• Home
  • News
  • પહેલીવાર એસ્ટરોઇડ સાથે અથડાયું NASAનું સ્પેસક્રાફ્ટ:ધરતી બચાવવાનો મહાટેસ્ટ સફળ, 5 અબજ કિલોના એસ્ટેરોઇડનો રસ્તો બદલવાનો પ્રયત્ન કરાયો
post

નાસાના જણાવ્યા મુજબ, એસ્ટેરોઇડ એ ખડકાળ, પવન વિનાના અવશેષો છે, જે લગભગ 4.6 અબજ વર્ષો પહેલાં આપણા સૌરમંડળની રચના દરમિયાન રચાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-27 18:49:17

તારીખઃ 26 સપ્ટેમ્બર 2022

સમયઃ સાંજે 7.14 મિનિટ (અમેરિકન સમય અનુસાર)

27 સપ્ટેમ્બર: સવારે 4.44 મિનિટે (ભારતીય સમય અનુસાર)

સ્થળઃ અવકાશમાં ધરતીથી 1.1 કરોડ કિમી દૂર

શું થયું?: NASAનું અંતરિક્ષ યાન ડાઇમોરફસ નામના એસ્ટેરોઇડ સાથે અથડાયું

કારણઃ પૃથ્વી તરફ જોખમરૂપે આગળ વધી રહેલા એસ્ટેરોઇડનો માર્ગ બદલવાનું ટેસ્ટિંગ

ખાસિયતઃ પ્રથમવાર કોઈ માનવીય અંતરિક્ષ યાન કોઈ એસ્ટેરોઇડ સાથે અથડાયું

 

સવાલ 1: આજે અવકાશમાં શું ખાસ થયું?
જવાબ: અમેરિકન સ્પેસ એજન્સી NASAનું અવકાશયાન DART (ડબલ એસ્ટેરોઇડ રિડાયરેક્શન ટેસ્ટ) અવકાશમાં હાજર એસ્ટેરોઇડ ડિમોરફસ સાથે અથડાયું. ટક્કર અમેરિકન સમય અનુસાર 26 સપ્ટેમ્બરે સાંજે 7.14 વાગ્યે થઈ. ત્યારે ભારતમાં 27 સપ્ટેમ્બર સવારના 4.44 વાગ્યા હતા.

NASA 42 ફૂટ અને 570 કિલોનું અવકાશયાન DART 2560 ફૂટ અને 5 અબજ કિલોના એસ્ટેરોઇડ ડિમોરફસ સાથે અથડાયું હતું. આ ટક્કર ધરતીથી લગભગ 1.1 કરોડ કિલોમીટર દૂર થઈ હતી. NASA અનુસાર DART લગભગ 22.5 કિલોમીટર/કલાકની ઝડપે એસ્ટેરોઇડથી અથડાયું.

આ અથડામણનો હેતુ એસ્ટેરોઇડનો નાશ કરવાનો નથી, પરંતુ એની ભ્રમણકક્ષા એટલે કે તેના માર્ગને એક રીતે બદલવાનો છે. આ પ્રથમ પ્લેનેટરી-ડિફેન્સ ટેસ્ટ છે અને એ એસ્ટેરોઇડ સાથે ટકરાતું વિશ્વનું પ્રથમ અવકાશ મિશન પણ છે.

સવાલ 2: NASAનું મિશન સફળ રહ્યું?
જવાબ: એસ્ટેરોઇડથી અથડામણનું આ મિશન સફળ રહ્યું. NASAની આ મિશનની ડેપ્યુટી પ્રોગ્રામ મેનેજર એલેના એડમ્સે આ અથડામણને સફળ જણાવતાં કહ્યું હતું કે મિશનનો પ્રથમ તબક્કો સફળ રહ્યો અને DART તેના નિર્ધારિત ટાર્ગેટ કરતાં 17 કિલોમીટર દૂર અથડાયું.

જોકે મિશનનું બીજું ધ્યેય, એટલે કે એસ્ટેરોઇડની અથડામણથી એની ભ્રમણકક્ષામાં કેટલો ફેરફાર થયો એ હજુ જાણવાનું બાકી છે. એના પરથી ખબર પડશે કે ભવિષ્યમાં પૃથ્વીને કોઈ એસ્ટેરોઇડથી ખતરાની સ્થિતિ સર્જાય તો એનો રસ્તો બદલવાનું આ મિશન કેટલું સફળ રહ્યું છે.

વૈજ્ઞાનિક બે મહિના સુધી એસ્ટેરોઇડની સ્પીડ અને હલનચલનનું નિરીક્ષણ કરશે અને એની ગણતરી કરશે, એટલે કે બે મહિના પછી આ વિશે માહિતી મળશે કે NASA એસ્ટેરોઇડનો રસ્તો બદલવા કેટલું સફળ રહ્યું.

