેસનોટમાં જણાવાયું હતું કે, વીએસ બોર્ડના ઠરાવ પ્રમાણે તમામ બિલ્ડિંગ જેમાં કેથલેબ, સીટીઓટીસ ઓઆઇસીયુ તેમજ વોર્ડ 9 થી 15 બિલ્ડિંગના સ્ટ્રક્ચરલ સ્ટેિબલિટી રિપોર્ટ પ્રમાણે તે ડીમોલીસ કરવાના થાય છે.

તેમણે વધુમાં એવી પણ સ્પષ્ટતા કરી હતીકે, કેથલેબ 10 વર્ષ જૂની મર્યાદા વટાવી ચુકેલી છે. તે ઉપરાંત એસવીપીમાં સુપર સ્પેશિયાલિટી હોવાથી હવે વીએસમાં તેનો ઉપયોગ થઇ શકે તેમ નથી. તેના ઓપરેટીંગ અને મેઈન્ટેનન્સના ખર્ચનું ભારણ જોતા કેથલેબ ઓક્શન કરવાનું નક્કી કરાયું હતું. બીજી તરફ મેયર બીજલ પટેલે એવું પણ કહ્યું હતું કે, હાલ આ મામલે હાઇકોર્ટમાં પિટિશન છે અને જો આ સમયે બિલ્ડિંગ જર્જરીત હોવાથી કોઇ અકસ્માત થાય તો તેની જવાબદારી પિટિશન કરનારની રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post