• Home
  • News
  • રાહત : કાચા લાઈસન્સ માટે RTO નહીં ITIમાં જવું પડશે, હાથોહાથ કાચું લાઇસન્સ મળશે
post

RTO પરનું ભારણ ઘટાડવા નિર્ણય, સુભાષબ્રિજ RTOમાં રોજના 500, વસ્ત્રાલમાં રોજના 450 કાચા લાઈસન્સ નીકળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 11:18:17

અમદાવાદ: વાહનના કાચા લાઇસન્સ માટે અત્યાર સુધી આરટીઓમાં કમ્પ્યૂટર પરીક્ષા લેવાતી હતી. પરંતુ રાજ્ય સરકારે આરટીઓમાં કામગીરીનું ભારણ ઘટાડવા હવે કાચા લાઈસન્સની કામગીરી આઈટીઆઈને સોંપી છે. હવે સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓ માટે જાહેર કરેલી આઇટીઆઇમાં કાચા લાઇસન્સની કમ્પ્યૂટર પરીક્ષા આપી શકાશે. ઓનલાઇન એપોઇમેન્ટ લેતી વખતે અરજદારે હવે તેના વિસ્તારની આઇટીઆઇ પસંદ કરવાની રહેશે.



આઇટીઆઇમાં કાચા લાઇસન્સ માટેની કમ્પ્યૂટર પરીક્ષાની વ્યવસ્થા કરી :
ટ્રાફિકના નવા દંડના અમલ બાદ કાચા અને પાકા લાઇસન્સ માટે લોકો રાહ જોઇને બેસી રહ્યા હતાં. દોડાદોડ કરી વધુ નાણાં ખર્ચી એજન્ટોની મદદથી લાઇસન્સ વહેલું મેળવવા પ્રયાસ કર્યો હતો. સરકારે આરટીઓ કચેરીમાં કામનું ભારણ ઘટાડી કાયમી ઉકેલ લાવી રાજ્યની આઇટીઆઇમાં કાચા લાઇસન્સ માટેની કમ્પ્યૂટર પરીક્ષાની વ્યવસ્થા કરી છે. જેનો અમલ શુક્રવારથી શરૂ થઇ જશે. જોકે સુભાષબ્રિજ આરટીઓમાં જાન્યુઆરી સુધી અને વસ્ત્રાલ તેમજ બા‌વળા એઆરટીઓમાં નવેમ્બરના અંત સુધીમાં એપોઇમેન્ટ મેળવનાર અરજદારો આરટીઓમાં પરીક્ષા આપી શકશે. આ પછી ફરજિયાતપણે નજીકની આઇટીઆઇ જ પસંદ કરવાની રહેશે. અરજદારોએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેતી વખતે પોતાના વિસ્તારની આઇટીઆઇ પસંદ કરવાની રહેશે. એપોઇન્ટમેન્ટ અને પૈસા ભર્યાની સ્લિપ ફરજિયાતપણે લઇ જવાની રહેશે.



શહેરની આઇટીઆઇમાં રોજના 20 મુજબ કુલ 100 સ્લોટ :
હાલ સુભાષબ્રિજ આરટીઓમાં 500, વસ્ત્રાલમાં 450 અને બાવળામાં 150 કાચા લાઇસન્સની પરીક્ષા લેવાય છે. જેની સામે શહેરની આઇટીઆઇમાં રોજના 20 મુજબ કુલ 100 સ્લોટ અને તાલુકાની આઇટીઆઇમાં રોજના 10 મુજબ કુલ 70 જેટલા સ્લોટ ફાળવાયા છે. આ સ્લોટમાં સમયાંતરે વધારો કરાશે.
સુભાષ બ્રિજ RTOના સ્થાને 5, વસ્ત્રાલ RTOના સ્થાને એક ITIની યાદી જાહેર કરાઈ



RTOવાળાએ આ ITIમાં જવાનું રહેશે :
સુભાષબ્રિજ આરટીઓ

·         ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે, યુકોબેંક, સરખેજ

·         વ્રજ ટેનામેન્ટની બાજુમાં, આઇઓસી રોડ, ચાંદખેડા

·         ન્યૂ રાણીપ, ચેનપુર રોડ, પેટ્રોલ પંપની સામે, ગોતા,રાણીપ

·         કલાભવન, સરસપુર ગુરુદ્વારા સામે, સરસપુર

·         ગેલેક્ષી સિનેમા સામે, કુબેરનગર

વસ્ત્રાલ એઆરટીઓ

·         ખારીકટ કેનાલ પાસે, આરટીઓ ઓફિસ પૂર્વની બાજુમાં વસ્ત્રાલ રોડ, ખોખરા-મણિનગર

બાવળા એઆરટીઓ

·         સાણંદ, વિરમગામ, ધોળકા, દેત્રોજ, ધંધૂકા, માંડલ, દસક્રોઇ આઇટીઆઇ


હાથોહાથ કાચું લાઇસન્સ મળશે :
વાહનના કાચા લાઇસન્સની કમ્પ્યૂટર પરીક્ષા પાસ કર્યા પછી આઇટીઆઇમાંથી હાથોહાથ કાચું લાઇસન્સ મળી જશે. અરજદારોએ કાચા લાઇસન્સ મેળવ્યા પછી એક મહિના બાદ પાકા લાઇસન્સ માટે સબંધિત આરટીઓમાં એપોઇમેન્ટ લેવાની રહેશે.


સમય RTO પ્રમાણે જ રહેશે :
પ્રત્યેક આઇટીઆઇમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર ફરજ બજાવશે. પ્રિન્સિપાલના લોગઈન આઇડીમાં કામગીરી થશે. આરટીઓના કામકાજનો સમય તેમજ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.


લોકોને લાઈસન્સ ઝડપથી મળશે :
આરટીઓમાં કાચા લાઇસન્સ માટે દોઢથી બે મહિના સુધી એપોઇમેન્ટ મળતી નથી. જેથી આઇટીઆઇમાં વ્યવસ્થા કરવાથી અરજદારોને વધુ વિકલ્પ મળી શકશે. તેમજ આરટીઓ પરનું કામનું ભારણ ઘટવા ઉપરાંત કાચા લાઈસન્સ માટેની કામગીરી પણ ઝડપી બનશે. લોકોને ઝડપથી કાચા લાઇસન્સ મળી ગયા બાદ પાકું લાઇસન્સ પણ મળી જાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post