• Home
  • News
  • ફ્રાંસના ચર્ચમાં છેલ્લા 70 વર્ષમાં ત્રણ લાખથી વધારે બાળકોનું યૌન શોષણ થયું,પંચે અઢી વર્ષની તપાસ બાદ 2500 પાનાનો અહેવાલ જાહેર કર્યો
post

શોષણનો ભોગ બનેલા બાળકો પૈકી 80 ટકા છોકરા અને 20 ટકા છોકરીઓનો સમાવેશ થતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-06 10:14:10

ફ્રાંસમાં કેથોલિક ચર્ચ જેવા પવિત્ર ગણાતા ધર્મ સ્થાનોમાં વર્ષ 1950થી 2020 દરમિયાન આશરે 3 લાખ 30 હજાર જેટલા બાળકો યૌન શોષણ (sexual abuse)શિકાર થયા હોવાનો આઘાતજનક અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. આ અહેવાલ જાહેર કરનારા પંચના અધ્યક્ષ જીન માર્ક (Jean-Marc)નું કહેવું છે કે વ્યાપક સંશોધનના આધારે જાણવા મળ્યું છે કે છેલ્લા 70 વર્ષમાં 3.30 લાખ બાળકોનું યૌન શોષણ થયું હતું.

આ શોષણ ચર્ચના પાદરીઓ અથવા ચર્ચ સાથે સંકળાયેલા અન્ય લોકો દ્વારા આચરવામાં આવતું હતું. એટલે કે બાળકોનું શારીરિક શોષણ કરનારામાં આશરે 3,000 લોકો પૈકી બે-તૃત્યાંશ પાદરી હતા. શોષણનો ભોગ બનેલા બાળકો પૈકી 80 ટકા છોકરાઓ (મોટાભાગે 10-13 વર્ષ) છે અને 20 ટકા છોકરીઓનો સમાવેશ થતો હતો. પાદરી અથવા ચર્ચ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવેલા યૌન શોષણનો શિકાર બનેલા બાળકોની સંખ્યા 2,16,000 હોઈ શકે છે.

પંચ (commission)ના જણાવ્યા પ્રમાણે યૌન શૌષણનો ભોગ બનેલા આશરે 60 ટકા બાળકો અને બાળકીઓ ત્યારપછીના જીવનમાં ભાવનાત્મક તથા અન્ય જટિલ પરિસ્થિતિનો સામનો કરતાં હતા. પંચે 2500 પાનાનો આ અહેવાલ તૈયાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાંસ તથા અન્ય દેશોમાં પણ કેથોલિક ચર્ચની અંદર ચાલતી આ પ્રકારની શરમજનક ઘટનાઓ ઘણા લાંબા સમયથી છૂપાવી રાખવામાં આવી હતી.

યૌન શોષણનો ભોગ બનનારાઓનો અવાજ ઉઠાવતી સંસ્થા પાર્લર એટ રિવિવર (ખુલ્લીને બોલો અને ફરીથી જીવો)એ તપાસમાં સંપૂર્ણ સહયોગ કર્યો હતો. આ સંસ્થાના વડા ઓલિવિર સેવિગનાકે (Olivier Savignac) જણાવ્યું હતું કે શારીરિક શૌષણ કરનારા અને તેનો ભોગ બનનારાનું પ્રમાણ ખાસ કરીને ફ્રાંસના સમાજ માટે, કેથોલિક ચર્ચ માટે ખૂબ જ આઘાતજનક બાબત છે.

આ પંચે બે વર્ષ સુધી કામ કરી પીડિતો, પ્રત્યક્ષ સાક્ષીઓના નોંધાયેલ નિવેદનો તથા ચર્ચ, કોર્ટ, પોલીસ અને 1950ના દાયકાથી મીડિયામાં પ્રકાશિત કેસોનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. તપાસ દરમિયાન એક ખાસ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવેલી કે જેની ઉપર પીડિત અથવા તેને લગતી જાણકારી આપી શકાતી હતી. આ હેલ્પલાઈન પર 6500થી વધારે લોકોએ ફોન પર માહિતી આપી હતી.

આ અહેવાલ યૌન શોષણને લગતા કાંડ બાદ પ્રકાશિત કરવામાં આવ્યો છે કે જેને પગલે ફ્રાંસના કેથોલિક ચર્ચમાં જાણે ભૂકંપ સર્જાયો છે. અગાઉ સસ્પેન્ડ કરી દેવાયેલા પાદરી બર્નાર્ડ પ્રેયનેટને ગયા વર્ષે યૌન શોષણને લગતા કેસમાં પાંચ વર્ષની સજા થઈ હતી. બર્નાર્ડે 75 જેટલા સગીરોનું યૌન શોષણ કર્યાંની વાતનો સ્વીકાર કર્યો હતો.

વેટીકનના પ્રવક્તા મેટ્ટીઓ બ્રુનીએ જણાવ્યું હતું કે પોપ ફ્રાંસિસે આ પંચના સંશોધનનો ખૂબ જ દુખ સાથે અભ્યાસ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે મે,2019માં ફ્રાંસિસે તમામ કેથોલિક પાદરીઓ અને નન માટે નવો ચર્ચ કાયદો જાહેર કર્યો હતો કે જે જાતિય શોષણની ઘટનામાં જવાબદારીને નક્કી કરતો હતો. ગત જૂન મહિનામાં પણ ફ્રાંસિસે જણાવ્યું હતું કે સુધારાની પ્રક્રિયા જરૂરી હતી અને દરેક બિશપે યૌન શોષણની વાંધાજનક ઘટનાની જવાબદારી ફરજીયાતપણે સ્વીકારવી જોઈએ.

adv

Related News

post
post
post
post
post
post
post