• Home
  • News
  • મોસ્ટ વોન્ટેડ હોમ મિનિસ્ટર:અમેરિકાએ અફઘાનિસ્તાનના ગૃહમંત્રી પર રૂપિયા 37 કરોડનું ઈનામ જાહેર કરેલું છે, 13 વર્ષ અગાઉ ભારતને જખમ આપી ચૂક્યો છે
post

એક સમયે ISIનો એજન્ટ હતો અને અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલા કરાવતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-08 10:13:28

20 વર્ષ બાદ ફરી એક વખત તાલિબાને સરકારની સત્તાવાર જાહેરાત કરી છે. તાલિબાન આતંકવાદી સંગઠન છે અને સ્પષ્ટ છે કે તેની સરકારમાં આતંકવાદની પૃષ્ટભૂમિ ધરાવનારને જ સ્થાન મળવાનું હતું, અને એ પ્રમાણે જ થયું. આ સાથે એક એવી વ્યક્તિને પણ સ્થાન મળ્યું છે, જેનો પોર્ટપોલિયો અમેરિકા તથા વિશ્વને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે. આ નામ છે સિરાઝુદ્દીન હક્કાની. તે કેટલો ખૂનખાર આતંકવાદી છે, એ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે અમેરિકાએ તેની પર 50 લાખ ડોલર (ભારતીય ચલણ પ્રમાણે આશરે રૂપિયા 37 કરોડ) ઈનામની જાહેરાત કરેલી છે.

સિરાઝુદ્દીન અને તેના પિતાએ વર્ષ 2008માં કાબુલના ભારતીય દૂતાવાસ પર પણ હુમલો કરાવ્યો હતો. એમાં 58 લોકો માર્યા ગયા હતા. વર્ષ 2011માં અમેરિકાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ રહી ચૂકેલા જનરલ માઈક મુલેને હક્કાની નેટવર્કને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના નજીકનો સાગરીત અને એજન્ટ ગણાવ્યો હતો.

આત્મઘાતી હુમલા તેના મગજની ઊપજ
આત્મઘાતી હુમલાનો ઈતિહાસ અનેક દાયકા જૂનો છે. આ સાથે એવું માનવામાં આવે છે કે શ્રીલંકામાં સિવિલ વોરના સમયે તેની શરૂઆત થઈ હતી, પણ અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલા કરનારા હક્કાન નેટવર્ક અને ખાસ કરીને અહી સિરાજુદ્દીન હક્કાનીને ઓળખવામાં આવે છે. અફઘાનસ્તાનમાં આ હુમલામાં અત્યારસુધીમાં હજારોની સંખ્યામાં નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. સિરાજુદ્દીને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈની હત્યાનું ષડયંત્ર પણ આ હુમલા હેઠળ રચવામાં આવ્યું હતું, જે નિષ્ફળ રહ્યું હતું.

આ સાથે એવું કહેવામાં આવે છે કે સિરાજુદ્દીનના પિતા અને હક્કાની નેટવર્કની સ્થાપના કરનારા જલાલુદ્દીન હક્કાની વર્ષ 2013 અથવા 2015 વચ્ચે માર્યો ગયો હતો, જોકે સિરાજુદ્દીન 2001 બાદથી જ હક્કાની નેટવર્કના સરગના બની ગયો છે. સિરાજુદ્દીન પાકિસ્તાનનાના વજીરિસ્તાનમાં જ રહે છે.

હક્કાની નેટવર્કને જાણવું જરૂરી
તેને ટૂંકમાં સમજીએ. વર્ષ 1980ની આજુબાજુ સોવિયત સેનાએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો. અમેરિકાએ આ સમયમાં પાકિસ્તાન સાથે મળી સ્થાનિક કબીલાઓને હથિયારો અને પૈસા આપ્યા. એમાં હક્કાની નેટવર્કનો પણ સમાવેશ થતો હતો. ત્યાર બાદ તાલિબાન બન્યું અને અમેરિકાએ આ જૂથથી અંતર બનાવવાની શરૂઆત કરી. જોકે પાકિસ્તાને તેને પોષવાનું ચાલુ રાખ્યું. ISIએ હક્કાની નેટવર્કનો ઉપયોગ કરી અફઘાનિસ્તાન અને અમેરિકા બન્ને સામે કામ કર્યું. આ એજન્સી પૈસા પણ લેતી હતી અને હુમલા પણ કરાવતી હતી. અમેરિકાની આ નિષ્ફળતા કહી શકાય કે પાકિસ્તાન પર દબાણ નાખી હક્કાની નેટવર્કનો ખાતમો ન કરી શકી.

તાલિબાન અને હક્કાની નેટવર્કઃ કેટલા નજીક અને કેટલા દૂર
કદાચ ઓછા લોકોને જાણ હશે કે તાલિબાન કોઈ એક સંગઠનનું નામ નથી. એમાં અનેક જૂથ, અનેક કબીલા અને સમુદાય છે. હક્કાની નેટવર્કને આ પૈકી એક માની શકાય છે. અફઘાન તાલિબાન અલગ છે અને પાકિસ્તાન તાલિબાન અલગ છે. બસ, એક જ બાબત સમાન છે. તે તમામ કટ્ટરપંથી અને આતંકવાદી સંગઠન છે, જે શરિયત પ્રમાણે સરકાર ચલાવવા ઈચ્છે છે.

તાલિબાન અને હક્કાની નેટવર્ક પોતાની સુવિધા પ્રમાણે એકબીજાનો ઉપયોગ કરે છે. અફઘાન તાલિબાન સત્તામાં આવવા માટે હક્કાની નેટવર્કે શક્ય તમામ મદદ કરી છે. પરિણામ સામે છે. તેનો સરગના હવે અફઘાનિસ્તાનનો હોમ મિનિસ્ટર હશે. બીજા શબ્દોમાં કહીએ તો તાલિબાન અને હક્કાની નેટવર્ક એક થઈને પણ અલગ છે અને અલગ રહીને પણ એક છે.

હક્કાની નેટવર્કનો લોહિયાળ જંગ

·         2001: સિરાજુદ્દીન હક્કાની નેટવર્કનો ચીફ બન્યો

·         2008 : ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો, 58 લોકોનાં મોત

·         2012 : અમેરિકાએ હક્કાની નેટવર્ક પર પ્રતિબંધ મૂક્યો

·         2014 : પેશાવર સ્કૂલ પર હુમલો, 200 બાળકો માર્યા ગયાં

·         2017 : કાબુલમાં હુમલો,150થી વધારે લોકો માર્યા ગયા