• Home
  • News
  • પાટીલનું ડેમેજ કંટ્રોલ?:બધા કામ પડતા મૂકીને સી.આર.પાટીલે રાજકોટ પહોંચવું પડ્યું; નારાજગી, જૂથવાદને ડામવા આગેવાનોને ટપાર્યા
post

રાજકોટમાં ઉમેદવારોના કામનો રિપોર્ટ મેળવ્યો, 8માંથી 4 બેઠક ભાજપ માટે ચિંતાજનક

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-29 18:54:41

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ છે ત્યારે આજે સાંજે પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટ દોડી આવ્યા છે અને કમલમમાં ઉમેદવારોએ કરેલા કામનો રિપોર્ટ મેળવ્યો હતો. બાદમાં જૂથવાદ અને નારાજગીને ડામવા રાજકોટ જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે સમીક્ષા બેઠક શરૂ કરી હતી. પહેલાં રાજકોટની ચાર બેઠક માટે સમીક્ષા બેઠક યોજાઇ હતી, બાદમાં ગ્રામ્યની ચાર બેઠક માટે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જો કે, બેઠક પહેલા પાટીલે જણાવ્યું હતું કે, ઉમેદવારોએ કરેલા કામનો રિપોર્ટ મેળવવા આવ્યો છું. બેઠક બાદ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે.

કાર્યકર્તાઓએ મતદાતા સાથે સંપર્ક બનાવ્યો
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, સવારે દ્વારકા બાદ રાજકોટ આવ્યો છું. રાજકોટ બાદ ભરૂચ પહોંચી સમીક્ષા બેઠક યોજવામાં આવશે. મતદાનને એક જ દિવસ બાકી છે ત્યારે વધારે કહેવું યોગ્ય નથી. પરંતુ ભાજપના કાર્યકર્તાઓએ મતદાતા સાથે સંપર્ક બનાવ્યો છે. ગુજરાત અને દેશનું ભવિષ્ય જેના હાથમાં સુરક્ષિત છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સમસ્યા હોય તેનો હલ લાવવા બેઠક યોજી
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ છે. આજે સાંજે પ્રચાર પણ બંધ થઈ જશે. એટલે અમારા ઉમેદવારો પાસે કાઈ કરવાનું બાકી હોય અને કાર્યકર્તાઓએ જે તૈયારી કરી હોય તેની એક સમીક્ષા બેઠક રાખી છે. કોઈ સમસ્યા હોય તો હલ કેવી રીતે લાવી શકાય તેના પ્રયત્નો કરવામાં આવશે. અહીંની તૈયારી છે તે રાજ્યના અન્ય જિલ્લામાં પણ કરી શકાય છે.

સમીક્ષા બેઠકમાં કોણ કોણ હાજર
રાજકોટ જિલ્લાની બેઠકોની સમીક્ષા બેઠક સી.આર. પાટીલ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, ભીખુભાઈ દલસાણિયાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખો, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, લાખા સાગઠિયા, અરવિંદ રૈયાણી, તમામ બેઠકના નિરીક્ષકો, તમામ બેઠકના ઇન્ચાર્જ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા છે.

રાજકોટની 8માંથી 4 બેઠક ભાજપ માટે ચિંતાજનક
રાજકોટ શહેર અને જિલ્લાની આઠ બેઠકમાંથી 4 બેઠક પર ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો હોય તેવું જાણવા મળ્યું છે. જેમાં રાજકોટ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, જસદણ અને ધોરાજી બેઠકનો સમાવેશ થાય છે. બે દિવસ પહેલા જ ડો.ભરત બોઘરાને રાજકોટ શહેરની ચારેય અને જસદણ બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ બનાવ્યા છે. ત્યારે પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં બોઘરા સાથે ડેમેજ કંટ્રોલની ચર્ચા થયાનું જાણવા મળ્યું છે.

રાજકોટની બે બેઠક પર ભાજપ માટે જીતવું કઠિન
રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપે રમેશ ટીલાળાને ટિકિટ આપી છે, પરંતુ એના પર આયાતીનું લેબલ લાગેલું હોવાથી ભાજપ માટે આ બેઠક જીતવી કઠિન રહેશે. રમેશ ટીલાળાની વ્યક્તિગત ઇમેજ સારી છે. તેઓ મોટા ભાગના વર્ગમાં સારીએવી નામના ધરાવે છે, પરંતુ આ વખતે પ્રજાપતિ, બ્રાહ્મણ, લોહાણા સહિતના ઉજળિયાત વર્ગનો ખોફ વહોરવો પડે એવી પણ પૂરેપૂરી સંભાવનાઓ છે.

રાજકોટ પૂર્વ બેઠક પર રસાકસીભર્યો જંગ ખેલાશે
રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપે ઓબીસીના ઉમેદવાર તરીકે ઉદય કાનગડને ટિકિટ આપી છે. કાનગડ અત્યારસુધીમાં મેયર, ડેપ્યુટી મેયર, દંડક, શાસક પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હોદ્દો શોભાવી ચૂક્યા છે. ત્યાર બાદ હવે તેમને વિધાનસભાની ટિકિટ પણ આપવામાં આવી છે, ત્યારે ઉજળિયાતોનો એક બહુ મોટો વર્ગ નારાજ છે. આ બેઠક પર કોંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને ઉતાર્યા છે. તેમણે 2012ની ચૂંટણીમાં આ બેઠક પરથી જીત મેળવી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર ચહેરો રાહુલ ભૂવાને ઉતાર્યા છે. તેઓ પણ આ બેઠક પર સારીએવી વગ ધરાવે છે. આ કારણે રાજકોટ પૂર્વ બેઠક પણ ભાજપ માટે જોખમમાં હોવાનું માનવામાં આવે છે.

48 ટકાથી ઓછું મતદાન થાય તો પરિણામ વિપરીત આવી શકે છે
રાજકોટ વિધાનસભાની ચારેય બેઠક માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે કોણ જીતશે? અને કોણ હારશે? તે 8મી ડિસેમ્બરે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું અને ક્યા પક્ષનો કયો ઉમેદવાર કેટલી લીડથી જીત્યા એના પરથી આ ચૂંટણીમાં કેટલું મતદાન થશે તો કયા પક્ષને ફાયદો અને કોને નુકસાન એ સ્પષ્ટ થશે. આ વખતે ચારેય બેઠક પર સરેરાશ 69 ટકાથી વધુ અને 48.23 ટકાથી નીચું મતદાન થાય તો પરિણામ વિપરીત આવી શકે એમ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post