• Home
  • News
  • મ્યાનમારના વડા, નોબલ પારિતોષિક વિજેતા આંગ સાન સુ કીને વધુ 6 વર્ષની કેદ
post

દેશના સર્વોચ્ચ પદે રહીને સુ કી પર બજાર મૂલ્યથી ઓછા ભાવે જાહેર સરકારી જમીન ભાડે આપવા અને ધર્માદા પેટે મળેલ દાનનો ઉપયોગ ઘર બાંધવા માટે કરવાનો આરોપ હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-15 19:31:35

નવી દિલ્હી: કોરોના મહામારીની સાથે-સાથે રાજકીય ઉથલપાથલ અને સત્તા પલટો જોનાર મ્યાનમારમાં ભ્રષ્ટાચાર અને ચૂંટણીમાં ગેરરીતિ આચરવાના આરોપો સાથે દેશના પૂર્વ વડા આંગ સાન સુ કીને વધુ 6 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. વર્તમાનમાં સૈન્ય શાસિત મ્યાનમારની એક કોર્ટે સોમવારે હકાલપટ્ટી કરાયેલ મહિલા નેતા આંગ સાન સૂ કીને વધુ ચાર ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવી અને તેમને વધારાની છ વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે આ ચુકાદો એક બંદ રૂમમાં જ આપવામાં આવ્યો છે અને સુ કીના વકીલોને કાર્યવાહી વિશે માહિતી જાહેર કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

દેશના સર્વોચ્ચ પદે રહીને સુ કી પર બજાર મૂલ્યથી ઓછા ભાવે જાહેર સરકારી જમીન ભાડે આપવા અને ધર્માદા પેટે મળેલ દાનનો ઉપયોગ ઘર બાંધવા માટે કરવાનો આરોપ હતો. કોર્ટે ટાંક્યું કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. તેમને ચાર કેસમાં પ્રત્યેક ત્રણ-ત્રણ વર્ષની સજા થઈ હતી, પરંતુ આમાંથી ત્રણ કેસમાં સજા એક સાથે ચાલશે. આ રીતે તેને વધુ છ વર્ષ જેલમાં રહેવું પડશે.

સુ કીએ તેમના પરના આરોપોને નકારી કાઢ્યા છે અને તેમના વકીલો ચુકાદા સામે અપીલ કરી શકે છે. સૈન્યએ તેમની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધા પછી અને ફેબ્રુઆરી 2021માં તેમની અટકાયત કર્યા પછી સુ કી પર રાજદ્રોહ, ભ્રષ્ટાચાર અને અન્ય આરોપોમાં 11 વર્ષની જેલની સજા થઈ ચૂકી છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા સુ કી લશ્કરી શાસનને અવગણવા બદલ ઘણા વર્ષો સુધી નજરકેદમાં વિતાવી ચૂક્યા છે.

ફેબ્રુઆરી 2021માં સત્તા પરિવર્તન :

1 ફેબ્રુઆરી, 2021ના રોજ, મ્યાનમારની સેનાએ દેશની બાગડોર પોતાના હાથમાં આંચકી લીધી હતી અને સૂ કી અને મ્યાનમારના ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા. સુ કીની પાર્ટીએ છેલ્લે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી, પરંતુ સૈન્યનું કહેવું છે કે ચૂંટણીમાં મોટાભાગે ગેરરીતિ થઈ હતી. એક મોનિટરિંગ ગ્રૂપના જણાવ્યા અનુસાર, સેનાએ દેશની બાગડોર સંભાળી લીધા પછી દેશભરમાં વિરોધ પ્રદર્શનને ડામવા માટે સેના દ્વારા ભયાનક બળના ઉપયોગમાં લગભગ 2000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post