• Home
  • News
  • મોહમ્મદ સિરાજનો જીવન સંઘર્ષ:ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ વિકેટ લીધી, ક્યારેક બસ માટેનું ભાડું નહોતું, આજે BMW કાર ખરીદી
post

સિરાજ ચર્ચામાં છે કેમ કે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેણે સૌથી વધુ 13 વિકેટ ઝડપી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 15:31:54

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી ટેસ્ટ સીરિઝમાં હરાવી 19 જાન્યુઆરીએ ઇતિહાસ રચી દીધો. આ ડેબ્યુમાં કરનાર મોહમ્મદ સિરાજે સૌથી વધુ 13 વિકેટ લીધી હતી. હવે તેણે પોતાને જીતની ગિફ્ટ આપી છે. તેણે BMW કાર ખરીદી છે. તેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. એક સમય એવો પણ હતો જ્યારે તેની પાસે બસનું ભાડું આપવાના પૈસા પણ નહોતા.

મંગળવારે 19 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે ક્રિકેટપ્રેમી ટેલિવિઝન સેટ પર ચોંટી રહ્યા હતા. ટેસ્ટ ક્રિકેટની ઐતિહાસિક જીત બસ અમુક ડગલાં દૂર હતી. ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે દર્શકોનો એવો જુસ્સો પણ દુર્લભ ક્ષણ હતી. 1 વાગ્યે અને 07 મિનિટે જેવો ઋષભ પંતે છગ્ગો માર્યો કે લાખો ક્રિકેટપ્રેમી ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે આ શ્રેણીવિજય એટલા માટે ખાસ હતો કેમ કે યુવાન ખેલાડીઓની આ ટીમ અનુભવી ખેલાડીઓ વિના રમી રહી હતી.

આ ટીમનો દરેક ખેલાડી પોતાનામાં જ હીરો હતો પણ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનથી આશરે 10 હજાર કિ.મી. દૂર હૈદરાબાદના મેંહદીપટનમમાં મોહમ્મદ સિરાજના પરિજનોની આંખો અશ્રુ અને દુ:ખથી ભીની થઈ ગઇ હતી. ખુશી એ હતી કે સિરાજ દરેક ભારતીયની આંખનો સિતારો બનીને ઊભર્યો હતો અને ગમ એ હતો કે તેની આ સિદ્ધિ જોવા માટે પિતા સાથે નહોતા. નવેમ્બરમાં સિરાજના પિતાનું નિધન થઈ ગયું હતું. ટેસ્ટ શ્રેણી વચ્ચે બીસીસીઆઈએ તેને સ્વદેશ પરત મોકલવાની મંજૂરી નહોતી આપી પણ સિરાજે દેશ પ્રત્યે પોતાની જવાબદારીને પ્રાથમિકતા આપી. તેના પિતાનું સપનું હતું કે સિરાજ દેશ માટે ટેસ્ટ મેચ રમે. ઓસ્ટ્રેલિયાથી પાછો ફરી ગુરુવારે સિરાજ સીધો પિતાની કબર પર ગયો હતો.

26 વર્ષીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે મેલબોર્નમાં રમાઈ રહેલી ટેસ્ટમાં ડેબ્યુમાં 5 વિકેટ ઝડપી હતી. આવું કરનાર તે 22મો ભારતીય ખેલાડી બની ગયો હતો. શ્રેણીમાં 13 વિકેટ સાથે સૌથી વધુ વિકેટો પણ તેણે જ ઝડપી. સિરાજે ઓસ્ટ્રેલિયાના દર્શકોની વંશીય ટિપ્પણીઓનો પણ સામનો કર્યો પણ તેનું ફોકસ રમત પરથી હટ્યું નહોતું.

