• Home
  • News
  • ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 4 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે, અમદાવાદમાં 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર રહેશે
post

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 3 થી 7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 10:36:29

ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હિમાલયમાંથી વાતા કાતિલ ઠંડા પવનોને કારણે ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની રાજ્યોમાં ગુજરાતનું નલિયા 5.1 ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું. પાકિસ્તાન પર છવાયેલું સાઇક્લોનિક સરક્યુલેશન ઉત્તરના કાતિલ પવનોને અટકાવતું હતું પરંતુ હવે તે પૂર્વમાં આગળ વધી જતાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 3 થી 7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

3 ડિગ્રી સુધી તાપમાન ઘટતાં ઠંડીના ચમકારામાં વધારો થશે
હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસ દરમિયાન 3 ડિગ્રી સુધી તાપમાન ઘટતાં ઠંડીના ચમકારામાં વધારો થશે. આગામી 3 દિવસ કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. જોકે, દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. 'અમદાવાદમાં 11.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.6 ડિગ્રીનો ઘટાડો જ્યારે 28.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.1 ડિગ્રીનો વધારો થયો હતો.

અમદાવાદમાં આગામી 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર રહેશે
હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર રહેશે. અમદાવાદમાં ગત વર્ષે 15 જાન્યુઆરીએ 9 ડિગ્રી સાથે જાન્યુઆરી માસનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ઠંડીનું જોર વધુ રહ્યું ત્યાં 9 ડિગ્રી સાથે ગાંધીનગર, 10.5 ડિગ્રી સાથે વલસાડ, 11 ડિગ્રી સાથે અમરેલી, 12 ડિગ્રી સાથે રાજકોટનો સમાવેશ થાય છે.

એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે વાહનોની ગતિ ધીમી પડી
ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાન ઘટ્યું છે. ઘણા લાંબા સમય પછી સુરતમાં લઘુતમ તાપમાન 15 ડીગ્રી કરતાં ઓછું નોંધાયું છે. એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 ડીગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 25 અને 26 જાન્યુઆરીએ લઘુતમ તાપમાન 13 ડીગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. પવન ઉત્તરથી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે. બીજી તરફ, અમદાવાદ-વડોદારા એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે. વાહનચાલકો 50ની સ્પીડે વાહન ચલાવી રહ્યા છે.

5 દિવસ પહેલાં એકસાથે 70 વાહનો ટકરાયાં હતાં
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પાંચ દિવસ પહેલાં સવારે ગાઢ ધુમ્મસને પગલે 70થી વધારે વાહનો ટકરાયાં હતાં. અકસ્માતોની વણઝારમાં જાનહાનિ થઈ નહોતી, પણ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, રેડિએટિવ કૂલિંગને કારણે વાતાવરણ બદલાતાં ધુમ્મસ થયું હતું, જેને કારણે વાહનોને 10 મીટર આગળ કશું દેખાતું ન હતું, તેથી સંખ્યાબંધ અકસ્માતો સર્જાયા હતા. બાદમાં હાઈવે ઓથોરિટી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. છેવટે આઠ કલાકની અંધાધૂંધી પછી વાહન વ્યવહાર પૂર્વવત્ થયો હતો. ગભરાયેલા વાહનચાલકો પાર્કિંગ લેનમાં ઊભા રહી ગયા હતા. બીજી તરફ, હાઈવે પેટ્રોલે વાહનચાલકોને માઈક દ્વારા વાહન 30થી પણ ઓછી સ્પીડે ચલાવવાની સૂચના આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post