• Home
  • News
  • તિરુપતિમાં મુસ્લિમ દંપતીએ 1.02 કરોડનું દાન આપ્યું:અગાઉ 35 લાખનું ફ્રિજ આપ્યું હતું; અંબાણીએ ગયા અઠવાડિયે 1.5 કરોડ આપ્યા હતા
post

ભગવાન બાલાજીએ અહીં રામાનુજાચાર્યને પ્રત્યક્ષ દર્શન આપ્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-21 19:27:41

ચેન્નાઈના એક મુસ્લિમ દંપતીએ આંધ્રપ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના તિરુપતિ મંદિરમાં 1.02 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ઉદ્યોગપતિ અબ્દુલગની અને તેમની પત્ની સુબીનાબાનોએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) અધિકારીઓને ચેક સોંપ્યો.

અધિકારીઓએ જણાવ્યું કે, 87 લાખ રૂપિયાનું દાન નવા બનેલા પદ્માવતી રેસ્ટ હાઉસનાં ફર્નિચર અને વાસણો માટે છે, જેથી ત્યાંની સુવિધાઓમાં વધારો કરી શકાય. SV અન્ના પ્રસાદમ ટ્રસ્ટ માટે રૂ. 15 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટનો પણ સમાવેશ થાય છે, જે દરરોજ મંદિરમાં આવતા હજારો ભક્તોને મફત ભોજન પૂરું પાડે છે.

 

મુસ્લિમ પરિવાર પ્રથમ વખત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના (TTD) ઓફિસર એવી ધર્મા રેડ્ડીને મળ્યો હતો. જે બાદ ચેક તેમને સોંપવામાં આવ્યો હતો. દાન પછી, ટીટીડીના વેદ-પંડિતે વેદશિર્વચનમનો અનુવાદ કર્યો, જ્યારે અધિકારીઓએ અબ્દુલગની અને તેમના પરિવારના સભ્યોને મંદિરની પ્રસાદી આપી.

બાલાજી મંદિરમાં પહેલાં પણ દાન આપી ચૂક્યો છે પરિવાર
અબ્દુલગની એક બિઝનેસમેન છે. આ પહેલીવાર નથી જ્યારે અબ્દુલગનીએ મંદિરમાં દાન કર્યું હોય. વર્ષ 2020માં, તેમણે કોરોના રોગચાળા દરમિયાન મંદિર પરિસરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ટ્રેક્ટર-માઉન્ટ સ્પ્રેયરનું દાન કર્યું હતું. અગાઉ, સુબીનાબાનો અને અબ્દુલગનીએ શાકભાજીના પરિવહન માટે મંદિરને 35 લાખ રૂપિયાની રેફ્રિજરેટર ટ્રક દાનમાં આપી હતી.

મુકેશ અંબાણીએ 1.5 કરોડ દાનમાં આપ્યા હતા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ગયા શુક્રવારે તિરુમાલા મંદિરમાં 1.5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. એક અહેવાલ મુજબ અંબાણીએ મંદિરમાં પૂજા-અર્ચના કરવા મંદિરમાં ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો. ગયા સોમવારે લગભગ 67,276 ભક્તોએ તિરુમાલા મંદિરમાં વેંકટેશ્વરની પૂજા કરી. આ દરમિયાન TTDને 5.71 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું.

ભારતનું સૌથી ધનવાન મંદિર છે તિરુપતિ બાલાજી મંદિર
દક્ષિણ ભારતનાં તમામ મંદિર પોતાની ભવ્યતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે, પરંતુ તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી વધુ લોકપ્રિય છે. આ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તુરમાં છે. આ મંદિરને ભારતનું સૌથી ધનવાન મંદિર ગણવામાં આવે છે, કારણ કે આ મંદિરમાં રોજનું કરોડોનું દાન આવે છે.

અહીં વાળ દાન કરવામાં આવે છે
એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના મનમાંથી તમામ પાપો અને દૂષણોને છોડી દે છે, દેવી લક્ષ્મી તેનાં તમામ દુ:ખોનો અંત લાવે છે. તેથી, અહીં લોકો તેમનાં તમામ દુષ્કૃત્યો અને પાપોના ભાગરૂપે તેમના વાળ દાન કરી દે છે.

ભક્તોને તુલસીપત્ર આપવામાં આવતા નથી
બધાં મંદિરોમાં દેવતાને ચઢાવવામાં આવતા તુલસીનાં પાન ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. અન્ય વૈષ્ણવ મંદિરોની જેમ, તુલસીનાં પાન દરરોજ દેવતાને અર્પણ કરવામાં આવે છે, પરંતુ તે ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતાં નથી. પૂજા કર્યા પછી તે તુલસીનાં પાનને મંદિર પરિસરમાં હાજર કૂવામાં મૂકવામાં આવે છે.

ભગવાન વિષ્ણુને વ્યંકટેશ્વર કહેવામાં આવે છે
આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે તે મેરુ પર્વતનાં સાત શિખરો પર બાંધવામાં આવ્યું છે, તેનાં સાત શિખરો શેષનાગનાં સાત હૂડનું પ્રતીક છે. આ શિખરોને શેષાદ્રિ, નીલાદ્રિ, ગરુડાદ્રિ, અંજનાદ્રિ, વૃષ્ટાદ્રિ, નારાયણદ્રિ અને વ્યંકટાદ્રિ કહેવામાં આવે છે. તેમાંથી ભગવાન વિષ્ણુ વ્યંકટાદ્રી નામના શિખર પર બિરાજમાન છે અને આ કારણે તેઓ વ્યંકટેશ્વર તરીકે ઓળખાય છે. માત્ર શુક્રવારે જ સમગ્ર મૂર્તિનાં દર્શન થાય છે
મંદિરમાં બાલાજીના દિવસમાં ત્રણ વખત દર્શન થાય છે. પ્રથમ દર્શનને વિશ્વરૂપ કહેવામાં આવે છે, જે સવારે થાય છે. બીજા દર્શન બપોરે અને ત્રીજા દર્શન રાત્રે થાય છે. ભગવાન બાલાજીની સંપૂર્ણ મૂર્તિ શુક્રવારની સવારે અભિષેક સમયે જ જોઈ શકાય છે.

ભગવાન બાલાજીએ અહીં રામાનુજાચાર્યને પ્રત્યક્ષ દર્શન આપ્યાં હતાં
બાલાજીના મંદિર સિવાય અહીં આકાશગંગા, પાપનાશા તીર્થ, વૈકુંઠ તીર્થ, જલવિ તીર્થ, તિરુચાનુર જેવાં અન્ય ઘણાં મંદિરો છે. આ તમામ સ્થાનો ભગવાનની લીલા સાથે સંકળાયેલાં છે. એવું કહેવાય છે કે શ્રી રામાનુજાચાર્ય લગભગ દોઢસો વર્ષ જીવ્યા અને આખી જિંદગી ભગવાન વિષ્ણુની સેવા કરી. પરિણામે, અહીં ભગવાને તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post