• Home
  • News
  • ઉનાઈ-ડોલવણ વિસ્તારમાં રાતે 6 કલાકમાં ભૂકંપના 30થી વધુ આંચકા
post

નવસારી જિલ્લાના ઉનાઈ પંથકમાં ગત મધ્યરાત્રિએ 2થી 2.7ની તીવ્રતાના ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-18 11:00:51

સુરતઃ નવસારી જિલ્લાના ઉનાઈ પંથકમાં ગત મધ્યરાત્રિએ 2થી 2.7ની તીવ્રતાના ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા. જેને લઈ અનેક લોકો નીંદરમાંથી ઉઠી ઘરની બહાર દોડી ગયા હતા. બીજીતરફ ડોલવણ તાલુકાના વરજાખણ, કાકડવા, પાટી, ઉમરવાવ, અંધારવાડી સહિતના ગામોમાં ઘણાં સમયથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યા છે, જે ગત રાત્રે પણ અનુભવાયા હતા. લગભગ 6 કલાકમાં 30થી વધુ નાના આંચકા આવ્યા હતા. મધરાતે ફરી આવેલા આંચકાથી ડોલવણ તાલુકાના કાકડવા ગામે રેહતા વિજય શંકર ચૌધરીના ઘરની દીવાલ નમી પડી હતી. આ રીતે અવાર-નવાર આવી રહેલા ભૂકંપથી ગ્રામ્ય વિત્રાના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં ગતરાત્રે 11.55 વાગ્યાના અરસામાં એક હળવો 2.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનુ એપીક સેન્ટર ભીનાર ગામ નજીક હતું. આ ભૂકંપની અસર ખાસ જણાઈ ન હતી. જોકે ત્યારબાદ રાત્રે 1.03 વાગ્યાના અરસામાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા વધુ હોય ધરતી ધ્રુજતા બેડ હાલતા અનેક લોકો નીંદરમાંથી ઉઠી ગયા હતા, પતરા પણ ખખડ્યા હતા અને લોકો ભયભીત થઈ ગયા હતા. ત્યાર બાદ રાત્રે જ પુન: 1.48 વાગ્યાના અરસામાં 2.2ની તીવ્રતાનો પુન: હળવો ભૂકંપ આવ્યો હતો, બંનેનું એપી સેન્ટર ઉનાઈ નજીકના પદમડુંગરી હતું. એક જ રાત્રિએ માંડ 2 કલાકમાં ભૂકંપના 3 હળવા આંચકા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે માંડ એક જ મહિનામાં ત્રીજી વખત ઉનાઈ વિસ્તારમાં હળવા આંચકા અનુભવાયા હતા. અગાઉ 16 સપ્ટેમ્બરે અને ત્યારબાદ 29 સપ્ટેમ્બરે આંચકા આવ્યા હતા. આ અંગે વાંસદાના મામલતદાર વિશાલ યાદવે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 2.7 જેટલી ઓછી હોવાથી કોઈ મોટી નુકસાની થઈ નથી.

ડોલવણ તાલુકામાં ભૂકંપનોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગત રાત્રિએ ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા અને રાતવાસો બહાર કર્યો હતો. બુધવારની રાત્રિએ 11.55થી સવાર 6.00 કલાક સુધીમાં 30થી વધારે આચકા અનુભવાયા હતાં. આ વખતે વધારે જોરદાર ઝટકો આવ્યો હતો. જેનું એપી સેન્ટર ઉનાઈ પાઠકવાડી ગામની આસપાસ હતું. કાકડવાના ધર્મેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે આંચકો એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતાં.

સાપુતારા પહાડી વિસ્તાર નીચેથી એક ફોલ્ટ લાઈન પસાર થાય છે. ચોમાસામાં પાણી નીચે ફાટમાં જતા પ્રેશરથી તિરાડ મોટી થાય છે અને ભૂર્ગભીય હિલચાલ થતા નાના-નાના ભૂકંપ આવે છે. સરકારે આ બાબતનું સ્ટડી કરવું જોઈએ. બે વર્ષ બાદ જ વાંસદામાં ભૂકંપ આવ્યા એવું નથી. નાની નાની હિલચાલ તો થતી જ રહે છે, જે ખાસ અનુભવાતી નથી.
- ડો. જયેશ નાયક, પર્યાવરણવાદી, ખખવાડા, ગણદેવી

adv

Related News

post
post
post
post
post
post
post