• Home
  • News
  • આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડમાં ચોક્કસ ઘટાડો થશે તો જ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે
post

ક્રૂડમાં નરમાઈ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની આશા ઠગારી નિવડી શકે

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-29 12:58:15

નવી દિલ્હીદક્ષિણ આફ્રિકામાં કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન મળી આવ્યા પછી વૈશ્વિક સ્તરે શૅરબજારમાં કડાકાની સાથે ક્રૂડ ઓઈલના ભાવ પણ ઘટયા છે. પરિણામે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની લોકોને આશા છે. જોકે, સરકારી સૂત્રોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ચોક્કસ સ્તરનો ઘટાડો થશે અને તે કેટલાક વધુ દિવસ સુધી ચાલશે તો જ સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરે તેવી સંભાવના છે.


સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ૧૫ દિવસની સરેરાશના આધારે ફરેફાર કરવામાં આવે છે. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ નવેમ્બર દરમિયાન પ્રતિ બેરલ ૮૦થી ૮૨ ડોલરના સ્તરે રહ્યો છે. ૨૬મી નવેમ્બરે એશિયન ટાઈમસ્ટેમ્પ સુધી બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૪ યુએસ ડોલર ઘટયો હતો. જોકે, અમેરિકન બજાર ખૂલ્યા પછી બ્રેન્ટ વાયદામાં ભારે વેચવાલી પછી આઈસીઈ લંડનમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ ૬ યુએસ ડોલર ઘટીને પ્રતિ બેરલ ૭૨.૯૧ ડોલર થયો હતો.


સૂત્રોએ જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન મળી આવ્યા પછી વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ ખોરવાઈ જવાની આશંકાએ ક્રૂડના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ દૈનિક ધોરણે પેટ્રોલ અને ડીઝલના ભાવની સમીક્ષા કરતા હોય છે, પરંતુ આ સમીક્ષાનો આધારહ અગાઉના પખવાડિયામાં બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ઈંધણ દરની સરેરાશ હોય છે. તેથી રવિવારની બેઠકમાં અગાઉના પખવાડિયાની સરેરાશના આધારે ભાવ નિશ્ચિત થયો છે.


આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો બોલાતા દેશમાં પેટ્રોલ-ડીઝલના રીટેલ ભાવમાં પણ ઘટાડો થવાની અપેક્ષા હતી, પરંતુ પેટ્રોલ પંપો પર ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. નવેમ્બર મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં કોઈ મોટી વધઘટ થઈ નહોતી. તેથી શુક્રવારે ક્રૂડના ભાવમાં થયેલા ઘટાડાની અસર રિટેલ ભાવ પર જોવા મળી નહોતી.


સૂત્રોએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધુ કેટલાક દિવસ ઘટશે તો જ પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં આપણને ઘટાડો જોવા મળશે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે તાજેતરમાં અમેરિકા, ભારત, જાપાન, ચીન સહિતના અગ્રણી દેશોએ અનામત જથ્થામાંથી ક્રૂડ ઓઈલ બજારમાં ઠાલવવાનો નિર્ણય કર્યો હતો. તેથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની આશા વધી હતી. પરંતુ ઓમિક્રોન વાઈરસ મુદ્દે વિશ્વભરમાં ફેલાયેલી ચિંતા વચ્ચે ઓપેક રાષ્ટ્રોની ૧લી-૨જી ડિસેમ્બરે બેઠક યોજાવાની છે, જેમાં તેઓ ક્રૂડનું ઉત્પાદન ઘટાડવાની જાહેરાત કરી શકે છે.


ઓપેક દેશો ક્રૂડનું ઉત્પાદન ઘટાડશે તો પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટવાની આશા ઠગારી નિવડી શકે છે. દેશમાં ૫મી નવેમ્બરે કેન્દ્ર સરકારે પેટ્રોલ પર એક્સાઈઝમાં રૃ. ૫ અને ડીઝલ પર રૃ. ૧૦નો ઘટાડો કર્યા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટયા હતા. ત્યાર પછી ભાવ સ્થિર રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post