• Home
  • News
  • જંત્રીમાં સરકારની રાહત નહીં?:ગુજરાતમાં 4 ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ કે સ્ટેમ્પ પેપર ખરીદાયું હશે તો નવા દર લાગુ થશે, પેપર લીક કરનારને 7 વર્ષની સજાનું વિધેયક લાવશે
post

જંત્રી મુદ્દે રજૂઆત થઈ છે જેમાં પ્રોબ્લેમ ઉકેલવાની કેવી ખાતરી આપવામાં આવી છે?

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-07 17:48:48

ગુજરાતમાં જંત્રીના નવા દર લાગુ કરવામાં આવતાં બિલ્ડર એસોસિએશન અસંતુષ્ટ હોવાનો ઘાટ ઘડાયો છે. જંત્રીના નવા દર અમલી બન્યા બાદ કન્સ્ટ્રકશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને એમાંય ખાસ કરીને બિલ્ડર લોબી સળંગ બે દિવસમાં બે વખત મુખ્યમંત્રી સાથે બેઠક કરી ચૂકી છે. આજે પણ અમદાવાદ બિલ્ડર એસોસિએશન મુખ્યમંત્રી સાથે બેઠક કરવા પહોંચ્યા હતા, જેમાં જંત્રી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે તાજેતરમાં જંત્રી કરાયેલા વધારા અંગે પૂછાયેલા સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું, 4 ફેબ્રુઆરી બાદ બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા છે, તેમને નવા દર લાગુ થશે. જો કે, જંત્રીમાં કોઈ ફેરફાર થશે કે નહીં તે અંગે જણાવ્યું હતું કે સવારે મુખ્યમંત્રીએ વિવિધ ડેલિગેટ સાથે ચર્ચા કરી છે, તે સમયે અધિકારીઓ હાજર હતા, ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની પછીથી જાણ કરાશે.

જંત્રી વધારવી જ જોઈએ પણ સમય મર્યાદા આપો - અમદાવાદ બિલ્ડર એસોસિએશન
જંત્રી વધારવાની જરૂર છે અને વધવી જ જોઈએ પરંતુ તેમાં સમય આપવો જોઈએ અને 1 મે 2023થી નવા દરો અમલી બનાવવા જોઈએ. જમીન અને બાંધકામમાં જંત્રીમાં વધારો અલગ અલગ હોવો જોઈએ, તે પ્રકારની માંગ અમદાવાદ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે.

બે દિવસમાં સતત બિલ્ડર્સની મુખ્યમંત્રી સાથે બેઠક
ક્રેડાઈ અમદાવાદ ગાહેડ બિલ્ડર એસોસિએશન દ્વારા પણ ગત રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને નવા જંત્રી દરના અમલીકરણમાં સમય મર્યાદા વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો કે, તેમની બેઠકનું હજુ સુધી કંઈ પરિણામ આવી શક્યું નથી.

રજૂઆત પરત્વે વિચારણા કરવા મુખ્યમંત્રીની બાંહેધરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સતત બે દિવસ સુધી બિલ્ડર એસોસિએશન બેઠકનો દોર ચલાવી રહ્યું છે, ત્યારે તમામ બેઠકો વખતે મુખ્યમંત્રી સાથે વિભાગના અધિકારીઓ પણ હાજર રહેતા હતા. જો કે બેઠકના અંતે મુખ્યમંત્રીએ તમામ બિલ્ડર્સને તેમની રજૂઆત પર વિચારણા કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.

નવા નિર્ણય ન થાય ત્યાં સુધી નવા દર જ લાગુ રહેશે- ઋષિકેશ પટેલ
સવારે જ મુખ્યમંત્રીએ વિવિધ ડેલીગેટ સાથે ચર્ચા કરી છે. એ સમયે અધિકારીઓ હાજર હતા. ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની જાણ પછીથી કરવામાં આવશે. 4 તારીખ સુધી જે દસ્તાવેજો લીધા છે અને એક્ઝિક્યુટ થયા છે તે જૂની જંત્રી પ્રમાણે અમલી ગણાશે. 4 તારીખ બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદે છે તેને નવા દર લાગુ થશે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો નવો નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી નવા દરો જ લાગુ રહેશે.

