• Home
  • News
  • બાળકોમાં મોબાઈલનું વળગણ અને વયસ્કમાં સ્ટ્રેસ-અનિદ્રાની સમસ્યા, શાળા-કંપનીઓમાં મનોવિજ્ઞાન નિષ્ણાતની પોસ્ટ ઊભી થઈ
post

બે વર્ષમાં લોકોને શારીરિક કરતાં માનસિક વધુ અસર થઇ હોવાનું તારણ : વિદ્યાર્થીઓમાં લર્નિંગ લોસ દૂર કરવા શાળાઓમાં એક પિરિયડ સાઇકોલોજિકલ એક્સપર્ટનો શરૂ કરાયો

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-11 10:54:11

કોરોના મહામારી દરમિયાન શારીરિક કરતા માનસિક બીમારીઓના સૌથી વધુ ભોગ બન્યા હોવાનું તારણ સામે આવ્યું છે. બે વર્ષ દરમિયાન બાળકો મોબાઈલના બંધાણી થયા, પોર્ન એડિક્ટ થયા, ઓનલાઈન અભ્યાસથી માનસિક મુશ્કેલી વધી, લર્નિંગ લોસ થયો જ્યારે મોટેરાઓમાં સ્ટ્રેસ, અનિદ્રા, નિરાશા સહિતની માનસિક બીમારીઓ વધી. આવી માનસિક સમસ્યાઓ થવાને કારણે ગુજરાત સહિત દેશભરમાં પ્રથમ વખત સાઇકોલોજી એક્સપર્ટની ડિમાન્ડ ઊભી થઇ અને હાલ રાજકોટની શાળા-કોલેજો, સંસ્થાઓ-કંપનીઓમાં સાઇકોલોજી એક્સપર્ટની ખાસ પોસ્ટ ઊભી થઇ.

શાળાઓમાં વિષયની જેમ બાળકોનો લર્નિંગ લોસ દૂર કરવા અને ફરી પહેલાની જેમ અભ્યાસમાં ફોકસ કરવા માટે સાઇકોલોજીના નિયમિત પિરિયડ લેવાનું શરૂ કર્યું. રાજકોટના મનોવિજ્ઞાન નિષ્ણાતે કહ્યું કે, વ્યક્તિને માનસિક બીમારીઓમાંથી ફરી નોર્મલ સ્થિતિમાં લાવવા માટે જુદી જુદી થેરાપીનો ઉપયોગ થાય છે. સામાન્ય બીમારીમાં એક સેશન એટલે કે એક દિવસ અને કેટલીક ગંભીર બીમારી હોય તો અંદાજિત એક મહિના જેટલો સમય લાગે છે.

અત્યાર સુધીમાં જેટલી માનસિક સમસ્યાના કિસ્સાઓ સામે આવ્યા તેમાંથી સાજા થવાનો રેશિયો 70% જેટલો છે. કોરોના મહામારી બાદ ગુજરાત સહિત દેશમાં 22 પ્રકારના જુદા જુદા સાઇકોલોજી એક્સપર્ટની ડિમાન્ડ વધી છે. લોકો પણ શારીરિક સમસ્યાની જેમ જ માનસિક બીમારીઓનો ઈલાજ કરાવવા લાગ્યા છે.

આ પ્રકારની બીમારીઓ વધુ થઇ

·         1 લોકોમાં અનિદ્રાનું પ્રમાણ વધ્યું, કેટલાકની ઊંઘ ઓછી તો કેટલાકની પહેલાં કરતાં વધુ થવા લાગી.

·         2 બાળકો સૌથી વધુ મોબાઈલના બંધાણી થયા, કેટલાક વીડિયો ગેમ્સ તો કોઈ પોર્ન જોવા લાગ્યા.

·         3 કોરોનાએ પુરુષોનું પુરુષત્વ છીનવ્યું અને સ્ત્રીઓની કામુકતા પર રોક લગાવી હોવાના પણ અનેક કિસ્સાઓ વધ્યા.

·         4 બાળકોમાં 36% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 40% બાળકોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.

·         5 ચિંતાના લક્ષણ, એકાગ્રતા જળવાતી નથી, વ્યક્તિનું મગજ સૂનમૂન થઈ ગયું હોય એવા કિસ્સા બન્યા.

·         6 બાળકો અભ્યાસમાં નબળા પડ્યા, માતા-પિતાનો ગુસ્સો સહન કરી શકતા નથી.

