• Home
  • News
  • સુરત સિવિલની બેદરકારી / કોરોનાથી વૃદ્ધાનું મોત થયાના 11મા દિવસે ઘરે ફોન આવ્યો, ‘તમારી માતાની તબિયત સારી છે, નિયમિત દવા લે છે’
post

દવા બાદ દર્દ આપવામાં કોઈ કસર ન રાખીઃ મૃતક વૃદ્ધાનો પુત્ર

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 11:54:48

સુરત: શહેરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ અને મોતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલની વધુ એક લાલીયાવાડી સામે આવી છે. જેમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મૃત્યુના 11મા દિવસે તેના પુત્રને ફોન કરી જાણ કરવામાં આવી હતી. જેમાં તમારા માતાની તબિયત સારી છે, રેગ્યુલર દવા લે છે તેવું જણાવ્યું હતું.

20 જુલાઈના રોજ કોરોનાગ્રસ્ત વૃદ્ધાનું મોત થયું હતું
મળતી માહિતી પ્રમાણે, બમરોલી વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં રૂકમાબેન સુર્યવંશી(ઉ.વ.65) પરિવાર સાથે રહેતા હતા. ગત 18 જુલાઈના રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને G-19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન ગત 20 જુલાઈના રોજ રૂકમાબેન તબિયત સારી હોવાનું પરિવારને જણાવ્યું હતું. ત્યારબાદ સાંજે 4 વાગ્યે હાલત ગંભીર હોવાનું કહીં તેમના પુત્ર પવનને જૂની બિલ્ડીંગ માં G-4 વોર્ડમાં બોલાવ્યો હતો. કાગળ પર વૃદ્ધાના પુત્રની સહી લીધાના કેટલાક કલાકોમાં રૂકસાનાબેનના મૃત્યુની જાણ કરાઈ હતી.

મૃતક વૃદ્ધાનો પુત્ર વિચારમાં પડી ગયો
માતા રુકમાબેનનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. દરમિયાન ગત રોજ 30 જુલાઈએ સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી રુકમાબેનના પુત્ર પવન પર ફોન આવ્યો હતો કે, તમારા માતાની તબિયત સારી છે, રેગ્યુલર દવા લે છે, તેમને જલ્દી સારા કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે, તમને ફોન કરે છે કે નહીં? જેથી પુત્ર વિચારમાં પડી ગયો હતો.

મૃત્યુનું પ્રમાણપત્ર પણ આપ્યું છેઃ પુત્ર
મૃતક વૃદ્ધાના પુત્રએ જણાવ્યું હતું કે, રૂઝાયેલા ઘાવ વધુ તાજા થાય એ પહેલાં જ મેં કહી દીધું કે, ભાઈ મારી માતાના મૃત્યુને 11 દિવસ થઈ ગયા, મૃત્યુનું પ્રમાણપત્ર પણ આપ્યું છે. જેથી ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે, હું તપાસ કરીને ફરી ફોન કરું છું ત્યારબાદ ફોન આવ્યો નથી. દવા બાદ દર્દ આપવામાં પણ કોઈ કસર બાકી રાખતા નથી. આવી છે સિવિલ હોસ્પિટલની લાલીયાવાડી.

હું તપાસ કરાવું, મને ટાઈમ આપોઃ સિવિલ સુપ્રિટેન્ડન્ટ
સિવિલ સુપરિન્ટેન્ડન્ટ રાગીણી વર્માએ જણાવ્યું હતું કે, હું સમજું છું કે, પરિવારને ખરેખર તકલીફ થઈ હશે. મને દર્દીનું નામ આપો તો હું મારા હેલ્પ ડેસ્ક પરથી તપાસ કરાવું. મને ટાઈમ આપો.

વાતના અંશો

સિવિલ કંટ્રોલ રૂમઃ નમસ્કાર સર, હું સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી બોલું છું.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, બોલો.
સિવિલ કંટ્રોલ રૂમઃ રુકમા સુર્યવંશીના સંબંધી વાત કરી રહ્યા છો સાહેબ.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, તેમનો પુત્ર બોલું છું.
સિવિલ કંટ્રોલ રૂમઃ જી નામ જાણું શકું સાહેબ.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ પવન સુર્યવંશી.
સિવિલ કંટ્રોલ રૂમઃ જી પવનભાઈ, ધન્યવાદ.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, હા.
સિવિલ કંટ્રોલ રૂમઃ પવનભાઈ તબિયત જણાવવા માટે ફોન કર્યો છે, એમને હાલ કોરોનાને કોરણે સિવિલ હોસ્પિટલ દાખલ કર્યા છે ને.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, હા.
સિવિલ કંટ્રોલ રૂમઃ જી હા તો તેમની તબિયત એમની સારી છે અને સ્ટેબલ બતાવે છે, બરોબર છે. ડોક્ટરની જે દવા છે તે રેગ્યુલર ચાલે છે અને તેના સારા થવા માટેના પ્રયત્નો ડોક્ટર અને નર્સ કરી રહ્યા છે. તમારી વાતચિત થાય છે તેમની સાથે?
મૃતક વૃદ્ધાનો પુત્રઃ પણ સાહેબ આ મેસેજ કોણે આપ્યો તમને
સિવિલ કંટ્રોલ રૂમઃ શેનો?
મૃતક વૃદ્ધાનો પુત્રઃ આ જે તમને કહીં રાખેલું રૂકમાબેનનું, આની જાણ કારી તમને ક્યાંથી મળી?
સિવિલ કંટ્રોલ રૂમઃ સિવિલ હોસ્પિટલમાંથી
મૃતક વૃદ્ધાનો પુત્રઃ એક વખત બરાબર ચેક કરી લો ને સાહેબ, કારણ કે મમ્મીને એક્સપાયર થતા આજે 11 દિવસ થઈ ગયા છે.
સિવિલ કંટ્રોલ રૂમઃ શું વાત કરો છો?
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા
સિવિલ કંટ્રોલ રૂમઃ રિયલી વેરી સોરી
મૃતક વૃદ્ધાનો પુત્રઃ પેલા એક વખત ઈન્કવાયરી કરો બરાબર પછી મને ફોન કરજો
સિવિલ કંટ્રોલ રૂમઃ નહીં નહીં..100 ટકા, 100 ટકા, રિયલી સોરી
મૃતક વૃદ્ધાનો પુત્રઃ ઓકે ઓકે

 

adv

Related News

post
post
post
post
post
post
post