• Home
  • News
  • વડોદરામાં કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટવ 113 થયા, નાગરવાડા પછી કારેલીબાગમાં કેસો વધ્યા
post

રેડ ઝોન નાગરવાડામાં અત્યાર સુધીમાં 96 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-14 11:37:18

વડોદરા: વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના વધુ 5 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસનો આંકડો 113 ઉપર પહોંચી ગયો છે. જેમાં 3 કેસ નાગરવાડા વિસ્તારના અને 2 કેસ કારેલીબાગ સ્થિત આનંદનગરના છે. સોમવારે રેડ ઝોન નાગરવાડા નજીક આવેલા કોઠી પોળ તથા કારેલીબાગમાંથી એક-એક કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં ચિંતાનો વિષય બન્યું હતું. ત્યારે આજે બીજા દિવસે પણ કારેલીબાગ વિસ્તારમાંથી 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કારેલીબાગમાં અત્યાર સુધી 3 પોઝિટિવ કેસો નોંધાયા છે. આમ નાગરવાડા વિસ્તારમાં પછી કારેલીબાગ વિસ્તારમાં કેસો વધ્યા છે. જેને પગલે કોરોના કોવિડ-19 પ્રસરતો ફેલાવવા અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 

રેડ ઝોનની આસાપાસના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે
રેડ ઝોન તરીકે જાહેર કરાયેલા નાગરવાડાની પાસે આવેલા કોઠી પોળ, રાવપુરામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જેને કારણે કોરોના રેડ ઝોનની બહાર પ્રસરી રહ્યો છે. કોઠીના કોરોના પોઝિટિવ આધેડ 6 મહિના પહેલા જ વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતા અને તેઓ રાવપુરામાં વિસ્તારમાં ઠંડા પીણાની દુકાન ધરાવે છે. આ ઉપરાંત કારેલીબાગ વિસ્તારના આનંદનગર સ્થિત સત્યમ એપાર્ટમેન્ટમાં 40 વર્ષની મહિલાને પણ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો છે, ત્યાર બાદ આનંદનગરમાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.


ફિરોઝ પઠાણને દાણીલીમડાથી ચેપ લાગ્યાની શંકા
વડોદરામાં નાગરવાડા વિસ્તારમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ થવા પાછળની કડી શોધવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. તપાસ દરમિયાન વાત બહાર આવી હતી કે, નાગરવાડાના આધેડ લોકડાઉન લાગુ થયા પહેલાં 16 માર્ચે અમદાવાદમાં ગયા હતા. અને તેમણે દાણી લીમડા વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ દાણી લીમડા વિસ્તારમાં અનેક કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. અમદાવાદની મુલાકાત વેળા નાગરવાડાના આધેડને ચેપ લાગ્યો હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

કેસ ન હોવા છતાં તાંદલજા રેડ ઝોન જ રહેશે
નાગરવાડા  બાદ તાંદલજા વિસ્તારને પણ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, હજી સુધી તાંદલજા વિસ્તારમાંથી એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી, તેમ છતાં આ વિસ્તારને રેડ ઝોનમાં જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાંદલજા વિસ્તારમાંથી 30 સેમ્પલ લીધા હતા અને આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આમ તાંદલજા વિસ્તારમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ આ વિસ્તાર નાગરવાડા સાથે ખૂબ જ ઘનિષ્ઠ રીતે કનેક્ટેડ હોવાના કારણે આ વિસ્તારને હાલ રેડ ઝોનમાં જ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ યલો અને ઓરેન્જ ઝોનના ગાજરાવાડી, કિશનવાડી અને તરસાલી વિસ્તારમાં 94 ટીમ મોકલવામાં આવી હતી, જેમાં 15, 435 ઘરના 81,647 લોકોને આવરી લીધા હતા. જેમાં છ શંકાસ્પદ કેસ જણાયા હતા. જેમને ગોત્રી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. તાંદલજામાં લીધેલા સેમ્પલ પૈકી 20 નેગેટિવ આવ્યા હતા.

એક જ પરિવારના 5 સભ્યોને ચેપ લાગ્યાનો બીજો કિસ્સો
શ્રીલંકાથી પરત આવેલા આધેડને કારણે નિઝામપુરાના દેસાઇ પરિવારના 5 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેવી જ રીતે નાગરવાડાનો પટણી પરિવાર કોરોનાની ઝપટમાં આવી ગયું છે. આમ એક પોઝિટિવ કેસ આવ્યા બાદ તેના પરિવારના સભ્યોમાં પણ કોરોના પોઝિટિવ આવ્યો હોય તેવો બીજો કિસ્સો સામે આવ્યો છે.

ભરૂચમાં અત્યાર સુધીમાં 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મધ્ય ગુજરાતની વાત કરીએ તોભરૂચમાં અત્યાર સુધીમાં 11 કોરોના પોઝિટિવ કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ અને દાહોદ અને પંચમહાલમાં 2-2 પોઝિટિવ કેસ નોંધાયા છે.

મેયર ફંડમાં 24,71, 152 રૂપિયા દાન મળ્યું

વડોદરા શહેરમાં મેયર રાહતફંડમાં અત્યાર સુધી 24,71, 152 રૂપિયા દાન મળ્યું છે. લોકો દાન માટે આગળ આવી રહ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post