• Home
  • News
  • નવું વર્ષ, નવી આશાઓ:કતારે ફીફા વર્લ્ડ કપની તૈયારી પાછળ ખર્ચ્યા 22 લાખ કરોડ, 165 દેશના જીડીપીથી વધુ
post

વર્ષની સૌથી મોટી સ્પોર્ટિંગ ઈવેન્ટ કતારમાં 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી યોજાશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-03 10:59:34

વર્ષ 2022માં સ્પોર્ટ્સની સૌથી મોટી ઈવેન્ટ ફીફા વર્લ્ડ કપયોજાશે. આ ટૂર્નામેન્ટ 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન કતારની યજમાનમાં યોજાવાની છે. આ પ્રથમ વખત જૂન-જુલાઈને બદલે વર્ષના છેલ્લા બે મહિનામાં યોજાશે. પ્રથમ વખત ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કોઈ મધ્ય પૂર્વના દેશને મળી છે. 11,571 ચો. કિમી ક્ષેત્રફળ ધરાવતો કતાર ફીફા વર્લ્ડ કપની યજમાની કરનારો સૌથી નાનો દેશ છે. ટૂર્નામેન્ટ 5 શહેરના 8 સ્ટેડિયમમાં યોજાશે. ફાઈનલ મેચ લુસૈલ-કે-લુસૈલ આઈકોનિક સ્ટેડિયમમાં રમાશે, જેની ક્ષમતા 80 હજાર દર્શકોની છે. ટૂર્નામેન્ટમાં કુલ 32 ટીમ ભાગ લેશે. અત્યાર સુધી યજમાન કતાર સહી 13 દેશે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કરી લીધું છે. આ છેલ્લો ફૂટબોલ વર્લ્ડ કપ હશે જેમાં 32 ટીમો ભાગ લેશે. 2026માં અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં યોજાનારી ટૂર્નામેન્ટમાં 48 ટીમ ભાગ લેશે. કતાર પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમશે.

કતારને પ્રથમ વખત મોટી ટૂર્નામેન્ટની યજમાની, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વધુ ખર્ચ
રશિયાએ 2018 વર્લ્ડ કપ પાછળ 14 બિલિયન ડોલર (લગભઘ રૂ.1 લાખ કરોડ)નો ખર્ચ કર્યો હતો. દુનિયાના સૌથી ધનિક દેશ કતારને 2010માં વર્લ્ડ કપની યજમાની મળી હતી. ફૂટબોલમાં કતારનો કોઈ ઈતિહાસ નથી. તેણે ફૂટબોલ સ્ટેડિયમથી માંડીને મેટ્રો, એરપોર્ટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડ્યું છે.

રોનાલ્ડો રમશે કે નહીં, માર્ચમાં નિર્ણય
ટૂર્નામેન્ટમાં યુરો-2020ની ચેમ્પિયન ઈટાલી અને યુરોપ-2016 ચેમ્પિયન પોર્ટુગલમાંથી એક જ ટીમ રમી શકશે. બંને ટીમ એક જ પ્લેઓફમાં છે. પ્લેઓફ માર્ચમાં યોજાવાની છે એટલે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ટૂર્નામેન્ટમાં રમવાનો નિર્ણય માર્ચમાં થશે. ચાર વખતનું ચેમ્પિયન ઈટલી ગયા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય પણ કરી શક્યું ન હતું. પોલેન્ડે પણ ક્વોલિફાય કર્યું ન હતું. એટલે કે, રોબર્ડ લેવાનડોસ્કીના ટૂર્નામેન્ટમાં રમવાનો નિર્ણય માર્ચમાં થશે.

માનવાધિકાર હનન માટે કતારનો દુનિયાભરમાં વિરોધ થયો
કતાર પર આરોપ છે કે, વર્લ્ડ કપ માટે બનાવાયેલા સ્ટેડિયમના નિર્માણ દરમિયાન મજૂરોનું શોષણ થયું છે. બ્રિટિશ મીડિયા રોપોર્ટ્સ અનુસાર, યજમાની મળ્યા પછી કતારમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના 6500થી વધુ મજૂરોનાં મોત થઈ ચૂક્યા છે. વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચમાં નોર્વે, જર્મની, નેધરલેન્ડ્સે ટી-શર્ટ પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

550 કરોડ લોકો ટૂર્નામેન્ટ જોશે
રશિયામાં યોજાયેલા છેલ્લા ફૂટબોલ વર્લ્ડ કપને 357 કરોડ લોકોએ જોયો હતો. આ વખતે આશા છે કે, 4 વર્ષ કે તેનાથી વધુ વયના લગભગ 550 કરોડ લોકો કતારની ટૂર્નામેન્ટ જોશે, જે દુનિયાની સૌથી વધુ જોવાનારી સ્પોર્ટ્સ ઈવેન્ટ બની શકે છે. યુરોપ-2020ની વ્યૂઅરશિપ 523 કરોડ હતી. જે હાલ દુનિયાની સૌથી વધુ જોવાયેલી સ્પોર્ટ્સ ઈવેન્ટ છે.

ભારતમાં ઓક્ટોબરમાં યોજાશે અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ, જે દેશમાં ફીફાની બીજી ઈવેન્ટ
​​​​​​​ભારતમાં 11થી 30 ઓક્ટોબર વચ્ચે અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ રમાશે. અગાઉ આ ટૂર્નામેન્ટ 2020માં યોજાવાની હતી, પરંતુ કોરોનાને લીધે તેને ટાળવી પડી હતી. ભારતમાં ફીફાની આ બીજી ઈવેન્ટ હશે. 2017 પુરુષ અંડર-17 વર્લ્ડ કપ ભારતમાં યોજાયો હતો. ભારત ઉપરાંત 15 ટીમો ભાગ લેશે. જાપાન, ન્યૂઝીલેન્ડ-ઉત્તર કોરિયાએ ક્વોલિફાય કરી લીધું છે. 1 જાન્યુઆરી, 2005થી 31 ડિસેમ્બર, 2007 વચ્ચે જન્મેલી ખેલાડીઓને જ તેમાં રમવાની તક મળશે. 2008માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટને ઉત્તર કોરિયાએ સૌથી વધુ 2, જ્યારે જાપાન, સ્પેન, દ.કોરિયા અને ફ્રાન્સે 1-1 વખત જીતી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post