• Home
  • News
  • મની લોન્ડરિંગ કેસ : રાજસ્થાનમાં કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઠેકાણાઓ પર EDના દરોડા
post

સરકારી યોજનામાં ગોટાળા અને લાંચ મામલે રાજસ્થાનના જાહેર આરોગ્ય ઇજનેરની મુશ્કેલી વધી

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-16 18:06:15

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં રાજસ્થાનમાં કોંગ્રેસ (Congress)ના પૂર્વ મંત્રીના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ઈડીએ જળ જીવન મિશનમાં કથિત અનિયમિતતા મામલે તપાસ કરવા જાહેર આરોગ્ય ઇજનેર (PHI)ના પૂર્વ મંત્રી મહેશ જોશી (Mahesh Joshi) અને કેટલાક અન્ય લોકોના ઠેકાણાઓ પર કાર્યવાહી શરૂ કરી છે. જયપુર, બાસવાડા સહિત ઘણા વિસ્તારોમાં દરોડા પડાયા છે. આ માહિતી સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળી છે. ગત વર્ષે પણ એજન્સીએ કેન્દ્ર સરકારની યોજના સાથે સંકળાયેલા કેસમાં ઓછામાં ઓછા 2 વખત દરોડા પાડ્યા હતા.

ઈડીએ અગાઉ 25 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા

સૂત્રોના જણાવ્યા મુજબ મહેશ જોશીના ઠેકાણાઓ પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જોશીને જયપુરની હવામહલ બેઠક પરથી ચૂંટણી લડવા ટિકિટ આપવા ઈન્કાર કર્યો હતો. ઈડીએ ગત વર્ષે જયપુર અને દૌસામાં કેટલાક અન્ય લોકો ઉપરાંત પીએચઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી અને તત્કાલીન અધિક મુખ્ય સચિવ સુબોધ અગ્રવાલના સત્તાવાર નિવાસસ્થાન અને પરિસરોમાં દરોડા પાડ્યા હતા. ઈડી રાજસ્થાનમાં જળ જીવન મિશન યોજનામાં અનિયમિતતા મામલે સતત કાર્યવાહી કરી છે. અગાઉ પણ રાજસ્થાનના 25 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.

સરકારી યોજનાના નાણાંનો દુરુપયોગ કરાયાનો આક્ષેપ

એજન્સીએ અગાઉ દાવો કર્યો હતો કે, વચેટીયાઓ અને પ્રોપર્ટી ડીલરે જળ જીવન મિશનમાંથી ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાંનો દુરુપયોગ કરવા રાજસ્થાન સરકરાના પીએચઈ વિભાગના અધિકારીઓની મદદ કરી હતી. એજન્સીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કોન્ટ્રાક્ટરોએ ઈન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન ઈન્ટરનેશનલ લિમિટેડ (ઈરકૉન) દ્વારા જારી કરાયેલ કામગીરી પૂર્ણ કરવાના નકલી પ્રમાણપત્રોના આધારે તેમજ પીએચઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને લાંચ આપી જળ જીવન મિશન સંબંધિત ટેન્ડર મેળવ્યા હતા. 

રાજસ્થાન એન્ટી કરપ્શનની ફરિયાદ બાદ EDની કાર્યવાહી

ઉલ્લેખનિય છે કે, મની લોન્ડરિંગનો આ મામલો રાજસ્થાન એન્ટી કરપ્શને નોંધાવેલી એફઆઈઆર સાથે સંબંધિત છે. FIRમાં શ્રી શ્યામ ટ્યૂબવેલ કંપનીના માલિક પરમચંદ જૈન, શ્રી ગણપતિ ટ્યૂબવેલ કંપનીના માલિક મહેશ મિત્તલ અને અન્ય લોકો પર પીએચઈ વિભાગથી ટેન્ડર મેળવી કામગીરીમાં અનિયમિતતા છુપાવવાનો, ગેરકાયદે રક્ષણ મેળવવાનો, ટેન્ડર મેળવવા અને બિલ મંજૂર કરાવવા માટે લોકસેવકને લાંચ આપવામાં સામેલ હોવાનો આક્ષેપ કરાયો છે. કેન્દ્ર સરકારની યોજનાઓનું કામ રાજ્યના પીએચઈ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post