• Home
  • News
  • મોદીએ માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર ન કર્યું:ગેહલોતે કહ્યું- ગાંધીને કારણે દુનિયામાં તમારું સન્માન થાય છે; મોદીએ કહ્યું- તમે સૌથી સિનિયર છો
post

તેલંગાણાથી લઈને જયપુર, સુરતથી લઈને છત્તીસગઢ સુધી સંદેશ આપવાની તૈયારી

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-01 18:19:29

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ દસ વર્ષ બાદ 1500 આદિવાસીઓના શહીદ સ્થળ માનગઢ ધામ પહોંચ્યા છે. મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલાં આદિવાસી સમાજે આઝાદીનું બ્યૂગલ વગાડ્યું હતું. આદિવાસી સમાજના યોગદાનના આપણે ઋણી છીએ. આ પહેલાં વડાપ્રધાન મોદીએ શહીદ સ્મારક પર જઈને આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે મોદીએ માનગઢને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યું નથી.

મોદીએ કહ્યું હતું કે માનગઢ ધામને ભવ્ય બનાવવાની દરેકની ઈચ્છા છે. એમ.પી., રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર અંગે એક વિસ્તૃત ચર્ચા યોજના તૈયાર કરો, માનગઢ ધામના વિકાસ માટે રૂપરેખા તૈયાર કરો. ચાર રાજ્ય અને ભારત સરકાર મળીને એને નવી ઊંચાઈએ લઈ જશે.

કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની હાજરીની પ્રશંસા કરતાં માદીએ કહ્યું હતું કે સીએમ તરીકે અમે સાથે મળીને કામ કર્યું. અશોક ગેહલોત અમારા બધામાં સૌથી સિનિયર હતા. અશોક ગેહલોત હજુ પણ સ્ટેજ પર બેઠેલા લોકોમાં સૌથી વરિષ્ઠ સીએમ છે.

ગેહલોતે કહ્યું- મહાત્મા ગાંધીને કારણે PMને વિશ્વમાં સન્માન મળે છે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે માનગઢ ધામનો ઈતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાયેલો છે. અમે એને રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવે એવી પીએમને અપીલ કરી છીએ. આદિવાસી સમાજ આઝાદીની લડાઈ લડવામાં કોઈથી પાછળ નહોતો. તેમણે આગળ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા ગાંધીને કારણે વિશ્વમાં સન્માન મળે છે. અમારી અપીલ છે કે માનગઢને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો રાજસ્થાનની ચિરંજીવી યોજનાની તપાસ કરવામાં આવે તો એને આખા દેશમાં લાગુ કરી શકાય છે. ગેહલોતે બાંસવાડાને રેલવે માર્ગ દ્વારા જોડવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો બાંસવાડાને રેલ પ્રોજેક્ટ સાથે જોડાશે તો એ ખૂબ જ સારું રહેશે. થોડા દિવસો પહેલાં તમે માનગઢને લઈને અલગ-અલગ રાજ્યોની માહિતી લીધી છે. મને આશા છે કે તમે માનગઢને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપશો.

સભામાં સંબોધન કરતાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે દેશને ચાંદીની રકાબીમાં રાખીને આઝાદી મળી નથી. આદિવાસીઓનાં બલિદાનને ભુલાવી દેવામાં આવ્યાં હતાં, પરંતુ મોદી સરકારે તેમને નમન કરવાનું અભિયાન ચલાવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે 17 નવેમ્બર 1913નો કાળા દિવસ કોઈ ભૂલી શકશે નહીં. આદિવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માનગઢ ધામની મુલાકાત લીધી હતી. તેમણે શહીદ સ્મારકની મુલાકાત લીધી અને 109 વર્ષ પહેલા અહીં શહીદ થયેલા 1500 આદિવાસીને શ્રદ્ધાંજલિ આપી હતી. જાહેર સભામાં લગભગ 1 લાખ લોકો હાજર હતા.

મોદી માટે માનગઢ ધામ અને આદિવાસી સમાજનું શું મહત્ત્વ છે એ પણ તેમણે રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં વ્યક્ત કર્યું હતું. મોદીએ કહ્યું હતું- આદિવાસી સમાજ પ્રકૃતિનો રક્ષક છે અને ધરતી માતાનો સેવક સમુદાય છે. બધાએ તેમની પાસેથી પર્યાવરણીય સંરક્ષણ કાર્ય શીખવું જોઈએ. તેમણે 1913માં માનગઢમાં બ્રિટિશ શાસન દ્વારા 1500 આદિવાસીઓને મારવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મંગળવારે માનગઢ ધામમાં હજારો લોકોની સામે તેઓ આ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરી શકે છે. મોદી સાથે માનગઢ ધામના કાર્યક્રમમાં, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ પણ હાજર છે.

આ કાર્યક્રમમાં ભાજપના રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને મધ્યપ્રદેશ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા પણ હાજર છે.

માનગઢનો ઇતિહાસ શું છે?
માનગઢ ધામ બાંસવાડા જિલ્લામાં આવેલું છે. એ એક ટેકરી પર આવેલું છે. પહાડીનો એક ભાગ ગુજરાતમાં અને એક ભાગ રાજસ્થાનમાં આવેલો છે. આ પહાડી પ્રદેશમાં ગોવિંદ ગુરુ નામના આદિવાસી નેતાએ અંગ્રેજ શાસન સામે આઝાદીની ચળવળ ચલાવી હતી.

ત્યારે 1913માં બ્રિટિશ સરકારે તેમને અને તેમના આદિવાસી સાથીઓને આ ધામ પર ઘેરી લીધા હતા. અહીં અંગ્રેજોએ 1500 આદિવાસીનો સામૂહિક નરસંહાર કર્યો હતો. તેમની યાદમાં માનગઢ ધામ બનાવવામાં આવ્યું છે.

વિધાનસભાની 200 અને લોકસભાની 50 સીટ પર પ્રભુત્વ
આગામી દિવસોમાં ગુજરાતમાં ચૂંટણી છે. એકાદ-બે વર્ષમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણાની વિધાનસભા અને દેશની લોકસભા ચૂંટણી થવાની છે. આ રાજ્યોમાં વિધાનસભાની લગભગ 200 અને લોકસભાની લગભગ 50 બેઠકો છે, જે સીધા આદિવાસી પ્રભુત્વ ધરાવે છે. આ સિવાય આ તમામ રાજ્યોમાં 50-60 ટકા બેઠકો એવી છે, જ્યાં આદિવાસી મતદારોની સંખ્યા વધુ છે.

તેલંગાણાથી લઈને જયપુર, સુરતથી લઈને છત્તીસગઢ સુધી સંદેશ આપવાની તૈયારી
આ કાર્યક્રમ આ ત્રણ રાજ્યની 99 વિધાનસભા બેઠકો (આદિવાસી બહુમતી) સુધી મર્યાદિત રહેશે. માનગઢ એક એવું સ્થળ છે, જ્યાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો મળે છે. આ સિવાય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં મોટી સંખ્યામાં વસતા આદિવાસી સમાજની વસતિ લગભગ 8-10 કરોડ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post