• Home
  • News
  • ઈખલાકના પરિવારે કહ્યું- મુસ્લિમ હોવાના કારણે દીકરાનો હાથ કપાયો, બીજા પક્ષે યૌન શોષણનો આરોપ લગાવ્યો
post

પાનીપતમાં ચર્ચા છે કે પાર્કમાં પરિવારના લોકોએ ઈખલાકને એક છોકરી સાથે જોયો હતો, ત્યાર પછી તેની મારઝૂડ કરાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 11:00:33

ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લામાં એક મુસ્લિમ મોહલ્લો છે- નનૌતા. આ જ મોહલ્લામાં 28 વર્ષના ઈખલાક સલમાનીનો પરિવાર રહે છે. ઈખલાક 24 ઓગસ્ટની સવારે નનૌતાથી અંદાજે 100 કિલોમીટર દૂર પાનીપતમાં એક રેલવે ટ્રેક પાસે અર્ધમરેલી હાલતમાં મળ્યો હતો. માથામાંથી લોહી નીકળતું હતું અને ડાબો હાથ કપાયેલો હતો.

ઈખલાકના મોટા ભાઈ ઈતરામ સલમાનીએ જણાવ્યું હતું કે ઓગસ્ટમાં તે કામ શોધવા પાનીપત પાસે ગયો હતો. 23 ઓગસ્ટની રાતે તે એક પાર્કમાં બેઠો હતો અને અમુક લોકોએ આવીને તેની સાથે મારઝૂડ કરી. અડધી રાતે તેને પાણીની તરસ લાગી તો તેણે જે ઘરનો દરવાજો ખખડાવ્યો તે એ લોકોનો જ હતો, જેમણે થોડા સમય પહેલાં તેની સાથે મારઝૂડ કરી હતી. તે લોકોએ તેને ઘરમાં ખેંચી લીધો, તેની ઓળખ-પૂછપરછ અને ફરી તેની સાથે મારઝૂડ કરી. ત્યાર પછી આરી મશીનથી તેનો ડાબો હાથ કાપી નાખ્યો, જેના પર '786' લખેલું ટેટૂ બનાવવામાં આવ્યું હતું.

જોકે ઈખલાકે 10 સપ્ટેમ્બરે FIRમાં જે નિવેદન નોંધાવ્યું એમાં ધર્મ પૂછીને મારઝૂડ કરવાનું કે 786 જોઈને હાથ કાપવાની વાત નથી કરી. આ વિશે જ્યારે અમે સલમાની સાથે વાત કરી ત્યારે તેણે પોલીસ સામે જ સવાલ ઊભા કરી દીધા. તેણે કહ્યું હતું કે મારા ભાઈ સાથે ઓળખ પૂછીને જ મારઝૂડ કરવામાં આવી છે અને તેનો ડાબો હાથ આરીથી કાપવામાં આવ્યો છે, પરંતુ પોલીસે અડધું-અધૂરું નિવેદન જ નોંધ્યું અને અમને વાંચીને પણ ન સંભળાવ્યું. જબરદસ્તી નિવેદન પર સહી કરાવી દીધી અને એના આધારે જ તપાસ શરૂ કરી.

આ મામલે ઝીરો એફઆઈઆર પાનીપત રેલવે પોલીસે નોંધી છે. જ્યારે પોલીસે જબરદસ્તી નિવેદન પર સાઈન કરાવવા, નિવેદન વાંચીને ન સંભળાવવા અને અડધી-અધૂરી વાત લખવાના ગંભીર આરોપ વિશે પાનીપતના રેલવે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજકુમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જુઓ, પોલીસ પર તો કોઈપણ આરોપ લગાવી શકે છે, પરંતુ અમારા SIએ એ જ લખ્યું છે જે તેમણે કહ્યું છે. ત્યારે તેમણે પાર્કની વાત નહોતી કરી. ધર્મ પૂછીને મારઝૂડ કરી કે 786 જોઈને હાથ કાપ્યો એ વિશે પણ કંઈ નહોતું કહ્યું. હવે તેઓ આ બધું કહી રહ્યા છે. ત્યારે તેમણે આ વાત કરી હોત તો બાકી વાતોની જેમ આ વાત પણ એમાં સામેલ કરી દેત. અમે શું કરવા તેનું નિવેદન બદલીશું?