·         7 તરુણો પોતાની ટીકા સાંભળતા જ ગુસ્સે થઈ જાય છે, ઘર મૂકીને ભાગી જવાનું વર્તન વધ્યું છે

·         8 લોકોમાં ચિંતા, હતાશા, ગભરાટ, એગોરાફોબિયા (જાહેર જગ્યાનો ભય), સામાજિક ફોબિયાનું પ્રમાણ વધ્યું.

1730 લોકો પર સરવે | કોરોના પછી સાઈકોલોજીના કોર્સની ડિમાન્ડ 45% જેટલી વધી
મનોવિજ્ઞાન ભવનના 1730 લોકો પરના સરવે આધારે જોવા મળ્યું કોરોનાકાળ પછી માનસિક સમસ્યાઓનો ઈલાજ શારીરિક સમસ્યાની જેમ જ કરાવવો જોઈએ એવું 90.90% લોકો માની રહ્યા છે. 94% લોકોએ જણાવ્યું કે મનોવૈજ્ઞાનિકોની નિમણૂક દરેક શાળા- કોલેજોમાં હોવી જોઈએ છે. બીએ, બીએસસી સાઈકોલોજી, પીજી ડિપ્લોમા, એમએ, એમએસસી સાઈકોલોજી વ્યવહારિક શિક્ષણ, પર્સનાલિટી કોર્સ, મનોવિજ્ઞાનના વિવિધ કોર્સની 45% જેટલી ડિમાન્ડ કોરોના મહામારી પછી વધી છે. 94.6% શિક્ષકોના મતે ખોટી આદતો અને લતથી બાળકોને બચાવવા મનોવિજ્ઞાન ઉપયોગી છે. આશરે 78% વાલીઓ મનોવિજ્ઞાન વિષયની જરૂરિયાતને સ્વીકારે છે.

વિદ્યાર્થીને માનસિક મજબૂત કરવા લાઈફ સ્કિલ, સોશિયલ મેનેજમેન્ટ શીખવાય છે
કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઘણો લર્નિંગ લોસ જોવા મળે છે. વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત કરવા અને સેલ્ફ કોન્ફિડન્સ વધારવા અન્ય વિષયોની જેમ જ સાઈકોલોજીનો પણ પિરિયડ લેવાય છે. આ ઉપરાંત દરેક ક્લાસ ટીચર પણ વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વ કરે છે, કોઈ વિદ્યાર્થી એકાગ્રતા ન કેળવી શકે, ધ્યાન કેન્દ્રિત ન કરી શકે, જાતે પોતાનું કામ ન કરી શકે, આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે એવા વિદ્યાર્થીઓનું અલગથી બેસાડી કાઉન્સેલિંગ કરાય છે. જરૂર પડ્યે તેના માતા-પિતાને પણ બોલાવી બાળકને કેમ ટ્રીટમેન્ટ આપવી તેવું જણાવાય છે. > સેલજા બિસેન, ખાનગી સ્કુલના સાયકોલોજીકલ ટ્રેનર

છેલ્લા 2 વર્ષમાં ગુજરાત સહિત દેશભરમાં સાઇકોલોજિકલ નિષ્ણાતની માંગ ઊભી થઇ
કોરોના મહામારી પછીથી દેશમાં વિમાન મનોવૈજ્ઞાનિક, બાયોસાઇકોલોજિસ્ટ, તબીબી સાઇકોલોજિસ્ટ, કોગ્નેટિવ મનોવૈજ્ઞાનિક, સમુદાય મનોવૈજ્ઞાનિક, તુલનાત્મક મનોવૈજ્ઞાનિક, ગ્રાહક મનોવૈજ્ઞાનિક, સલાહ મનોવૈજ્ઞાનિક, ક્રોસ કલ્ચર મનોવૈજ્ઞાનિક, વિકાસલક્ષી મનોવૈજ્ઞાનિક, શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક, ઇજનેરી મનોવૈજ્ઞાનિક, પર્યાવરણીય મનોવૈજ્ઞાનિક, ફોરેન્સિક મનોવૈજ્ઞાનિક, સ્વાસ્થ્ય મનોવૈજ્ઞાનિક, ઔદ્યોગિક સંગઠન મનોવૈજ્ઞાનિક, લશ્કરી મનોવૈજ્ઞાનિક, વ્યક્તિત્વ મનોવૈજ્ઞાનિક, સામાજિક મનોવૈજ્ઞાનિક, સ્પોર્ટ્સ મનોવૈજ્ઞાનિક, રેલવે મનોવૈજ્ઞાનિક વગેરેની માગણી દેશમાં વધી રહી છે. > ડૉ. યોગેશ જોગસણ, મનોવિજ્ઞાનના નિષ્ણાત

 

adv

Related News

post
post
post
post
post
post
post