યુરોપિયન સ્પેસ એજન્સીનું અવકાશયાન HERA 2024માં ડાઇમોરફસની મુલાકાત લેશે ત્યારે આ મિશનની સંપૂર્ણ અસર જાણી શકાશે. HERA 2026 સુધીમાં ત્યાં પહોંચી જશે.

પ્રશ્ન 3: ડાઇમોરફસ શું છે, જેની સાથે નાસાનું અવકાશયાન ટકરાયું?
જવાબ: ડાઇમોરફસ એ બાઈનરી સ્ટેરોઈડ સિસ્ટમનો ભાગ છે. એ સિસ્ટમમાં બે એસ્ટેરોઇડ હોય છે, જેમાં એક નાનો એસ્ટેરોઇડ મોટા એસ્ટેરોઇડની પરિક્રમા કરે છે.

ડાઈમોરફસ 163 મીટર પહોળો એટલે કે લગભગ 535 ફૂટનો એસ્ટેરોઇડ છે, જ્યારે ડીડીમોસ 780 મીટર એટલે કે લગભગ 2560 ફૂટ લાંબો એસ્ટેરોઇડ છે. ડાઇમોરફસ એ મૂનલેટ અથવા 'લિટલ મૂન' એસ્ટેરોઇડ છે, જે ડીડીમોસ નામના મોટા એસ્ટેરોઈડની પરિક્રમા કરે છે. ડાઈમોરફસ અને ડીડીમોસ વચ્ચેનું અંતર માત્ર 1.2 કિમી છે, જ્યારે ડીડીમોસ સૂર્યની આસપાસ ફરે છે. એ સૂર્યથી લગભગ 15 કરોડ-30 કરોડ કિલોમીટર દૂર છે અને 2 વર્ષ અને 1 મહિનામાં એક ચક્કર પૂર્ણ કરે છે. નાસાનું અવકાશયાન નાના એસ્ટેરોઈડ સાથે એટલે કે ડાઈમોરફસ સાથે ટકરાયુ્ં.

ગ્રીકમાં ડીડીમોસનો અર્થ થાય છે જોડિયા અને ડાઇમોરફસનો અર્થ થાય છે 'બે સ્વરૂપ.' ડીડીમોસ એસ્ટેરોઇડની શોધ 1996માં જો મોન્ટાની દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ડાઈમોરફસની શોધ પેટ્ર પ્રવેશ દ્વારા 2003માં કરવામાં આવી હતી.

નાસાનું કહેવું છે કે સ્પેસક્રાફ્ટનું નેવિગેશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે એ છેલ્લી 50 મિનિટમાં બે એસ્ટેરોઈડ વચ્ચે ફરક રાખીને નાના એસ્ટેરોઇડ ડાઇમોરફસ સાથે ટકરાયું.

પ્રશ્ન 4: નાસાના અવકાશયાનને ડાઈમોરફસ સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે?
જવાબ: ઇટાલિયન સ્પેસ એજન્સી LICIACube દ્વારા બનાવેલા સેટેલાઇટ પણ DART સાથે મોકલવામાં આવ્યું હતું. 19 મીટરનું DART લગભગ સ્કૂલ બસની સાઈઝ જેટલું છે. ડાઇમોરફસ એસ્ટેરોઇડ સુધી પહોંચવા માટે તેને 24 નવેમ્બર 2021ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

હવે લગભગ 10 મહિનાની મુસાફરી પછી તે 26 સપ્ટેમ્બરના રોજ ડાઇમોરફસ એસ્ટેરોઇડ પર પહોંચ્યું અને એ જ દિવસે તેની સાથે ટકરાયું.

પ્રશ્ન 5: આ અથડામણમાં શું થયું?
જવાબ: નાસા અનુસાર, આ અથડામણ એસ્ટેરોઇડ પર એક મોટો ખાડો બનાવવા માટે પૂરતી ઊર્જા છોડી. આ અથડામણથી ડાઈમોરફસ એસ્ટેરોઇડની ગતિમાં લગભગ 1% ફેરફાર થયો.

આ ફેરફાર કદાચ વધુ લાગ્યો નહીં, પરંતુ તે ડાઈમોરફસ ડીડીમોસની આસપાસ પરિભ્રમણ કરવાની રીતને બદલી. હાલમાં ડાઇમોરફસને ડીડીમોસનો એક રાઉન્ડ કરવામાં લગભગ 11 કલાક 55 મિનિટનો સમય લાગ્યો. નાસાને અપેક્ષા છે કે ડાર્ટ સાથે અથડામણ પછી ડાઈમોરફસના એક ચક્કર માટે લાગતો સમય 10 મિનિટ ઓછો થઈ જશે.

