• Home
  • News
  • સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અંડરગ્રાઉન્ડ પાર્કિંગની દીવાલ ધસી પડતાં આઠ દટાયા, 4નાં મોત, બેદરકારો સામે પગલાં લેવા શ્રમ રોજગાર મંત્રાલયે રિપોર્ટ મગાવ્યો
post

દુર્ઘટનાને પગલે ચાર ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડી ઘટનાસ્થળે પહોંચી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-24 11:57:45

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા નજીક સિલ્વાસા પેરેડાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. આ દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા હતાં. નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટની દીવાલ બનાવવા માટેનું કામ ચાલતું હતું. ત્યારે બનેલો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હતાં. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે.ચાર ફાયર સ્ટેશનની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં બે વ્યક્તિને બહાર કઢાયા છે જ્યારે ચાર શ્રમિકનાં મોત થયાં છે.બિલ્ડરો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાથી શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

ચાર મહિનાથી શ્રમિકો કામ કરતા હતા
બિહારના પૂર્ણિયા જિલ્લાના સઠીયાર ગામના 4 શ્રમિકોના મોત થયા છે. પોતાના મોટાભાઈ પિન્ટુ શાહાને ગૂમાવનાર મહેશ શાહાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં મે મારો ભાઈ ગૂમાવ્યો છે. હું સાઈટમાં કામ કરતો હતો. અચાનક દીવાલ ધસી પડતાં માટી મારા ભાઈ સહિતના લોકો પર આવી જતા બધા દટાઈ ગયા હતાં. જેથી મોટાભાઈનું મોત થયું છે.અમે ચાર મહિના પહેલા જ અહિં કામ શરૂ કર્યું હતું.

ઘટના CCTVમાં કેદ
સમગ્ર ઘટના સાઇટ ઉપર લાગેલા CCTVમાં કેદ થઈ હતી.CCTV કેમેરામાં દીવાલ કેવી રીતે પડી તે સ્પષ્ટ દેખાય આવ્યું હતું. દીવાલની આસપાસ કામ કરતા મજૂરો દીવાલના કાટમાળ નીચે કેવી રીતે દબાયા હશે તેનો અંદાજ CCTV પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. ગણતરીની સેકન્ડમાં જ દીવાલમાં ગાબડુ પડી જતાનું કેદ થયું હતું.

મંત્રાલય દ્વારા અહેવાલ મંગાવાયા
ઘટનાની ગંભીરતા જોતા શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સમગ્ર ઘટનાનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે. ઘટના કેવી રીતે બની અને ઘટનાસ્થળ પર કયા પ્રકારની બેદરકારી રાખવામાં આવી છે. તે અંગેની પણ માહિતી મંગાવવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામદારો માટે જે સેફટી સુરક્ષા માટેની વ્યવસ્થા હોવી જોઈએ તેનો પણ અભાવ દેખાયો હતો. જે દીવાલ બનાવવામાં આવી રહી હતી તે દીવાલ બનાવવા પહેલા જે કાળજી રાખવાની જરૂર હતી તે પણ રાખવામાં આવી નહોતી.

મેયરે ઘટનાસ્થળની મુલાકાત લીધી
4
શ્રમિકોના મોતની ગંભીર ઘટના બન્યા બાદ પણ સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા કલાકો વીતી ગયા બાદ ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતાં. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાએ મેયરના ઉદાસીન વલણની પણ ટીકા કરી હતી. મેયરે કહ્યું કે, સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. તેમજ દોષિતો સામે પગલા લેવામાં આવશે એવું નિવેદન આપીને ઘટનાસ્થળ પરથી તરત જ રવાના થઇ ગયા હતા.

લોકો દોડી આવ્યાં
દુર્ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં.બીજી તરફ કતારગામ,કોસાડ,મોટા વરાછા, કાપોદ્રા ફાયરના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે રેસ્ક્યૂ કામગીરી કરી હતી. લોકોની ભીડ ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.

લોકો દોડી આવતા પોલીસ બોલાવાઈ
વિપુલ કંથારીયા (ફાયરને જાણ કરનાર)એ જણાવ્યું હતું કે, 2-4 મજૂરો દોડીને ચેક પોસ્ટ પર આવ્યા અને માટી ધસી પડી એના ઉપર સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ ઉડા ખાડામાં મજૂરો દબાયા હોવાની હકીકત કહેતા ફાયર અને પોલીસને જાણ કરી હતી. ઘટના બાદ ચાર ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દબાયેલા મજૂરોને બહાર કાઢવાની કોશિશ કરી રહી છે. ઘટના ને જોવા 400-500 નું ટોળું ભેગું થઈ જતા પોલીસ ગોઠવી દેવાયો હતો.

સાઈટ પર બેદરકારી સામે આવી
કન્સ્ટ્રકશન સાઈટ ઉપર ઘણી બેદરકારી હોવાનું જણાઈ આવ્યું છે. કામ કરતા મજૂરો દિવાલના લગાવેલી માટે સાથે ધસી જવાથી નીચે દબાયા હતા. ભીની માટી હોવાથી તેમને બહાર કાઢવાની કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને કાટમાળ નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. કાટમાળ નીચે કેટલા શ્રમિકો દબાયા હશે તેની સત્તાવાર રીતે ફાયર વિભાગ દ્વારા પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે હાલ જે ભાગમાં દીવાલ છે ત્યાં આગળ રેસ્ક્યૂની કામગીરી કરવામાં ફાયર વિભાગની ટીમ જોડાઈ છે.

મૃતકોના નામ
પીન્ટુ શાહા
શંકર શર્મા
અજય શર્મા
પ્રદીપ યાદવનું મોત
2
શ્રમિક ઇજાગ્રસ્ત

દુર્ઘટના સ્થળે ફાયરની ગાડીઓ ન પહોંચી શકી
સિલ્વાસા પેરેડાઈઝ દુર્ઘટના સ્થળ પર અંડર ગ્રાઉન્ડ સેકન્ડ ફ્લોર પાર્કિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન માટી ધસી પડી હતી. જેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે, બેદરકારી એવી સામે આવી હતી કે, ફાયરની ગાડીઓ દુર્ઘટના સ્થળ સુધી પહોંચી શકે તેમ નહોતી. જેના કારણે રેસ્ક્યૂ કામગીરીમાં ભારે મોડું થયું હતું. આ દરમિયાન ચાર લોકોના મોત થયાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post