• Home
  • News
  • ‘PAAS’નો હાર્દિક પર આક્ષેપ:હાર્દિકે પાટીદાર સમાજને ગુમરાહ કરીને 250 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી, તે સમાજનો ગદ્દાર છે
post

EWS પાટીદાર સહિત 16 સમાજને મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-29 19:33:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર પાટીદાર અનામતનો મુદ્દો ઊભો થયો છે. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં જે આંદોલન શરૂ થયું હતું એમાં મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતા. પાટીદાર સમાજની મુખ્ય માગણી OBCની હતી, એની જગ્યાએ EBCની લોલીપોપ પકડાવીને પોતે 10 ટકા EBC અપાવ્યું હોવાની વાત કરે છે એ ખોટી છે. આજે હાર્દિક પટેલે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે એવા આક્ષેપ PAAS દ્વારા કરવામાં આવ્યા છે. હવે પાટીદાર સમાજ હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરશે. વિરમગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો અને પાટીદાર સમાજના યુવાનો હાર્દિક પટેલનો વિરોધ કરશે.

250 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી દીધી
પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન નિલેશ એરવડિયાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો. હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરીને જે ઓબીસીની મુખ્ય માગણી હતી એની જગ્યાએ 10% ઈબીસીનું લોલીપોપ પકડાવીને પોતે આ અપાવ્યું હોવાની વાત કરે છે, જે ખોટી છે. લાખો પાટીદાર યુવાનો રોડ પર ઊતર્યા હતા અને તેમની સામે કેસ થયા હતા. આજે પણ અનેક યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાય છે, પરંતુ હાર્દિક પટેલે કરોડો રૂપિયાની સંપત્તિ લીધી છે. આશરે 200થી 250 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી દીધી છે અને હવે પોતે દિલ્હીથી સોલિસિટર અને ઊંચી ફી આપી વકીલો પાસે પોતાની અલગ ચાર્જશીટ બનાવડાવી પોતે કેસમાંથી નીકળવાની વાત કરે છે.

હાર્દિકે પાટીદાર સમાજને ગુમરાહ કર્યો
તેમણે કહ્યું હતું કે અમે હાર્દિક પટેલનો ખુલ્લો વિરોધ કરીશું. વિરમગામમાં જઈને પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો અને પાટીદાર સમાજ તેનો વિરોધ કરશે. હાર્દિક પટેલ પાટીદાર સમાજનો ગદ્દાર છે, કારણ કે હાર્દિક પટેલે જ્યારે ભાજપમાં જોડાવાની વાત કરી હતી ત્યારે તેણે કમિટમેન્ટ કરી હતી કે બે મહિનામાં હું 14 પાટીદાર યુવાનોને ન્યાય અપાવીશ. સરકારી કે અર્ધસરકારી નોકરી અપાવીશ, પરંતુ તેણે એકપણ કામ કર્યું નથી. હાર્દિક પટેલ લોભ, લાલચ અને હોદ્દા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે અને તેણે પાટીદાર સમાજને ગુમરાહ કર્યો છે.

ઘણા દીકરાઓ પર ખોટા કેસ કરીને જેલમાં નાખ્યા
હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમિતિની કોઈ મીટિંગ નથી બોલાવી અને કહ્યું નથી કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. હાર્દિક પટેલ ક્યાંક ને ક્યાંક લોભ-લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિનો વિરોધ ભાજપની સામે જ હોય, કારણ કે તેણે પાટીદાર સમાજની મા-બેન-દીકરીઓ સાથે પોલીસે અભદ્ર વર્તન કર્યું છે. ઘણા દીકરા પર ખોટા કેસ કરી અને જેલમાં નાખ્યા છે. હાર્દિક પટેલે પાટીદાર સમાજને ગુમરાહ કરીને પોતાના લોભ- લાલચ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમે તેનો સખત વિરોધ કરીએ છીએ.

ભાજપ સામે અમારો વિરોધ છે
ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા લલિત કગથરા, લલિત વસોયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, તેમની સાથે અમારે કોઈ નિસબત નથી. તેઓ જીતે એવા અભિનંદન, કારણ કે તેઓ સમાજ માટે લડત લડી રહ્યા છે. પાટીદાર સમાજ પર જે પાર્ટીએ અત્યાચાર કર્યો છે તેમની સામે તેઓ લડી રહ્યા છે. તેમણે શરણાગતિ નથી સ્વીકારી, પરંતુ તેઓ લડત લડી રહ્યા છે અને આ લડતવીરોને અમારું સમર્થન છે. ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજ પર અત્યાચાર કર્યો અને અમારા દસ યુવાનનો ભોગ લીધો છે. માટે ભાજપ સામે અમારો વિરોધ છે અને જ્યાં સુધી ન્યાયિક લડત લડાશે ત્યાં સુધી અમારો વિરોધ રહેશે.

EWS પાટીદાર સહિત 16 સમાજને મળે છે
પાટીદાર અનામત આંદોલન સમિતિએ ક્રાંતિકારી સંગઠન છે અને સમાજની માગણીઓને લઈને 10 ટકા EWS મળ્યું છે, માત્ર પાટીદાર નહિ, બાકીના 16 સમાજને મળે છે. પાટીદાર સમિતિમાંથી પણ કોઈ આગેવાન અન્ય પક્ષમાં જાય તો સારું છે, પરંતુ પાસમાં કોઈ એવો ચહેરો નહીં હોય, જે કોઈ પક્ષ સાથે જોડાયેલો હોય. અમારી મુખ્ય માગણી એ છે કે ઓબીસી સમાજમાં પાટીદાર સમાજનો સમાવેશ કરવામાં આવે એ રીતે સરકાર દ્વારા સર્વે કરીને અન્ય જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવે છે એમ પાટીદાર સમાજનો પણ સર્વે કરીને એ મુજબ સમાવેશ થતો હોય એમ સમાવેશ કરવામાં આવે. અમે કોઈ તોફાનો કે હુલ્લડ નથી કરવા માગતા કે સરકારની તકલીફ પડે એવું નથી કરવા માગતા. બસ, જે રીતે સર્વે કરવામાં આવે છે એ રીતે પાટીદાર સમાજનો સર્વે કરીને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે.

PAASની ચાર માગ હજુ પૂરી નથી થઈ

·         શહીદ યુવાનોને ન્યાય મળે

·         તેમના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળે

·         પાટીદાર અનામત આંદોલન જોડે જોડાયેલા ગુજરાતભરના ક્રાન્તિકારી યુવાનો પર સરકાર દ્વારા કે સરકારના સમર્થકો દ્વારા જે ખોટા કેસો કરાયા છે એ તાત્કાલિક અસરથી પાછા ખેંચાય

·         જે માગ સાથે પાટીદાર સમાજ બહાર નીકળ્યો હતો, એટલે કે obc આરક્ષણ પાટીદાર સમાજના નબળા વર્ગના યુવાનોને મળે

 

adv

Related News

post
post
post
post
post
post
post