• Home
  • News
  • નવરાત્રિનું અજીબ ઘેલું:સુરતમાં 6 માસની ગર્ભવતી મહિલા 15 કિલોના ટ્રેડિશનલ ડ્રેસ સાથે રોજ ગરબે ઘૂમે છે, બાળકની સુરક્ષા માટે રોજ ડોક્ટર પાસે કરાવે છે ચેકઅપ
post

મહિલાના પતિએ કહ્યું, મા આદ્યશક્તિની કૃપાથી બધું જ બરોબર છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 16:46:57

સુરત: સુરતમાં આ વખતે નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક છે બે વર્ષ જેઓ થનગનાટ સાચવીને બેઠા હતા તેઓ હવે ઊભરીને બહાર આવી રહ્યો છે. ત્યારે સરકારે આપેલો આ વખતનો મોકો કોઈપણ સંજોગોમાં સુરતી ખેલૈયા છોડવા માગતા નથી. એને જ લઈ સુરતની ગર્ભવતી મહિલાને નવરાત્રિનું એવું તે ઘેલું લાગ્યું છે કે છ મહિનાનું ગર્ભ હોવા છતાં તે રોજ બની-ઠનીને મોડી રાત્રિ સુધી ગરબા રમવા જાય છે. એમાં તેના પરિવારનો પણ તેને સંપૂર્ણ સહકાર મળ્યો છે. આ સાથે બાળકની સુરક્ષા માટે રોજ ડોક્ટર પાસે ચેકઅપ પણ કરાવે છે.

છ માસના ગર્ભ સાથે મહિલા ગરબે ઘૂમે છે
કોઈપણ મહિલા જ્યારે ગર્ભવતી બને છે ત્યારે તેને ઢગલો સૂચનાઓ આપવામાં આવે છે. આમ કરવું, આમ ન કરવું, ઉપર ના ચડવું, કૂદાકૂદ ન કરવી, ઉતાવળે કામ ન કરવું વગેરે વગેરે આવી સૂચનાઓ આપી પોતાના ગર્ભમાં રહેલા બાળકનું ખૂબ જ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે સુરતમાં તો એવી મહિલા જોવા મળી, જે ગર્ભ હોવા છતાં રોજ ગરબા રમવા જાય છે. સુરતની વૈશાલી રાણાને નવરાત્રિનું એટલું ઘેલું લાગ્યું છે કે બે વર્ષ બાદ આ મળેલો મોકો તે છોડવા માગતી નથી અને તેને જ લઈને વૈશાલી રાણાને છ માસનો ગર્ભ હોવા સાથે રોજ મોટાં મોટાં આયોજનોમાં ગ્રુપ સાથે ગરબા રમવા જાય છે.

15 કિલો વજન સાથેના ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગર્ભવતી મહિલા ગરબે ઘૂમે છે
બે વર્ષ બાદ જ્યારે નવરાત્રિ ઉત્સાહભેર ઊજવાઈ રહી છે ત્યારે સુરતની વૈશાલી રાણાનો નવરાત્રિને લઇ ઉત્સાહ આસમાને જોવા મળી રહ્યો છે. બે વર્ષથી મા અંબાના આરાધનામાં ગરબે ઘુમ્મર તેના પગ સ્થાન ગણી રહ્યા હતા, પરંતુ સરકારે પરવાનગી આપી ન હતી, હવે જ્યારે આ મોકો મળ્યો છે ત્યારે તે કોઈપણ સંજોગોમાં એ જવા દેવા માગતી નથી. આપણે સૌને જાણીને નવાઈ લાગશે કે વૈશાલી રાણા છ મહિનાના ગર્ભ સાથે ફુલ એનર્જેટિક સાથે ગરબે ઘૂમે છે. એટલું જ નહીં, આ મહિને 15 કિલોના વજન સાથેના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રોજ ત્રણ કલાક સતત ગરબે રમે છે.

પરિવારનો પૂરો સપોર્ટ મળ્યો છે
ગર્ભવતી મહિલા વૈશાલીએ રાણા દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મને ગરબે રમવાનું ખૂબ જ ગાંડો શોખ છે, હું 15 વર્ષથી ખેલૈયા ગરબા ગ્રુપમાં ગરબા રમવા જાઉં છું. આ વર્ષે મને છ માસનું ગર્ભ છે છતાં હું દોઢિયા ગરબા દાંડિયા રમું છું. તેમાં મારા પતિ અને પરિવારનો સંપૂર્ણ સપોર્ટ મળ્યો છે. પરિવાર દ્વારા સંમતિ આપ્યા બાદ જ મેં ગરબા રમવાનો નિર્ણય કર્યો છે. મારા પતિ પણ મારી સાથે રોજ ગરબે ઘૂમે છે. હું ગરબા રમવાની સાથે મારા ગર્ભમાં રહેલા બાળકનું પણ ધ્યાન રાખું છું. હું 15 કિલોનો ડ્રેસ પહેરી એનર્જેટિક અને ઉત્સાહ સાથે ગરબે રમું છું, પરંતુ એવાં સ્ટેપ જ કરું છું કે જેનાથી મારા બાળકને નુકસાન ન થાય.

ગર્ભવતી મહિલા ડોક્ટરની સલાહ લીધા બાદ જાય છે ગરબે રમવા જાય છે
વૈશાલી રાણાએ વધુમાં જણાવ્યું હતું કે તે ગરબે રમવા જાય એ પહેલાં ડોક્ટરની સલાહ લેવામાં આવે છે. ડોક્ટરે તપાસ કર્યા બાદ ગરબા રમવાની છૂટ આપી હતી. બાળક અને માતા સંપૂર્ણ રીતે સ્વસ્થ અને યોગ્ય હોવાનું જણાતાં મને ગરબે રમવાની છૂટ આપી હતી. ડોક્ટરે ગરબામાં બહુ કૂદીને રમવાની ના પાડી હતી, જેથી હું એવા પ્રકારના કોઈ સ્ટેપ કરતી નથી.

મહિલાના પતિએ કહ્યું, મા આદ્યશક્તિની કૃપાથી બધું જ બરોબર છે
મા અંબાના ગરબે ઘૂમવામાં આવતી અગવડતા પણ મા આદ્યશક્તિ સગવડતા કરી આપે છે. ગર્ભવતી મહિલાના પતિ સંજયે જણાવ્યું હતું કે મા આદ્યાશક્તિની કૃપાથી મારી પત્ની પ્રેગ્નન્ટ છે તોપણ ગરબે રમવાનો એટલો શોખ છે એટલે સાથે ગરબે રમીએ છીએ. પરિવારનો સપોર્ટ મળ્યો છે અને મા આદ્યાશક્તિની કૃપાથી મારી પત્નીને દરેક રીતે ખૂબ જ સારું છે. ડોક્ટરને રોજ બતાવી કન્સલ્ટ કરીએ છીએ, પરમિશન આપે પછી જ અમે ગરબે રમીએ છીએ.

adv

Related News

post
post
post
post
post
post
post