• Home
  • News
  • ટ્રમ્પની મુલાકાત દરમિયાન નો ફ્લાય ઝોન જાહેર નહીં કરાય, અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઈટોનું નિયમિત સંચાલન કરાશે
post

ટ્રમ્પના વિમાનને લેન્ડિંગમાં પ્રાથમિકતા આપવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-22 08:47:52

અમદાવાદ: અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત દરમિયાન શહેરમાં નો-ફ્લાય ઝોનજાહેર કરવામાં નહીં આવે. ટ્રમ્પની મુલાકાત દરમિયાન પણ અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઈટોનું નિયમિત સંચાલન કરવામાં આવશે.
વધુમાં 24મીએ ફ્લાઈટ હોય તે પેસેન્જરોએ ઓછામાં ઓછા 3 કલાક વહેલા એરપોર્ટ પર પહોંચવું પડશે. એ જ રીતે રોડ બંધ હશે ત્યારે ટિકિટની તેમજ આઈડી પ્રૂફની હાર્ડકોપી બતાવનારા પેસેન્જરોને જવા દેવામાં આવશે. મોબાઈલમાં ફોટો કોપી મંજૂર કરવામાં આવશે નહીં.


એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી શહેરમાં નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવશે અને તેમની મુલાકાત દરમિયાન 50થી 60 જેટલી ફ્લાઈટ રદ કરવામાં આવશે તેવી વહેતી થયેલી વાતોને રદિયો આપ્યો હતો.


તેમણે જણાવ્યું હતું કે, નો- ફ્લાય ઝોન જાહેર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ટ્રમ્પની મુલાકાત દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી જતી તેમજ આવતી તમામ ફ્લાઈટોનું નિયમિત સંચાલન ચાલુ રહેશે.


એરફોર્સ વન લેન્ડ થાય ત્યારે અન્યને મંજૂરી નહીં
24 ફેબ્રુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઈટોનું નિયમિત સંચાલન થનાર છે. બપોરના સમયે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન અમદાવાદ પહોંચશે એ વખતે જો અન્ય કોઈ ફ્લાઈટ પણ લેન્ડિંગ માટે અમદાવાદ પહોંચી હશે તો તેને હવામાં જ રાખવામાં આવશે અને ટ્રમ્પના વિમાનને લેન્ડિંગમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ટ્રમ્પનું વિમાન એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયા બાદ જ અન્ય ફ્લાઈટોને લેન્ડ થવાની મંજૂરી આપવામાં આવશે.


24
મીએ રાણીપમાં દુકાનો, હોટેલો બંધ રાખવા નોટિસ
ટ્રમ્પ-મોદીના 24 ફેબ્રુઆરીના કાર્યક્રમને પગલે રાણીપ પોલીસે રાણીપની તમામ હોટેલો, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ, દુકાનો અને સ્ટોર પોલીસ બંદોબસ્ત પૂરો ન થાય ત્યાં સુધી બંધ રાખવા નોટિસ આપી છે.


રાણીપ પોલીસે ગુરુવારે જારી કરેલી નોટિસમાં જણાવાયું છે કે, 24 ફેબ્રુઆરીના રોજ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ખૂબ જ અગત્યના પ્રોટેકટિવ, વીવીઆઈપી, વીઆઈપી તથા અન્ય મહાનુભાવો મુલાકાતે પધારનાર હોઈ જેથી આપની હોટેલ, રેસ્ટરન્ટ, ગેસ્ટહાઉસ, દુકાન, સ્ટોર 24 ફેબ્રુઆરીના રોજ પોલીસ બંદોબસ્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવા નોટિસ આપીને તમામને લેખિતમાં જાણ કરવામાં આવે છે.


વિસત સર્કલ સહિત વધુ બે રોડ બંધ રહેશે
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ 24મીએ પાવરહાઉસ સર્કલથી જનપથ ટીથી વિસત સર્કલથી સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ અને પાવર હાઉસ સર્કલથી જનપથ ટી થી વિસત સર્કલથી તપોવન સર્કલ સુધી રોડ બંધ રહેશે.


નો ડ્રોન ફલાય ઝોન
જાહેરનામા મુજબ સોમવારે શહેરમાં ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ, તેમજ માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફટ, હેંગ ગ્લાઈડર, પેરાગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂનની મનાઈ ફરમાવાઈ છે. અમલ સવારે 6થી રાત્રે 8 સુધી રહેશે.


