• Home
  • News
  • રાજકોટમાં માતા અને પુત્ર બંનેએ ટ્રેન હેઠળ પડતું મુકી જિંદગી ટૂંકાવી
post

શહેરના નવા થોરાળાના વિજયનગર-8માં રહેતા ચમાર પરિવારના ૪૦ વર્ષીય મહિલાએ સાંજે પોતાના 24 વર્ષીય માનસિક અસ્થિર પુત્ર સાથે મોરબી રોડ પર નવા ઓવર બ્રિજ નીચે ટ્રેન હેઠળ પડતું મુકી દેતાં બંનેના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-16 12:54:59

રાજકોટ -શહેરના નવા થોરાળાના વિજયનગર-8માં રહેતા ચમાર પરિવારના ૪૦ વર્ષીય મહિલાએ સાંજે પોતાના 24 વર્ષીય માનસિક અસ્થિર પુત્ર સાથે મોરબી રોડ પર નવા ઓવર બ્રિજ નીચે ટ્રેન હેઠળ પડતું મુકી દેતાં બંનેના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મહિલાને બ્લડ પ્રેશર સહિતની બિમારી હતી તો પુત્ર માનસિક અસ્વસ્થ હતો. આ કારણ કંટાળીને પુત્રને સાથે રાખી આ પગલું ભરી લીધું હતું. સ્પષ્ટ કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

ગત રાત્રે નવેક વાગ્યા આસપાસ મોરબી રોડ પર નવા પુલ નજીક બિલેશ્વર-રાજકોટ વચ્ચેના રૂટ પર સિકંદરાબાદ રાજકોટ ટ્રેન આગળ એક યુવાન અને એક મહિલાએ પડતું મુકી દેતાં બંનેના મોત નીપજતાં મૃતદેહોને ટ્રેન મારફત જંક્શન રેલ્વે સ્ટેશને લાવવામાં આવ્યા હતાં અને રેલ્વે પોલીસ મથકના એએસઆઇ મધુસુદભાઇએ બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં એએસઆઇ કે.આર.ચોટલીયા અને રાઇટર મયુરસિંહે સ્ટેશને પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન પાસેથી એક વિઝીટીંગ કાર્ડ અને એક ફોટો મળ્યા હતા. કાર્ડના નંબરમાં ફોન કરતાં તે મૃતક યુવાનનો મિત્ર હોવાનું ખુલતાં તેને રૂબરૂ બોલાવી મૃતદેહ દેખાડતાં ઓળખ થઇ હતી. મૃતક યુવાનનું નામ કેતન નાનજીભાઇ પરમાર હોવાનું અને તેની સાથેના મહિલા તેના માતા ગીતાબેન નાનજીભાઇ પરમાર હોવાનું ખુલ્યું હતું. બંને નવા થોરાળાના વિજયનગર-8માં રહેતાં હોવાની માહિતી મળતાં તેમના પરિવારજનોને બોલાવાયા હતાં.

ગીતાબેનને સંતાનમાં બે પુત્રો કેતન અને કૌશિક છે. જેમાં કેતન માનસિક અસ્વસ્થ હતો. જ્યારે 18 વર્ષનો કૌશિક કારખાનામાં કામ કરે છે. ગીતાબેનના પતિ નાનજીભાઇ બેચરભાઇ પરમાર છૂટક મજૂરી કરે છે. સાંજે સાતેક વાગ્યે ગીતાબેન પોતાના પુત્ર કેતનને લઇને ઘરેથી નીકળી ગયા હતાં. એ વખતે તેનો બીજો પુત્ર અને પતિ કામે ગયા હતાં. રાતે પોણા નવેક વાગ્યે તેઓ ઘરે આવ્યા ત્યારે મા-દિકરો જોવા ન મળતાં તપાસ શરૂ કરી હતી. ત્યાં મોરબી રોડ પુલ નીચે ટ્રેન હેઠળ બંને કપાઇ ગયાના સમાચાર પોલીસ મારફત મળતાં કલ્પાંત સર્જાયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post