DARTના આંચકાને લીધે ડાઇમોરફસ સહેજ શિફ્ટ થયો અને ડીડીમોસના ગુરુત્વાકર્ષણ બળથી વધુ બંધાઈ ગયો, એટલે કે ડાઈમોરફસના પરિભ્રમણનો માર્ગ થોડો ટૂંકો થઈ ગયો.

જોકે અથડામણની અસર તરત જ દેખાતી હોવી જોઈએ, પરંતુ આ અથડામણને કારણે એસ્ટેરોઇડની ભ્રમણકક્ષામાં કેટલો બદલાવ આવ્યો એ જાણવામાં ઘણા મહિનાઓ લાગશે.

હબલ અને વેબ સ્પેસ ટેલિસ્કોપ્સ અને નાસાના એસ્ટેરોઇડ હન્ટિંગ સ્પેસક્રાફ્ટ લ્યુસી પૃથ્વીના તમામ સાત ખંડોમાં સ્થિત ટેલિસ્કોપ સાથે આ ઘટના પર નજર રાખશે. ભ્રમણકક્ષા બદલાઈ છે કે નહીં એ ત્યારે જ જાણી શકાશે. જ્યારે યુરોપિયન અવકાશયાન HERA 2024માં ડાઈમોરફસની મુલાકાત લેશે.

પ્રશ્ન 6: શું આ અથડામણથી એસ્ટેરોઇડનો નાશ થયો?
જવાબઃ ના. નાસાનું અવકાશયાન ડાઈમોરફસ એસ્ટેરોઇડ કરતાં લગભગ 100 ગણું નાનું છે, તેથી એનો નાશ નથી થયો, પરંતુ એણે એસ્ટેરોઇડની ગતિ અને માર્ગ બદલવાનો પ્રયાસ કર્યો.

DART લગભગ 24 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડાઈમોરફસ સાથે ટકરાયું. નાસાએ આ અથડામણને ઇજિપ્તમાં પિરામિડ સાથે અથડાતી ગોલ્ફ કાર્ટ સાથે સરખાવી છે.

નાસા માટેના આ પ્રોજેક્ટનું નેતૃત્વ જોન હોપ્કિન્સ યુનિવર્સિટીએ કર્યું છે. આ યુનિવર્સિટીના પ્લેનેટરી સાયન્ટિસ્ટ અને મિશન ટીમ લીડર નેન્સી ચાબોટ કહે છે, 'આ (અથડામણ) એસ્ટેરોઇડને નષ્ટ કરશે નહીં કે તેના ટુકડા કરશે નહીં, પરંતુ એને કારણે સેંકડો મીટરના કદનો ખાડો થશે અને અવકાશમાં લગભગ 10 લાખ કિ.ગ્રા. પથ્થર અને ધૂળ વેરવિખેર થઈ જશે.

પ્રશ્ન 7: શું આ અથડામણથી પૃથ્વી પર કોઈ ખતરો છે?
જવાબ: ના, નાસાનું સ્પેસક્રાફ્ટ જે એસ્ટરોઇડ સાથે ટકરાયું એનાથી પૃથ્વી પર કોઈ ખતરો નથી. આ અથડામણ પછી પણ પૃથ્વી પર કોઈ ખતરો રહેશે નહીં.

નાસાએ કહ્યું, 'ડાર્ટનું લક્ષ્ય એસ્ટેરોઇડ પૃથ્વી માટે ખતરો નથી, પરંતુ ભવિષ્યમાં પૃથ્વી સાથે એસ્ટેરોઇડની અથડામણની સંભાવનામાં એસ્ટેરોઇડ ડિફ્લેક્શનની આ પદ્ધતિએ શોધી કાઢવા માટે છે કે કેમ એ પૃથ્વીના રક્ષણમાં મદદરૂપ થશે કે નહીં અને એ માટેનું આ એકદમ યોગ્ય ટેસ્ટિંગ ગ્રાઉન્ડ છે?

પ્રશ્ન 8: એસ્ટેરોઈડ સાથેની ટક્કરથી શું પ્રાપ્ત થશે?
જવાબઃ નાસાના સ્પેસક્રાફ્ટની એસ્ટેરોઇડ સાથે અથડામણ એ મોટા પ્રયોગનો એક ભાગ છે, જેમાં એ જોવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં જો કોઈ એસ્ટેરોઇડ પૃથ્વી તરફ આગળ વધે છે તો એનો રસ્તો બદલી શકાય છે.

