• Home
  • News
  • પેરાશૂટે વિમાનને ક્રેશ થતાં બચાવી લીધું:બ્રાઝિલનાં જંગલમાં પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ, 2 બાળકો સહિત 6 લોકોનો બચાવ
post

આ ફોટો એક પ્રવાસીએ પાડ્યો હતો. પેરાશૂટની મદદથી પ્લેન નીચે આવી રહ્યું હોવાનું જોવા મળે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-14 19:14:10

સાઓ પાઉલો: એવિએશન સેક્ટરમાં આવું સેંકડો વખત બન્યું હશે જ્યારે વિમાન ક્રેશ થાય તે પહેલાં પાઇલટ અથવા અન્ય ક્રૂ મેમ્બર પેરાશૂટની મદદથી બચી ગયા હોય. જો કે આ મામલો કંઈક અલગ છે. બ્રાઝિલમાં હવાઈ ​​મુસાફરી સાથે જોડાયેલી એક ઘટના બની, જે કદાચ પહેલાં ક્યારેય જોઈ કે સાંભળી ન હોય.

અહીં એક પેસેન્જર એરક્રાફ્ટને એક પેરાશૂટની મદદથી ક્રેશ થતાં બચાવી લેવામાં આવ્યું હતું. સિંગલ એન્જિનવાળા આ વિમાનમાં 6 મુસાફરો હતા. આ તમામ લોકો સલામત છે. આમાંથી બે બાળકો પણ હતાં. એકની ઉંમર માત્ર ત્રણ દિવસની જ હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

એરક્રાફ્ટનું એન્જિન બગડ્યું હતું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રાઝિલના ગીચ જંગલ વિસ્તાર બેલો હોરિઝોનેટમાં કેટલાક પ્રવાસીઓ ફરી રહ્યા હતા. અચાનક તેમની નજર આકાશ તરફ ગઈ. એક વિમાન ઝડપભેર નીચેની તરફ આવી રહ્યું હતું, પરંતુ થોડી જ સેકન્ડોમાં આ વિમાનની નીચે પડવાની ગતિ એટલી જ ઝડપથી ઘટી ગઈ. વિમાનની ઉપર એક સફેદ અને લાલ પેરાશૂટ ખૂલ્યું. તેણે મજબૂત દોરડાથી વિમાનને સંભાળી લીધું હતું.

થોડીવાર બાદ આ વિમાન એકદમ ધીમી ગતિએ જંગલની વચ્ચે જમીન પર ઊતર્યું અને ઊભું રહી ગયું હતું. ગતિ ધીમી હોવાને કારણે ન તો વિમાનમાં આગ લાગી કે ન તો તે ક્રેશ થયું. અહેવાલો અનુસાર, લગભગ 28 હજાર ફૂટની ઊંચાઈએ આ વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. આ એક જીવલેણ મામલો હતો કારણ કે આ વિમાન સિંગલ એન્જિનવાળું હતું.

 

નવી ટેક્નોલોજીની કમાલ
વર્લ્ડ ડેલી ધ નેશનલ મુજબ આ વિમાનમાં એક નવી ટેક્નોલોજી 'સિરસ એરફ્રેમ પેરાશૂટ સિસ્ટમ'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને ઓટોમેટિક ઈલેક્ટ્રોનિક સેન્સર ડિવાઈસ પણ કહેવાય છે. આ ટેક્નોલોજી કારમાં વપરાતી એરબેગ કોન્સેપ્ટ જેવી જ હોય છે.

બ્રાઝિલના જે વિસ્તારમાં આ ઘટના બની, ત્યાં ગાઢ જંગલ છે. આગ લાગવાની ઘટના પણ બનતી રહે છે. જો કે અહીં ફાયર સર્વિસ હંમેશાં એલર્ટ રહે છે. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ફાયર બ્રિગેડની ટીમ એરક્રાફ્ટની નજીક પહોંચી હતી અને વિમાનમાંથી 2 બાળકો સહિત તમામને બહાર કાઢ્યાં હતાં.

અમેરિકાના બનેલું છે આ એરક્રાફ્ટ
આ એરક્રાફ્ટનું નામ Cirrus SR-22 છે અને તેનું અમેરિકામાં મેન્યુફેક્ચર કરવામાં આવ્યું છે. એક એક્સપર્ટ મુજબ Cirrus SR-22ની સેફ્ટી સિસ્ટમ ક્રુ મેમ્બર્સ કે પેસેન્જર માટે હોય છે. પેરાશૂટની મદદથી આખા એરક્રાફ્ટને બચાવવામાં આવ્યું હોય તેવું પહેલીવાર જોવા મળ્યું હતું.

આ વર્ષે જાન્યુઆરીમાં આ પ્રકારનું પ્લેન ક્રેશ થતાં-થતાં બચી ગયું હતું. તેને પણ પેરાશૂટ દ્વારા બચાવી લેવામાં આવ્યું હતું. જો કે તેનો વીડિયો હજી સામે આવ્યો નથી. આ વિમાનમાં ઈમર્જન્સી સાઈડ દરવાજો પણ છે. જો કોઈ કારણે મેઈન દરવાજો લોક થઈ જાય તો ઈમર્જન્સી સાઈડના દરવાજાથી લોકોને બહાર કાઢી શકાય છે. 2014માં ઓસ્ટ્રેલિયામાં બ્લુ માઉન્ટેનમાં ક્રુ મેમ્બર્સને આ ટેક્નિક દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.

જાન્યુઆરી 2022માં Vision Jet SF50 નામનું 7 સીટર એરક્રાફ્ટ પણ અમેરિકાના ઓરલેન્ડોમાં અકસ્માતનો શિકાર થતાં થતાં બચી ગયું હતું. ત્યારે પણ પેરાશૂટ દ્વારા ત્રણેય મુસાફરોનો બચાવ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post