• Home
  • News
  • નવજાત બન્યું બેદરકારીનો ભોગ:​​​​​​​સુરતમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત, વેન્ટિલેટર પર નવજાતને રખાતાં રેમડેસિવિર આપવાની ફરજ પડી
post

માતાને કારણે બાળકને પણ ચેપ લાગ્યાનો કિસ્સો સામે આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-13 11:18:25

સુરતમાં ડાયમંડ એસોસિયેશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલા માત્ર 11 દિવસના શિશુને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે. બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન પણ અપાઈ રહ્યું છે. હોસ્પિટલ નોન-કોવિડ હોવા છતાં બાળકના કિસ્સામાં ખાસ વ્યવસ્થા કરાઈ છે.

બાળરોગનિષ્ણાંત ડો. અલ્પેશ સિંઘવીએ જણાવ્યું હતું કે શિશુની માતાએ કોવિડનાં લક્ષણો છુપાવ્યાં હતાં, જેને કારણે બાળકને ચેપ લાગ્યો અને ગંભીર પરિસ્થિતિમાં મુકાયું હતું. ડિલિવરી દરમિયાન તમામ રિપોર્ટ્સ નોર્મલ હતા, પણ ડિલિવરીના 5 દિવસ બાદ શિશુનો એક્સ-રે લેવાતાં ડોક્ટરોને શંકા ગઈ હતી. એ પછી શિશુ અને માતાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવતાં બન્ને પોઝિટિવ આવ્યાં હતાં. ડોક્ટર સિંઘવીએ જણાવ્યું હતું કે સગર્ભા બહેનોએ ડિલિવરી વખતે શરદી, ઉધરસ કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફ હોય તો એને છુપાવ્યા વગર તાત્કાલિક સારવાર અને રિપોર્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે, જેથી આવનારા બાળક પર તેની કોઈ ગંભીર અસર પડે નહી.

પોઝિટિવ માતાથી ચેપ લાગ્યો
ડાયમંડ હોસ્પિટલમાં માતા પોઝિટિવ હોવાને કારણે જન્મેલા બાળકને કોરોના સંક્રમણ થયું છે. માતા કોરોના પોઝિટિવ છે કે કેમ એ અંગે ડોકટરને કોઈ જાણ નહોતી. બાળકની એકાએક તબિયત બગડતાં ડૉક્ટરને શંકા જતાં તેમણે બાળકનો એક્સ-રે કરાવ્યો હતો, જેમાં તેને કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું જણાય આવતાં આશ્ચર્યમાં મુકાયા હતા. માતાને શરદી અને ખાંસી જેવાં લક્ષણો હતાં. માતાએ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, પણ પહેલા નેગેટિવ આવ્યો હતો, જેને કારણે તેણે વધુ ગંભીરતા લીધી ન હતી. ફરી વખત માતાનો ટેસ્ટ કરાવતાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે માતાએ ડોક્ટરને પોતે શરદી, ખાંસીને કારણે તકલીફમાં છે એ અંગેની કોઈ માહિતી આપી ન હોવાથી ડોક્ટર અજ્ઞાનતામાં રહ્યા હતા.

બાળકની સારવાર શરૂ
ડાયમંડ હોસ્પિટલના પીડિયાટ્રિશ્યન ડૉ. અલ્પેશ સિંઘવી જણાવ્યું હતું કે માતાની બેદરકારી બાળક માટે ખૂબ મોટું જોખમ ઊભું કરી શકે છે. હાલ બાળક માત્ર 11 દિવસનું છે છતાં તેને રેમડેસિવિર અને IVGI ઇન્જેક્શન આપી રહ્યા છીએ. ડાયમંડ હોસ્પિટલ નોન-કોવિડ હોસ્પિટલ હોવા છતાં બાળક અમારે ત્યાં જન્મ્યું હોવાથી અમે તેનાં માતા-પિતાને વધુ મુશ્કેલી ન થાય તેને ધ્યાનમાં રાખીને અમારી હોસ્પિટલમાં જ ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કર્યું છે. ડોક્ટર અલ્પેશ અપીલ કરી છે કે કોઈપણ ગર્ભવતી મહિલાએ કે અન્ય કોઈપણ વ્યક્તિએ કોવિડનાં લક્ષણો છુપાવવાની જરૂર નથી. જો લક્ષણો છુપાવશો તમે પોતાને પણ હાનિ પહોંચાડશો તેમજ અન્ય લોકો માટે પણ જોખમરૂપ પુરવાર થશો.

ગર્ભવતી મહિલાઓએ કાળજી રાખવાની જરૂર
ડોક્ટર દ્વારા બાળકને છેલ્લા પાંચ દિવસથી કોરોના સંક્રમિત માટે અપાતી તમામ સારવાર આપવામાં આવી રહી છે. બાળક અત્યારે પણ ક્રિટિકલ કન્ડિશનમાં છે છતાં ડોક્ટર પોતાની રીતે તમામ પ્રયાસો કરીને બાળકને કોરોના સંક્રમણથી બહાર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ગર્ભવતી મહિલાઓએ ખૂબ જ કાળજી રાખીને ડોક્ટરને નાની-મોટી તમામ તકલીફો અંગે માહિતગાર કરવા જોઈએ, જેથી કરીને ગર્ભમાં રહેલા શિશુ કે નવજાત બાળક માટે કોઈ સમસ્યા ઊભી ન થાય.

adv

Related News

post
post
post
post
post
post
post