નાસાના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ એન્ડ્રિયા રિલે કહે છે કે જો DART તેના લક્ષ્યને ચૂકી જાય તોપણ એ મૂલ્યવાન માહિતી પ્રદાન કરશે. "તેથી જ અમે પરીક્ષણ કરીએ છીએ, અમને અત્યારે એ કરવા માગીએ છીએ, જ્યારે તેની વાસ્તવમાં જરૂર પડે ત્યારે નહીં.

હોલિવૂડની ઘણી ફિલ્મોમાં આવી કલ્પનાઓ કરવામાં આવી છે. આવી કલ્પનાઓ 2021માં આવેલી ફિલ્મ 'ડોન્ટ લુક અપ' અને 1998માં આવેલી 'આર્મગેડન'માં કરવામાં આવી છે.

પ્રશ્ન 9: એસ્ટેરોઈડ સાથેની ટક્કરની ઘટના પર કેવી રીતે નજર રાખવામાં આવી?
જવાબ: DART અવકાશયાનને Didymos Reconnaissance અને Asteroid Camera for Optical Navigation (DRACO) સાથે ફીટ કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્ટ્રુમેન્ટે માત્ર અવકાશયાનનો રસ્તો જ નથી બતાવ્યો, પણ એસ્ટરોઇડની સેંકડો તસવીરો પણ લીધી હતી.

અથડામણના એક મહિના પહેલાં તેણે ચિત્રો લેવાનું શરૂ કર્યું, જે એસ્ટેરોઇડ સાથે અથડામણ સુધી ચાલુ રહ્યું. તેણે આ તમામ તસવીરો પૃથ્વી પર મોકલી.

ઇટાલિયન સ્પેસ એજન્સીએ અથડામણ બાદ તસવીરો લેવા માટે LICIACube એટલે કે ઇટાલિયન ક્યુબસેટ ફોર એસ્ટેરોઇડ્સની ઇમેજિંગ માટે એક સેટેલાઇટ મોકલ્યો છે. આ ઉપગ્રહ એસ્ટેરોઇડની ઇમેજિંગ માટે બનાવવામાં આવ્યો છે.

LICIACube ઉપગ્રહ 11 સપ્ટેમ્બરે DARTથી અલગ થયો. ડાર્ટની અથડામણ પછી LICIACube એસ્ટેરોઇડની તસવીરો લેશે અને એને પૃથ્વી પર મોકલશે. નાસા અનુસાર, આ તસવીરો 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

પ્રશ્ન 10: નાસાએ આ મિશન વિશે શું કહ્યું?
જવાબ: ડાર્ટ મિશન અંગે નાસાના પ્રોગ્રામ સાયન્ટિસ્ટ ટોમ સ્ટેટલરે કહ્યું, 'અમે એક એસ્ટેરોઇડ ખસેડી રહ્યા છીએ. આપણે અવકાશમાં કુદરતી ખગોળીય પદાર્થની ગતિ બદલી રહ્યા છીએ. માણસે આ પહેલાં ક્યારેય કર્યું નથી.

નાસાના સાયન્સ મિશન ડિરેક્ટોરેટના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર થોમસ ઝુરબુચેને કહ્યું, "જો આ પરીક્ષણ સફળ થાય છે, તો તે બતાવશે કે જો કોઈ ઘાતક એસ્ટેરોઇડ ક્યારેય આપણી તરફ આગળ વધે છે તો અમને લડવાની તક હશે."

પ્રશ્ન 11: એસ્ટેરોઇડ શું હોય છે?
જવાબ: એસ્ટેરોઇડ એ સૂર્યની આસપાસ ફરતા ખડકાળ પદાર્થો છે, જે ગ્રહો કહેવા માટે ખૂબ નાના છે. તેઓ પ્લેનેટોઇડ્સ અથવા નાના ગ્રહો તરીકે પણ ઓળખાય છે. ઘણા એસ્ટેરોઇડ ગ્રહોની ગ્રેવિટીથી ક્યારેક તેમના ચંદ્ર બની જાય છે. જ્યુપિટરનાનાં કેટલાંક ચંદ્ર તેનાં ઉદાહરણો છે.

નાસાના જણાવ્યા મુજબ, એસ્ટેરોઇડ એ ખડકાળ, પવન વિનાના અવશેષો છે, જે લગભગ 4.6 અબજ વર્ષો પહેલાં આપણા સૌરમંડળની રચના દરમિયાન રચાયા હતા.અત્યારસુધીમાં લાખો એસ્ટેરોઇડ શોધી કાઢવામાં આવ્યા છે, જેનું કદ સેંકડો કિલોમીટરથી માંડીને થોડા મીટર સુધીનું છે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ અત્યારસુધીમાં 10 લાખથી વધુ એસ્ટેરોઇડની ઓળખ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post