• Home
  • News
  • પંજાબ વિધાનસભામાં નવા કૃષિ બિલ અંગે હોબાળો:કેન્દ્રના બિલ વિરુદ્ધ પ્રસ્તાવ લાવનારું પંજાબ પહેલું રાજ્ય; પંજાબમાં હવે MSPથી નીચે પાકની ખરીદી-વેચાણ પર ત્રણ વર્ષની કેદ
post

અમરિન્દર સરકારે સમર્થન મૂલ્યની ગેરંટી આપીને કહ્યું- સરકાર તૂટી પડવાનો ડર નથી, રાજીનામું પણ આપી શકું છું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 14:32:23

પંજાબ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે કેન્દ્રના કૃષિ કાયદાને અને પ્રસ્તાવિત વીજળી વિધેયકને સર્વસંમતિથી ફગાવી દેવાયા હતા. આ માટે લવાયેલા પ્રસ્તાવમાં નવો વટહુકમ લાવવાની માંગ કરાઈ છે કે ખેડૂતોને એમએસપીના આધારે ખરીદીનો બંધારણીય અધિકાર મળે. આ મુસદામાં ખેડૂતોને ખેતી માટે કેન્દ્રએ અપનાવેલા વલણને અત્યંત કઠોર અને અસંગત ગણાવી અફસોસ વ્યક્ત કરાયો હતો. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે ટેકાના ભાવની ગેરંટી આપવા ઉપરાંત અન્ય ચાર વિધેયક રજૂ કર્યા હતા. તેમાં ટેકાના ભાવથી નીચે અનાજની ખરીદી કે વેચાણ પર ઓછામાં ઓછી ત્રણ વર્ષની કેદની જોગવાઈ છે. કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ વિધાનસભામાં બિલ રજૂ કરનાર પંજાબ પ્રથમ રાજ્ય બન્યું છે.

પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મંગળવારે કેન્દ્ર સરકારના કૃષિ બિલો અને પ્રસ્તાવિત ઈલેક્ટ્રિસિટી(અમેન્ડમેન્ટ) બિલ વિરુદ્ધ પ્રસ્તાવ(રિઝોલ્યૂશન)રજુ કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્રના ત્રણ કૃષિ બિલ અને પ્રસ્તાવિત ઈલેક્ટ્રિસિટી બિલ ખેડૂતો અને જમીન વગરના મજૂરોના હિતોના વિરુદ્ધ છે. કેન્દ્રના બિલો વિરુદ્ધ અમરિંદર સરકારે પોતાના 3 બિલ રજુ કર્યા.

અમરિંદરે કહ્યું કે, ઓપરેશન બ્લૂ સ્ટારના સમયે પણ મેં પદ છોડી દીધું હતું. મને રાજીનામું આપવાની બીક નથી લાગતી, હું તો રાજીનામું ખિસ્સામાં લઈને ફરું છું. સરકાર બરતરફ થવાની બીક નથી,પણ ખેડૂતોને હેરાન નહીં થવા દઉં, ન્યાય માટે લડીશ.

અમરિંદરે કેન્દ્રના કાયદા અંગે કહ્યું કે, જો કેન્દ્ર સરકારે તેમના કૃષિ કાયદાને રદ્દ કરવામાં નહીં આવે તો નવયુવાનો, ખેડૂતો સાથે મળીને રસ્તા પર ઉતરી શકે છે, જેનાથી નાસ ભાગ મચી શકે છે. આ સમયે ચીન અને પાકિસ્તાન એક છે અને તે પંજાબના આ જ માહોલને ખરાબ કરવામાં કંઈ બાકી નહીં રાખે, એટલા માટે પોતાના કૃષિ કાયદાને રદ કરી દેવા જોઈએ.

પંજાબ સરકારે આ ત્રણ બિલ રજુ કર્યા

·         ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) સ્પેશ્યિલ પ્રોવિજન્સ એન્ડ પંજાબ અમેન્ડમેન્ટ બિલ

·         ધ એસેન્શિયલ કમોડિટીઝ(સ્પેશિયલ પ્રોવિજન્સ એન્ડ પંજાબ અમેન્ડમેન્ટ) બિલ

·         ધ ફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસેજ(સ્પેશ્યિલ પ્રોવિજન્સ એન્ડ પંજાબ અમેન્ડમેન્ટ બિલ)

કૃષિ કાયદા અંગે બોલાવવામાં આવેલા પંજાબ વિધાનસભાના બે દિવસના વિશેષ સત્રના પહેલા દિવસે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. અકાલી નેતા ટ્રેક્ટર અને આપના ધારાસભ્ય કાળાં કપંડા પહેરીને પહોંચ્યા હતા. રાજ્ય સરકાર તરફથી કૃષિ કાયદા વિરુદ્ધ લાવવામાં આવી રહેલા બિલની કોપી ન મળવાથી વિપક્ષે ઘણો હોબાળો કર્યો હતો, જેના વિરોધમાં આપના ધારાસભ્ય આખી રાત ગૃહમાં જ ધરણાં પર બેઠા રહ્યા હતા.

સ્પીકરે કહ્યું હતું કે બિલમાં તમામ કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. મંગળવારે બિલ ગૃહમાં રાખવામાં આવશે. સરકારનો પ્રયાસ છે કે બિલમાં એવો કોઈ કાયદાકીય પાસું ન રહી જાય, જેનાથી કોર્ટમાં મુશ્કેલી થાય.

