• Home
  • News
  • બાળકો પર દુઃખનો પહાડ તૂટ્યો:કોરોના મહામારીમાં છેલ્લા 21 મહિનામાં 1 લાખ 47 હજાર બાળકો અનાથ બન્યાં, સુપ્રીમકોર્ટને માહિતી આપવામાં આવી
post

માતા-પિતા ગુમાવનારાં બાળકો પૈકી 76 હજાર 508 છોકરા, જ્યારે 70 હજાર 980 છોકરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-17 11:09:13

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)એ સુપ્રીમકોર્ટને માહિતી આપી હતી કે એપ્રિલ, 2020 બાદથી 1 લાખ 47 હજાર 492 બાળકોએ તેમનાં માતા, પિતા અથવા તો બન્ને ગુમાવ્યાં છે. NCPCRના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લાં આશરે બે વર્ષમાં અનાથ થયેલા બાળકો પૈકી મોટા ભાગનાં માતા-પિતાનો જીવ કોરોના વાઈરસને લીધે અથવા તો અન્ય કોઈ ઘટનામાં ગયો છે.

અગાઉ સુપ્રીમકોર્ટે આયોગને પૂછ્યું હતું કે કોરોના મહામારી સમયે માતા-પિતા ગુમાવનારાં બાળકોની સંખ્યા કેટલી છે. આ અંગે NCPCRએ આ આંકડા કોર્ટ સમક્ષ રજૂ કર્યાં છે.આ સાથે આયોગે એમ પણ કહ્યું હતું કે આ આંકડા 11 જાન્યુઆરી સુધીના છે અને રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી 'બાલ સ્વરાજ પોર્ટલ-કોવિડ કેર'માં આપવામાં આવેલી માહિતીના આધારે મેળવવામાં આવ્યા છે.

NCPCRની માહિતી પ્રમાણે 11મી જાન્યુઆરી સુધી મળેલી માહિતી પ્રમાણે દેશમાં એપ્રિલ,2020થી અત્યાર સુધીમાં માતા અને પિતા બન્ને ગુમાવનાર બાળકોની સંખ્યા 10 હજાર 94 છે. જ્યારે માતા અથવા પિતા પૈકી કોઈ ગુમાવનાર બાળકોની સંખ્યા 1 લાખ 36 હજાર 910 છે. આ ઉપરાંત ત્યજી દેવામાં આવેલા બાળકોની સંખ્યા 488 છે.

કઈ ઉંમરનાં કેટલાં બાળકોએ ગુમાવ્યાં માતા-પિતા

માતા-પિતા ગુમાવનારા બાળકો પૈકી 76 હજાર 508 છોકરા જ્યારે 70 હજાર 980 છોકરી છે, જ્યારે ચાર ટ્રાન્સજેન્ડર બાળકનો પણ સમાવેશ થાય છે. એફિડેવિટ પ્રમાણે જે વયજૂથના બાળકો મહામારી સમયે સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે તેમાં આઠથી 13 વર્ષના 59,010 બાળકો, 14-15 વર્ષના 22 હજાર 763 બાળકો, 16-18 વર્ષના 22,626 બાળકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચારથી સાત વર્ષ વચ્ચે 26,080 બાળકોના માતા અથવા પિતા અથવા બન્ને આ સમયગાળા દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

કયાં રાજ્યોમાં માતા-પિતા ગુમાવનાાંર બાળકોની સંખ્યા કેટલી?
એપ્રિલ 2020થી કોવિડ અને અન્ય કારણોથી પોતાના માતા અથવા પિતા અથવા માતા-પિતા બન્ને ગુમાવનાર બાળકોની રાજ્ય પ્રમાણે આયોગે માહિતી આપતા કહ્યું કે સૌથી વધારે સંખ્યા ઓડિશા 24,405માંથી છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 19,623, ગુજરાતમાં 14,770, તમિલનાડુમાં 11,014, ઉત્તર પ્રદેશમાં 9,247, આંધ્ર પ્રદેશમાં 8,760, મધ્ય પ્રદેશમાં 7,340, પશ્ચિમ બંગાળમાં 6,835, દિલ્હીમાં 6,629 અને રાજસ્થાનમાં 6,827 જેટલી છે.

માતા-પિતા ગુમાવનારાં બાળકોની અત્યારે શી સ્થિતિ છે
NCPCR
એ બાળકોના આશ્રયની વર્તમાન સ્થતિ અંગે માહિતી આપી છે. આ માહિતી પ્રમાણે મોટાભાગના 1,25,205 બાળકો માતા અથવા પિતા પૈકી કોઈ એક સાથે રહે છે. 1,529 બાળકો બાળગૃહોમાં,19 ખુલ્લા આશ્રય ગૃહોમાં, બે અવલોકન ગૃહોમાં, 188 અનાથ આશ્રમોમાં રહે છે. 66 જેટલા બાળકો દત્તક લેનારી એજન્સીમાં અને 39 છાત્રાલયોમાં રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post