ગ્લોબ માસ્ટરમાં 2 ફ્યુઅલ ટેન્કર લાવવામાં આવ્યાં
ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલા તેમની સુરક્ષા માટે જરૂરી સાધનો સાથે યુએસનું વિશેષ કાર્ગો વિમાન ગ્લોબ માસ્ટર શુક્રવારે સાંજે પણ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં ટ્રમ્પની સુરક્ષાની સાથે એર લિફ્ટ કરવા માટે અમદાવાદ લાવવામાં આવેલા બે હેલિકોપ્ટર માટે જરૂરી ઈંધણનો સ્ટોક કરી શકાય તે માટે બે ટેંકર લાવવામાં આવ્યા છે. આ બન્ને ખાલી ટેંકર અમદાવાદ પહોંચ્યા બાદ યુએસના સુરક્ષા અધિકારીઓએ હેલિકોપ્ટર માટે જરૂરી ઈંધણનો સ્ટોક કરી સીલ કરી દીધો હતો. આ અગાઉ 20મીએ એક ગ્લોબ માસ્ટર જ્યારે 19મીએ બે ગ્લોબમાસ્ટર વિમાનો અમદાવાદ આવ્યા હતા. જ્યારે એક વિમાન 17મીએ આવ્યું હતું. આ અત્યાર સુધી 5 વિમાનોમાં સુરક્ષા સાધનો અમદાવાદ લાવવામાં આવ્યા છે.


સ્ટેડિયમમાં બે હેલિપેડ છતાં VVIP ગેટ આગળ ઇમરજન્સી હેલિપેડ બનશે
ટ્રમ્પ માટે મોટેરા સ્ટેડિયમના વીવીઆઇપી ગેટની આગળ રાતોરાત ઇનરજન્સી હેલિપેડ બનાવવાવમાં આવ્યું છે. સ્ટેડિયમની અંદર બે હેલિપેડ છે છતાં ક્લબ હાઉસ પાસે નવું હેલિપેડ તૈયાર થઈ રહ્યું છે. આ માટે અહીં આવેલા ઝાડ ગુરુવારે કાપી નાખી જમીન સમથળ કરી શુક્રવારે તાત્કાલિક ધોરણે હેલિપેડની કામગીરી શરૂ કરાઈ હતી. આ હેલિપેડ અંગે પૂછતાં અધિકારીએ ઇમરજન્સી હેલિપેડ બનાવવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.


સ્ટેડિયમમાં બે ICU સહિત 25 બેડની હોસ્પિટલ તૈયાર, 4 આઈસીયુ ઓન વ્હીલ્સ
મોટેરા સ્ટેડિયમમાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગે બે આઈસીયુ બેડ સહિત 25 બેડની અને વીઆઈપી એરિયામાં 10 બેડની હોસ્પિટલ ઊભી કરી દીધી છે. આ હોસ્પિટલમાં ડેફેબ્રીલેટર, વેન્ટિલેટર, ઓકિસજન સિલિન્ડર, મલ્ટિપેરા મોનિટર, ઈન્જેકટેબલ ઈમરજન્સી મેડિસિન અને નિષ્ણાંત તબીબોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર આઈસીયુ ઓન વ્હીલ પણ તહેનાત રાખવામાં આવ્યા છે.


ટ્રમ્પ-મોદી માટે 20 ફૂટનું સ્ટેજ બનશે, પીચ હોવાથી સ્ટેજ વચ્ચે બનાવવામાં ન આવ્યું
ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી માટે મોટેરા સ્ટેડિયમ ખાતે 20 ફૂટનું સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જયાંથી ટ્રમ્પ એન્ટ્રી લેવાના છે ત્યાં કોર્નર સાઈડે જ સ્ટેજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યાં સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે તેની પાછળ લોકો બેસી શકશે નહીં. તમામ બાજુએ બેઠેલા લોકો ટ્રમ્પને જોઈ શકે તે રીતે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પીચ હોવાના કારણે વચ્ચોવચ્ચ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું નથી.


એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી પોલીસનું રિહર્સલ, હજુ પણ બે દિવસ ચાલશે
ટ્રમ્પ અને મોદીની સુરક્ષા સમીક્ષાના ભાગરૂપે એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ થઈ કોટેશ્વર મંદિરથી મોટેરા સ્ટેડિયમ સુધી પોલીસે શુક્રવારે સાંજે રિહર્સલ કર્યું હતું. હજુ સતત બે દિવસ સુધી રિહર્સલ કરાશે. જો કેે, પોલીસના કાફલાએ અગાઉ નિયત કરેલા રોડ શોના રૂટ પર રિહર્સલ ટૂંકાવી દીધું હતું. ટ્રમ્પ આશ્રમ નહીં જવાની પૂરેપૂરી શકયતાને લઈને પોલીસે એરપોર્ટથી ગાંધીઆશ્રમ વચ્ચેના 8 કિલોમીટરમાં રિહર્સલ કર્યું ન હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post