રેરામાં રજીસ્ટર્ડ 50 હજાર કરતા વધુ પ્રોજેક્ટને અસર થવાની સંભાવના
ગુજરાતમાં બિલ્ડર દ્વારા પોતાના પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન રેરાની હસ્તગત કરવાનું હોય છે અને આ રેરામાં કરાવેલું રજીસ્ટ્રેશનમાં યુનિટની કિંમત પણ દર્શાવવામાં આવી હોય છે. બિલ્ડર દ્વારા રેરામાં એક ચોક્કસ રકમ લખીને મકાનના ભાવની કિંમત નક્કી કરી હોય છે અને તેનું રેરામાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હોય છે ત્યારે એકાએક ભાવ વધારો થવાના કારણે રેરામાં કોમ્પ્લાઈન કરવામાં અડચણ આવી શકે છે. ગુજરાતના તમામ મહાનગરપાલિકાના કુલ 50,000 હજારથી વધુ પ્રોજેક્ટ છે, ત્યારે આ તમામ પ્રોજેક્ટ રેરામાં ભાવ સાથે સબમિટ થઈ ગયા હોવાથી આ તમામ પ્રોજેક્ટને અસર પહોંચવાની સંભાવના બિલ્ડર એસોસિએશન વ્યક્ત કરી રહ્યા છે.

બિલ્ડર એસોસિએશનની વિવિધ માગ

·         હાલની જંત્રી કરતા જમીનમાં 50 ટકા અને બાંધકામની જંત્રીમાં 20 ટકા વધારો કરવો જોઈએ.

·         હાલમાં બિનખેતી પ્રીમિયમ 40 ટકા છે જેમાં ઘટાડો કરી અને 20 ટકા પ્રીમિયમ કરવામાં આવે.

·         PAID FSIના 40 ટકાના બદલે 20 ટકા વસૂલવા જોઈએ.

·         ટોલ બિલ્ડિંગની FSI 50 ટકાના બદલે 25 ટકા કરવા જોઈએ.

·         એફોર્ડેબલ હાઉસમાં કેન્દ્ર સરકારે 1 ટકા જીએસટી લાગુ કર્યું છે ત્યારે એફોર્ડેબલ હાઉસિંગમાં સ્ટેમ્પ ડ્યુટી 1 ટકા અને અન્યમાં 2.5 ટકા સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે.

ગુજરાતના ખેડૂતો દેવાદાર બનતા જાય છે?
ગુજરાતના ખેડૂતોને વગર વ્યાજની લોન ખેડૂતોને આપવામાં આવે છે. ખેડૂતો લોન લે છે એટલે એનો અર્થ એ નથી કે તે દેવાદાર છે. 6 હજાર રૂપિયા તો કેન્દ્ર સરકાર ખેડૂતોને આપે છે. આ સહાય ખેડ, ખાતર અને બિયારણ માટે પર્યાપ્ત થાય તે પ્રકારની યોજના છે. તો પેપરલીક કરનારા સામે કડક કાર્યવાહી કરવાનું કહીને કસૂરવાર સામે 3થી 7 વર્ષની સજાની જોગવાઈ કરતું વિધેયક વિધાનસભા સત્રમાં લવાશે તેવી માહિતી આપી હતી.

જંત્રી મુદ્દે રજૂઆત થઈ છે જેમાં પ્રોબ્લેમ ઉકેલવાની કેવી ખાતરી આપવામાં આવી છે?
સવારે જ મુખ્યમંત્રીએ વિવિધ ડેલીગેટ સાથે ચર્ચા કરી છે. એ સમયે અધિકારીઓ હાજર હતા. ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની જાણ પછીથી કરવામાં આવશે. 4 તારીખ સુધી જે દસ્તાવેજો લીધા છે અને એક્ઝિક્યુટ થયા છે તે જૂની જંત્રી પ્રમાણે અમલી ગણાશે. 4 તારીખ બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદે છે તેને નવા દર લાગુ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post