• Home
  • News
  • મુંબઈ ઇન્ડિયન્સ સામે ટાઇટલ ડિફેન્ડ કરવાનો પડકાર:IPLની 12 સીઝનમાં મુંબઈ સૌથી વધુ 109 મેચ જીત્યું, 4 વાર ચેમ્પિયન બનનાર એકમાત્ર ટીમ
post

મુંબઈ ઇન્ડિયન્સ IPLની 12 સીઝનમાં સૌથી વધુ 187 મેચ રમ્યું, 181 મેચ સાથે RCB બીજી સ્થાને

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 12:30:15

IPLની ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ 19 સપ્ટેમ્બરે ચેન્નાઇ સુપરકિંગ્સ સામે લીગની ઓપનિંગ મેચ રમશે. બંને ટીમ વચ્ચે 30 મેચ રમાઈ છે, જેમાંથી 18 મુંબઈ અને 12 ચેન્નાઈ જીતી છે. મુંબઈ એકમાત્ર ટીમ છે, જેણે CSKને સૌથી વધુ વાર હરાવ્યું છે. તેવામાં મુંબઈ આ વખતે પણ જીત સાથે જ શરૂઆત કરવા માંગશે.

મુંબઈ IPLની સૌથી સફળ ટીમ છે. તે ચાર વાર (2013, 2015, 2017 અને 2019)માં ચેમ્પિયન બન્યું છે, જયારે સૌથી વધુ 5 ફાઇનલ રમનાર બીજી ટીમ છે. ચેન્નાઈ સૌથી વધુ 8 ફાઇનલ રમ્યું છે.

મુંબઈ સૌથી વધુ 109 મેચ જીત્યું
લીગના ઇતિહાસમાં મુંબઈએ સૌથી વધુ મેચ રમી અને જીતી છે. 12 સીઝનમાં મુંબઈએ 187 મેચ રમી અને 109માં જીત મેળવી, જ્યારે 78માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ કિસ્સામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા સ્થાને છે. આ ટીમે 181 મેચોમાં 84માં જીત મેળવી છે અને 93 હારી છે. 4 મેચ અનિર્ણિત હતી. કોલકાતા નાઈટ રાઇડર્સ ત્રીજા સ્થાને છે. KKR 178 મેચમાંથી 92 જીત્યું અને 86 હાર્યું છે. બીજી તરફ, મેચ જીતવાના મામલે ચેન્નઈ સુપરકિંગ્સ બીજા ક્રમે છે. ચેન્નઈ 100 મેચ જીતનાર બીજી ટીમ છે.

રોહિત શર્મા મુંબઈનો ટોપ સ્કોરર
​​​​​​​કેપ્ટન રોહિત શર્મા મુંબઈનો ટોપ સ્કોરર છે. તેણે 188 મેચોમાં 4898 રન બનાવ્યા છે. 7 વર્ષ પહેલા જ્યારે ટીમ પ્રથમ વાર ચેમ્પિયન બની ત્યારે રોહિતે સૌથી વધુ 538 રન બનાવ્યા. જોકે, બાકીના ત્રણ પ્રસંગોમાં જ્યારે ટીમ ચેમ્પિયન બની ત્યારે રોહિત ટોપ સ્કોરર રહ્યો ન હતો. લેન્ડલ સિમન્સે 2015માં સૌથી વધુ 540 રન, 2017માં પાર્થિવ પટેલે 395 અને ગત વર્ષે ક્વિન્ટન ડી કોક 529 રન સાથે ટોપ સ્કોરર હતો.

મલિંગા ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે
​​​​​​​ટીમના સૌથી સફળ બોલરની વાત કરીએ તો તે લસિથ મલિંગા છે. મલિંગાએ IPL ના ઇતિહાસમાં 170 વિકેટ ઝડપી છે. તે પારિવારિક કારણોસર આ સીઝનમાં નહીં રમે. જ્યારે 2015માં ટીમ ચેમ્પિયન બની ત્યારે મલિંગાએ સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. તેના સિવાય જસપ્રીત બુમરાહ પણ ટીમ માટે મહત્વપૂર્ણ છે. 2017 અને 2019માં બુમરાહ ટીમ માટે સૌથી વધુ 20 અને 19 વિકેટ લેનાર સૌથી વધુ બોલર હતો. ટીમ બંને વખતે ચેમ્પિયન બની હતી.

મુંબઇ ઇન્ડિયન્સની ટીમ:રોહિત શર્મા (કેપ્ટન), દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પેટિન્સન, નાથન કુલપર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, રાહુલ ચહર, ક્રિસ લિન, શરફેન રધરફોર્ડ, અનમોલપ્રીત સિંહ, મોહસીન ખાન, મિશેલ મેક્લેગન, બલવંત રાયસિંહ, અનુકૂલ રોય, ઇશાન કિશન.