ઝડપને તાકાત બનાવી - 18ની વય સુધી ટેનિસ બોલથી રમ્યો, 140ની ઝડપે બોલિંગ કરતો હતો
ગલી ક્રિકેટર સિરાજ 18 વર્ષની વય સુધી ટેનિસ બોલથી રમતો રહ્યો. 2012માં સિરાજને એક મિત્ર હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન સંબંધિત ક્રિકેટ ક્લબમાં લઈ ગયો. અહીંથી પહેલીવાર સિરાજે અસલ ક્રિકેટને નજીકથી જોઈ. તેના પછી ક્રિકેટ લીગમાં રમવાની તક મળી. તે સમયે જ્યોતિપ્રસાદ હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના પસંદગીકારોના ચેરમેન હતા. તેમણે સિરાજને રેલવે સામે બોલિંગ કરતા જોયો હતો. તે સમયે હૈદરાબાદ તરફથી 140 કિ.મી. કલાકની ઝડપે બોલિંગ કરનાર કોઈ નહોતું. તેની ઝડપથી પ્રભાવિત થઈ પસંદગીકારોઅે તેની પસંદગી કરી હતી.

સતત વિકેટો ઝડપી નજરે ચઢ્યો - રણજીમાં 41 વિકેટ ઝડપી, આઈપીએલમાં પહેલીવાર બે મેડન ઓવર નાખી
નવેમ્બર 2015માં સિરાજ હૈદરાબાદ રણજી ટીમમાં પસંદગી પામ્યો. 9 મેચમાં 41 વિકેટો ઝડપી. 2017માં પહેલીવાર સનરાઈઝર્સ હૈદરાબાદે સિરાજને 2.6 કરોડમાં ખરીદયો. જોકે બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી. 2017માં ઈન્ડિયા-એ ટીમ માટે પસંદગી થઈ. જુલાઈ-ઓગસ્ટ 2017માં તે સાઉથ આફ્રિકા ટૂરમાં પણ ગયો. 2018માં સિરાજને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ખરીદયો. આરસીબી માટે સિરાજ કંઈક ખાસ કરી ના શક્યો. પણ 2020ની સિઝનમાં એક મેચમાં બે મેડન ઓવર નાખી, આવું કરનાર તે પ્રથમ આઈપીએલ ખેલાડી બની ગયો.

પરિવાર : રિક્ષાચાલક પિતા 70 રૂ. પોકેટમની આપતા હતા, મા સ્પોર્ટ્સ વિરોધી હતી
હૈદરાબાદના ફ્રી-લાન્સર એરિયામાં સિરાજનો પરિવાર 2017 સુધી ભાડેથી રહેતો હતો. રિક્ષાચાલક પિતા મોહમ્મદ ગૌસ, સિરાજને સ્કૂલના દિવસોમાં અનેકવાર 70 રૂપિયા પોકેટમની તરીકે આપતા હતા. સિરાજ સ્કૂલેથી અનેકવાર બંક મારીને નજીકના ઈદગાહ મેદાન પર ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો. મા ઈચ્છતી હતી કે સિરાજ મોટા ભાઇની જેમ એન્જિનિયરિંગ કરે. મા રમવા બદલ બહુ મારતી પણ હતી. બધા સૂઈ જાય તો સિરાજ અડધી રાતે પણ ક્રિકેટ રમવા નાસી જતો હતો. તેણે જેમતેમ કરીને શફા જુનિયર કોલેજમાંથી 10મું પાસ કર્યું. સિરાજના કોચે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે સિકંદરાબાદ જિમખાના ગ્રાઉન્ડ પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશને અંડર 23 ખેલાડીઓ માટે ફિટનેસ કેમ્પ આયોજિત કર્યો હતો પણ હૈદરાબાદથી સિકંદરાબાદ જવા માટે તેની પાસે પૈસા નહોતા.

·         જન્મ - 13 માર્ચ 1994

·         શિક્ષણ - હાઈસ્કૂલ

·         રેકોર્ડ - ટેસ્ટ ડેબ્યૂમાં 5 વિકેટ ઝડપનાર 22મો ભારતીય ખેલાડી