• Home
  • News
  • 285 દિવસ પછી હરખના સમાચાર, કોરોનાથી કોઈ મોત નહીં, ખાનગી હોસ્પિટલોમાં 95 ટકા બેડ ખાલી
post

છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસ 100થી ઓછા રહ્યા, નવા 89 કેસ પણ સામે 155 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 09:09:35

અમદાવાદ શહેરમાં 285 દિવસ પછી કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો થતો જાય છે. રવિવારે પણ 100થી નીચે એટલે કે માત્ર 89 કેસ નોંધાયા હતા. 155 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સતત કેસની સંખ્યા અને મૃત્યુ ઘટતાં શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાના બેડ પણ ખાલી થયા છે. 90થી વધુ ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશનના 95 ટકા બેડ ખાલી છે. જ્યારે વેન્ટિલેટર વગરના આઈસીયુના પણ 94 અને વેન્ટિલેટર સાથેના આઈસીયુ પણ 91 ટકા જેટલા ખાલી થયા છે. આટલી મોટી સંખ્યામાં પહેલી વખત બેડ ખાલી થાય છે. અમદાવાદ જિલ્લામાં પણ કોરોનાના કેસની સંખ્યા સતત ઘટી રહી છે. રવિવારે કોરોનાના 3 કેસ નોંધાયા હતા. જ્યારે 4 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધી શહેર અને જિલ્લામાંથી કુલ 56,403 દર્દી સાજા થયા છે. આ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંક 57290 અને મૃત્યુઆંક 2267 પર થયો છે. છેલ્લા એક સપ્તાહથી એકપણ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યો નથી.

એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1414એ પહોંચી
શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં કુલ 1414 જેટલા જ એક્ટિવ કેસ છે. જેમાં સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 224, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 223, પશ્ચિમ ઝોનમાં 210, દક્ષિણ ઝોનમાં 209, ઉત્તર ઝોનમાં 183, પૂર્વ ઝોનમાં 186 અને મધ્ય ઝોનમાં 179 કેસ છે. અત્યાર સુધી કુલ 52,777 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સિવિલની 1200 બેડની હોસ્પિટલમાં હાલમાં માત્ર 76 દર્દી જ દાખલ છે. કેસમાં ઘટાડો થતાં હોસ્પિટલમાં કોરોનાના કુલ 26 વોર્ડમાંથી માત્ર 4 જ ચાલુ છે.

આજે 60 કેન્દ્રો પરથી વધુ 2 હજારને રસી અપાશે
શહેરમાં સોમવારે અંદાજે 2 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવશે. અત્યાર સુધી માત્ર 20 કેન્દ્રો પરથી રસી મૂકવામાં આવતી હતી. હવે આ કેન્દ્રો વધારીને 60 જેટલા કરાયા છે. જેમાં કેટલીક ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલ 3500થી વધુ ડોક્ટરો, હેલ્થવર્કર સહિત પેરામેડિકલ સ્ટાફને રસી આપવામાં આવી છે. કુલ 55 હજાર હેલ્થવર્કરોને પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવનાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post