• Home
  • News
  • રાજકોટમાં રાહતના સમાચાર:બીજી લહેરમાં 2 દિવસમાં રિકવરી રેટમાં વધારો, 88 ટકાથી વધુ દર્દીએ કોરોનાને માત આપી, ચૌધરી હાઇસ્કૂલમાં એમ્બ્યુલન્સની લાઇન ગાયબ!
post

છેલ્લા બે દિવસમાં રાજકોટમાં રોજના 350ની આસપાસ કેસ નોંધાવા લાગ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-04 11:29:18

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. બીજી લહેરના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા રાજકોટ સહિત 29 શહેરોમાં મિની લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં મિની લોકડાઉનનો ફાયદો જરૂર થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા બે દિવસથી સંક્રમણ ઘટ્યું છે અને સાથેસાથે રિકવરી રેટમાં પણ વધારો થયો છે. રાજકોટમાં 88 ટકાથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેમજ આજે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં પણ એમ્બ્યુલન્સની લાઇન ગાયબ થઇ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

બે દિવસમાં કેસ ઘટીને 50 ટકા થયા
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણમાં રાહત જાવા મળી રહી છે. પોઝિટિવ દર્દી સામે સાજા થતા દર્દીની સંખ્યા વધી છે. બીજી લહેરના પિક પોઇન્ટ દરમિયાન સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળતી હતી. તેમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અઠવાડિયા અગાઉ અડધા દિવસમાં 200 થી 300 કેસ આવતા હતા તેમાં હવે 50 ટકા જેટલો ઘટાડો થયો છે. હવે બપોર 12 સુધીમાં 150 થી 160 આસપાસ કેસ નોંધાઈ રહ્યાં છે. તેમજ સાંજ સુધીમાં 350 આસપાસ કેસ નોંધાઇ રહ્યાં છે. આમ શહેરમાં હવે રાહત જોવા મળી છે.

શહેરમાં કુલ કેસની સંખ્યા 34900 થઇ
રાજકોટ શહેરમાં કોરોનાની બીજી ઘાતક લહેર એપ્રિલ માસમાં જોવા મળી હતી અને તેમાં પણ સૌથી વધુ પિક પોઇન્ટ 10થી 30 એપ્રિલ સુધીના સમયમાં ખૂબ જ ગંભીર સ્થિતિ જોવા મળી હતી. આ પિક પોઇન્ટ દરમિયાન એટલે કે 20 એપ્રિલ આસપાસ સમયમાં રિકવરી રેટ 82 ટકા હતો. જે આજે છેલ્લા બે દિવસથી વધીને 88 ટકા કરતા વધુ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં હાલની સ્થિતિ મુજબ કુલ શહેરમાં 34900 કેસ નોંધાયા છે જે પૈકી 30600થી વધુ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

મિની લોકડાઉને ફાયદો કરાવ્યો?
જેની સામે રાજકોટમાં છેલ્લા બે દિવસમાં રોજ 6600 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે અને તેમાં 500 જેટલા દર્દી પોઝિટિવ આવી રહ્યાં છે એટલે કે પોઝિટિવ દર્દીનો રેટ 6 ટકાથી વધુ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મિની લોકડાઉનને કારણે પણ સંક્રમણ ઘટી રહ્યાનું નિષ્ણાતો માની રહ્યાં છે. જો આ નિર્ણય વહેલો કર્યો હોત અથવા સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ હોત તો બીજી ઘાતક લહેરની ચેઇન તોડવા સફળતા જરૂર મળી શકત. તેવું નિષ્ણાતોનું કહેવું છે.

adv

Related News

post
post
post
post
post
post
post