• Home
  • News
  • 3 મહિના શાસન લંબાશે?:સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી મોડી થશે તોપણ વહીવટદાર નહીં, ચાલુ હોદ્દેદારોની મુદત વધારવા હિલચાલ
post

ડિસેમ્બરમાં 6 મહાનગરપાલિકા સહિત 55 નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ટર્મ પૂરી થાય છે, ચૂંટણી 3 મહિના પાછી ઠેલવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 12:38:17

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી 3 મહિના સુધી મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે મુદત પૂરી થતી જશે ત્યારે મહાપાલિકા, પાલિકા કે પંચાયતમાં વહીવટદારનું શાસન લાદવું પડશે અથવા જે ચૂંટાયેલી બોડી છે તેની ટર્મ વધારવી પડશે. આ વિકલ્પમાં રાજ્ય સરકાર હાલ વર્તમાનમાં જે સત્તામાં છે તેની મુદત વધારી દેવાની તૈયારીઓ કરી રહી હોવાનું જાણવા મળે છે.

વિચારણા વગર ચૂંટણીપંચને સૂચના અપાઈ
સચિવાલયના એક અધિકારીએ સ્વીકાર્યું છે કે સ્થાનિક ચૂંટણીઓ મોકૂફ રાખવાનો નિર્ણય ચોક્કસ વિચારણા વગર જ લેવાયો હતો અને ચૂંટણીપંચને સૂચનાઆપી દેવામાં આવી હતી. હવે સરકારે થોડા જ સમયમાં જ્યાં ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થાય છે ત્યાં વહીવટદાર મૂકવો કે સંસ્થાની મુદત વધારવાનો નિર્ણય લેશે, જેમાં ચાલુ બોડીની મુદત વધારવાની હિલચાલ ચાલી રહી છે.

ગાંધીનગરથી સીધું શાસન સરળ નથી
ભાજપનાં ટોચનાં સૂત્ર કહે છે, જો વહીવટદાર નિમાય તો પછી તમામ જવાબદારી ગાંધીનગર પર જ આવી જશે અને ચૂંટણી સુધી વહીવટદાર મારફત પ્રજાનાં કામો થાય એ જોવું પડશે. તેથી વહીવટદાર મૂકવાની સરકારની કોઈ દાનત નથી. છ મહાપાલિકા- 55 નગરપાલિકા અને 31 જિલ્લા પંચાયત તથા 231 તાલુકા પંચાયતો પર સીધું ગાંધીનગરથી શાસન સરળ પણ નથી. ભાજપના આ નેતાએ ઉમેર્યું હતું કે આઠ માસથી ગુજરાતનું તંત્ર કોરોના સામે લડી રહ્યું છે અને હાંફી ગયું છે. તેના પર આજે નહીં તો કાલે ચૂંટણી જવાબદારી આવશે જ, એ સમયે પણ એ કેવી કાર્યક્ષમતા ધરાવતું હશે એ પ્રશ્ન છે અને ત્રણ માસ એ ખેંચવું પડશે.

વહીવટદાર નીમવાનો નિર્ણય સરકાર પર નિર્ભર છે
ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે અમારી ભૂમિકા ચૂંટણી યોજવા અંગેની છે. બોડીની ટર્મ વધારવી કે વહીવટદાર નિમાય એ સરકાર જ નિર્ણય કરશે. જોકે ચૂંટણી મોકૂફ રાખવાથી લઈને બોડીની મુદતમાં વધારો કે પછી વહીવટદાર શાસન, દરેકને અદાલતમાં પડકાર મળી શકે છે, પણ હજુ 10 ડિસેમ્બર પૂર્વે જ નિર્ણય લેવાનો છે, તેથી સરકાર પાસે સમય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post