બિલ એટલા માટે પણ જરૂરી છે, કારણ કે એના આધારે જ UPA અન્ય બિનભાજપ રાજ્યોમાં આવા બિલને પસાર કરવા માટે કહેશે. આ પહેલાં AAP ધારાસભ્ય હરપાલ ચીમા ધારાસભ્યો સાથે સરકાર વિરુદ્ધ નારાબાજી કરતાં સ્પીકર સામે આવ્યા અને બિલની કોપી માગી. અકાલી દળે પણ AAPને સાથ આપ્યો.

જ્યારે બન્ને પક્ષનો હોબાળો અટક્યો નહીં તો સ્પીકરે કાર્યવાહી મંગળવાર સવારે 10 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. તો આ તરફ કોપી ન મળવા અંગે આપ નેતાઓએ ગૃહની અંદર આખી રાત ધરણાં કર્યા. આ પહેલા સત્રની શરૂઆત શહીદોને શ્રદ્ધાંજલિ આપીને થઈ હતી. આ દરમિયાન આઠ રિપોર્ટ્સને ગૃહમાં રાખવામાં આવ્યા હતા.

દરેક એન્ગલથી ચેક કરીને જ બિલ ગૃહમાં રાખીશુંઃ મનપ્રીત બાદલ
સ્પીકર કેપી સિંહે કહ્યું હતું કે બિઝનેસ એડવાઈઝરી કમિટીએ નિર્ણય કર્યો છે કે સત્ર કૃષિ કાયદાને રદ કરવા માટે બોલાવ્યું છે, એટલા માટે ગૃહમાં અન્ય કામોને સ્થગિત કરી દેવામાં આવે. સરકારે કાયદાઓને રદ કરવા માટે બિલ તૈયાર કરી લીધું છે, પણ આ મુદ્દો મોટો છે, એટલા માટે એ અંગે દરેક પાસેથી કાયદાકીય મંતવ્ય લીધા પછી જ સરકાર એને ગૃહના પટલ પર રાખશે. એટલા માટે એમાં થોડોક સમય જોઈએ.

નાણામંત્રી બાદલે કહ્યું હતું કે બિલમાં તમામ જરૂરી વાતો, કાયદાકીય પાસાઓ અને દરેક એન્ગલની તપાસ કરવામાં આવી રહી છે. એટલા માટે કોપી કોઈને આપી ન શકાય.

સરકારના ઈરાદા ખોટા, એટલા માટે કોપી આપી રહ્યા નથીઃ આપ
સ્પીકરની વાત સાંભળ્યા પછી આપના નેતા હરપાલ ચીમાએ કાયદાને રદ કરવા અને તૈયાર કરવામાં આવેલા નવા બિલના પ્રસ્તાવની કોપી તમામ ધારાસભ્યોને આપવાની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે ધારાસભ્યોને ખબર હોવી જોઈએ કે સરકાર કેવી રીતે કાયદાઓને રદ કરવાનો પ્રસ્તાવ લાવી રહી છે અને નવા બિલમાં રાજ્યના ખેડૂતોને રાહત આપવા માટે કેવાં પગલાં લેવાઈ રહ્યાં છે, જેથી અમે અમારાં સૂચનો રજૂ કરી શકીએ.

મજીઠિયાએ કહ્યું- સરકારે પોતાનો વાયદો પૂરો કર્યો નથી
અકાલી નેતા વિક્રમ મજીઠિયાએ કહ્યું હતું કે ગત વખતે ગૃહમાં ત્રણ મંત્રીએ કહ્યું હતું કે કોઈપણ બિલ જે ગૃહમાં રાખવામાં આવે, એની કોપી પહેલા સભ્યોને આપવામાં આવે. હવે એ મહત્ત્વનું બિલ છે તો તેની કોપી કેમ આપવામાં આવતી નથી? સરકારે પોતાનો વાયદો નિભાવ્યો નથી.

ખેડૂત નેતાએ કહ્યું- સરકાર હકમાં જોવા મળતી નથી
ભારતીય ખેડૂત યુનિયન ઉગ્રાહાંના નેતાઓએ ત્રણ મંત્રી- સુખવિંદર રંધાવા, તૃપ્ત રાજિંદર બાજવા અને સુખવિંદર સરકારિયા સાથે બિલ અંગે મીટિંગ કરી. મીટિંગ પછી ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે મંત્રીઓની કમિટીએ જણાવ્યું હતું કે ખેડૂત કાયદાને રદ કરવા માટે બિલ લાવી રહ્યા છે, પણ એ હેઠળ શું થશે એ ન જણાવ્યું. અમે કોપી માગી હતી, પણ ન આપી. સરકાર જ્યારે અમને કોપી આપવા તૈયાર નથી તો અમે કેવી રીતે માની લઈએ કે એ ખેડૂતોના પક્ષમાં જ હશે. મંગળવારે જોઈશું કે સરકારે શું કર્યું છે. જો બિલ ખેડૂતોના પક્ષમાં હશે તો એ પ્રમાણે જ નીતિ બનાવીશું.

સિદ્ધુએ કહ્યું- ભટકાવશો નહીં, મુદ્દાનો ઉકેલ લાવો
પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ રાખ્યો અને કહ્યું હતું કે ખેડૂતોની નજર આપણી પર છે. એટલા માટે સરકારે ખેડૂતોને ભટકાવવાની જગ્યાએ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. જો સરકાર પાસે પૈસા નથી તો રેતી, દારૂ અને કેબલમાફિયા પર લગામ લગાવો.

 

adv

Related News

post
post
post
post
post
post
post