• Home
  • News
  • ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટ જરૂરી-પાકિસ્તાન સેના
post

ભારતના શીખ શ્રદ્ધાળુઓને કરતારપુર આવવા માટે પાસપોર્ટની જરૂર પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-07 14:41:16

ઈસ્લામાબાદ: ભારતના શીખ શ્રદ્ધાળુઓને કરતારપુર આવવા માટે પાસપોર્ટની જરૂર પડશે. મીડિયાના મતે પાકિસ્તાન ,સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે ગુરુવારે કહ્યું હતું કે સુરક્ષાને લઈ કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓએ પાકિસ્તાનમાં પ્રવેશ કરવા માટે પાસપોર્ટ બતાવવો ફરજિયાત છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને 1લી નવેમ્બરના રોજ કહ્યું હતું કે કરતારપુર આવનાર શ્રદ્ધાળુઓએ પાસપોર્ટની જરૂર પડશે નહીં. બસ એક માન્યતા પ્રાપ્ત ઓળખ કાર્ડ સાથે લાવવું જરૂરી રહેશે. ત્યારબાદ ભારતે બુધવારે પાકિસ્તાન સમક્ષ પાસપોર્ટ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું. આ અંગે હવે પાકિસ્તાન સેના તરફથી નિવેદન આવ્યું છે. 

ઈમરાન ખાન શનિવારે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે. ઈમરાને અહીં પણ કહ્યું હતું કે શ્રદ્ધાળુઓને 10 દિવસ અગાઉ કોઈ જ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર પડશે નહીં અને ગુરુ નાનક દેવ જયંતીના દિવસે 12મી નવેમ્બરના રોજ શ્રદ્ધાળુઓ પાસેથી કોઈ જ ફી વસૂલ કરવામાં આવશે નહીં. અન્ય સામાન્ય દિવસોમાં 20 ડોલર (આશરે રૂપિયા 1400) વસુલ કરવામાં આવશે.

બન્ને દેશ વચ્ચે થયેલી સમજૂતી અંતર્ગત દરરોજ પાંચ હજાર શ્રદ્ધાળુઓ દરબાર સાહિબ જવા અનુમતિ મળશે. આ માટે તેમને વિઝાની જરૂર નહીં પડે, પરંતુ પાસપોર્ટ જરૂરી રહેશે. કોરિડોરથી આવનાર પાંચ હજાર શ્રદ્ધાળુઓ પાસેથી પાકિસ્તાનને આશરે એક લાખ ડોલરની આવક થશે એટલે કે એક વર્ષમાં તેને ત્રણ કરોડ 65 લાખ ડોલરની આવક થશે. વર્તમાન સમયમાં ડોલરની તુલનામાં પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય 155.72 છે. તે પ્રમાણે એક વર્ષમાં આશરે છ અબજ રૂપિયાની કમાણી થશે.

કરતારપુર કોરિડોર ભારતના પંજાબમાં ડેરા બાબા નાનક તીર્થસ્થાનને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લામાં કરતારપુરમાં દરબાર સાહિબ સાથે જોડે છે. આંતરરાષ્ટ્રીય સીમાથી તેનું અંતર માંડ ચાર કિલોમીટર છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post