આટલું જ નહીં, આ કેસમાં તે પરિવારે પણ ઈખલાક સલમાની સામે ફરિયાદ નોંધાવી છે જેમના પર મારઝૂડ કરવાનો અને હાથ કાપવાનો આરોપ છે. પરિવાર તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ઈખલાકે 23 સપ્ટેમ્બરની રાતે એક સગીર છોકરાનું યૌન શોષણ કર્યું છે. પોલીસે આ નિવેદનના આધારે ઈખલાક સામે પોક્સો એક્ટ અંતર્ગત પણ અમુક કલમ લગાવી છે.

બંને કેસ પાનીપતના ચાંદનીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. એની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ કરી રહી છે. આ SITના પ્રમુખ પાનીપતના DSP સતીશ વત્સ છે. જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, બંને પક્ષ તરફની ફરિયાદ નોંધી લેવામાં આવી છે. અમે ઈખલાકના સાજા થવાની રાહ જોઈ રહ્યા છીએ. ત્યાર પછી તેનું નિવેદન લેવામાં આવશે અને તપાસને યોગ્ય દિશામાં આગળ વધારવામાં આવશે.

13 સપ્ટેમ્બરે અમે રેલવે ટ્રેક પાસે કડક તપાસ કરી હતી. ત્યાંથી અમને એક કપાયેલો હાથ પણ મળ્યો છે જે ઈખલાકનો જ હોવાની શંકા છે. જોકે તે ચોક્કસ તો ડીએનએ ટેસ્ટ પછી જ કહી શકાશે. આનાથી વધારે સતીશ વત્સે કઈ પણ કહેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. તેમના મત પ્રમાણે, તપાસ દરમિયાન કોઈપણ સવાલના જવાબ આપવા તે યોગ્ય નથી.

જોકે આ સમગ્ર કેસને ધ્યાનથી જોઈએ તો પોલીસ, ઈખલાકનો પરિવાર અને જેમણે તેના પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો છે તેમના પર સવાલ ઊભા થઈ રહ્યા છે. 24 ઓગસ્ટની સવારે ઇખલાક જ્યારે રેલવે ટ્રેકની પાસે ઘાયલ અવસ્થામાં મળ્યો ત્યારે જ પોલીસે કડક તપાસ કેમ ન કરી? અને કપાયેલો હાથ કેમ ન મેળવી લીધો? એને સીલ કરવામાં કેમ ન આવ્યો?

ઈખલાકના મોટા ભાઈ ઈતરામ સલમાનીનાં નિવેદન અને પોલીસ દ્વારા નોંધાયેલાં નિવેદનમાં ફેર કેમ છે? જો પોલીસે અડધું-અધૂરું નિવેદન નોંધ્યું હતું અને નિવેદન વાંચીને સંભળાવ્યા વગર સાઈન કરાવી હતી તો તેમણે આ વિશે પહેલાં કેમ કંઈ ન કહ્યું? જે પરિવારે ઈખલાક પર સગીર બાળક સાથે ચેડાંનો આરોપ લગાવ્યો છે, તેમણે 23 ઓગસ્ટની રાત્રે ઘટના બની હતી તો ફરિયાદ નોંધાવામાં 10 સપ્ટેમ્બર સુધીની રાહ કેમ જોઈ?

આ ઘટના વિશે ચોક્કસ રીતે તો હાલ કંઈ કહેવું મુશ્કેલ છે, પરંતુ પાનીપતમાં આ ઘટના વિશે હવે એક ત્રીજી થિયરીની પણ ચર્ચા થવા લાગી છે. આ થિયરી પ્રમાણે, વિવાદ પ્રેમ સંબંધનો પણ હોઈ શકે છે. ઓળખ જાહેર ન કરવાની શરતે એક સ્થાનિક પત્રકારે કહ્યું છે કે આ કેસ એવો છે જ નહીં, જે બે પક્ષ જણાવી રહ્યા છે. આ વિવાદમાં છોકરાની વાત છે, ધર્મની નહિ. પાનીપતમાં ચર્ચા છે કે પાર્કમાં પરિવારે ઈખલાકની સાથે એક છોકરીને જોઈ હતી અને ત્યાર પછી તેની મારઝૂડ કરી હતી અને એ પછી જ તેનો હાથ કાપવામાં આવ્યો હોય.

 

adv

Related News

post
post
post
post
post
post
post